માંગરોળના ઝાંખરડા ગામે, ટીસીના લંગર પ્રશ્ને બે જૂથો વચ્ચે બોલાચાલી અને ઢીક્કામુક્કીનો માર મરાયો : સાત સામે FIR દાખલ : સાતે સાતની અટક કરતી માંગરોળ પોલીસ : છ સામે એટ્રોસીટીની કલમ લગાવવામાં આવી
(નઝીર પાંડોર દ્વારા, માંગરોળ) : માંગરોળ તાલુકાનાં ઝાંખરડા ગામે, ટ્રાન્સફોર્મરના લંગર પ્રશ્ને ગામનાં જ બે બે જૂથો વચ્ચે પ્રથમ બોલાચાલી થયા બાદ, બે જૂથો વચ્ચે ઢીકકા મુક્કીની મારામારીનો બનાવ બનવા પામ્યો છે. ઝાંખરડાના સુરેશભાઈ નટવરભાઈ વસાવાએ માંગરોળ પોલીસ મથકે આપેલી ફરિયાદમાં જણાવ્યું છે કે રાત્રીનાં સાડા આંઠ વાગ્યાની આસપાસ સ્ટેશન ફળિયામાં લાઈટ ગઈ હોય, ગામમાં મુકેલા ટીસી પરના ફ્યુઝ ઉડી ગયા છે કે કેમ ? તે જોવા સુરેશભાઇ ગામનાં જ પ્રવિણ રૂપસિંગ વસાવા અને સંજય કંચન વસાવા સાથે ટીસી પાસે ગયા હતા. જયાં ટીસી નાં ફ્યુઝ ઉડી ગયા હોય, લંગર ઉતારી લીધા હતા. આ સમયે ગામનાં જ સીરાજ રહીમ મલેક, અબ્દુલ ગુલામ મલેક, સોયેબ અબ્દુલ મલેક, સોહેલ અબ્દુલ મલેક ટીસી પાસે આવ્યા હતા. અને લંગર ઉતારીયા એ પ્રશ્ને બોલાચાલી થઈ હતી. ઉપરોકત ચાર શખ્સોએ ફરિયાદી સહિત ત્રણને નાલાયક ગાળો આપી, તમે દુબળાઓ શું સમજો છો એમ કહી ઝપાઝપી કરવા લાગ્યા હતા. અને ઢીકકા મુક્કીનો માર મારવા લાગ્યા હતા. આ વખતે અન્ય ત્રણ ઈસમો વાજીદ કરીમ મલેક, ઇકબાલ કરીમ મલેક અને સુનિલ. વાલજી વસાવા દોડી આવ્યા હતા અને આ ઈસમોએ પણ અમોને ઢીકકા મુક્કીનો માર માર્યો હતો. આ વખતે ફળિયામાંથી અન્ય લોકો દોડી આવતાં વધુ મારમાંથી બચ્યા હતા. સુનિલ વસાવાએ પોતાનાં હાથમાં જે ચપ્પુ હતો એનાં વડે પ્રવિણ વસાવાની માતા નામે સાયલીબેન વસાવાને જમણા હાથનાં પંજાના હાથે ચપ્પુ મારી, આ તમામ ચાલ્યા ગયા હતા અને કહેતા હતા કે આજે બચી ગયા છો, જો લાગ આવશે તો જાનથી મારી નાખીશું. સાયલાબેનને સારવાર માટે માંગરોળ સરકારી રેફરેલ હોસ્પિટલમાં લઈ જઈ સારવાર આપવામાં આવી હતી.ત્યારબાદ આ બનાવની જાણ માંગરોળ પોલીસને થતાં પોલીસ ઝાંખરડા ગામે પોહચી હતી. ભોગ બનનાર ઈસમો સાથે ગામનાં મોટાભાગનાં લોકો માંગરોળ પોલીસ મથક ખાતે સુરત જિલ્લા પંચાયતના સદસ્ય ચંદુભાઈ વી વસાવાની આગેવાનીમાં PSI ને રજુઆત કરવા આવ્યા હતા. ત્યારબાદ માંગરોળ પોલીસે સુરેશભાઈ વસાવાની ઉપરોક્ત વિગતોવાળી ફરિયાદ લઈ ઝાંખરડાના અબ્દુલ ગુલામ મલેક, સોયેબ અબ્દુલ મલેક, સીરાજ રહીમ મલેક, ઇકબાલ ગુલામ મલેક, વાજીદ કરીમ જમાદાર, સોહેલ અબ્દુલ મલેક,સુનીલ વાલજી વસાવા આમ કુલ સાત ઈસમો સામે FIR દાખલ કરી છે. જ્યારે સુનીલ વસાવા સિવાયના છ લઘુમતી ઈસમો સામે એટ્રોસીટીની વધારાની કલમ લગાવવામાં આવી છે. સાથે જ માંગરોળ પોલીસે ઉપરોક્ત સાતે સાત ઇસમોની અટક કરી, એમનાં કોરોનાં ટેસ્ટ કરાવી વધુ કાર્યવાહી અને તપાસ માંગરોળ પોલીસ ચલાવી રહી છે.