વ્યારા ખાતે યોગમય ગુજરાત અંતર્ગત “યોગ સંવાદ” કાર્યક્રમ યોજાયો
કોરોના સામે રક્ષણ મેળવવાનુ એક માત્ર અસરકારક માધ્યમ એટલે યોગ : યોગને જનજન સુધી પહોચાડી ગુજરાતને યોગમય બનાવવા રાજ્ય સરકારે યોગબોર્ડની રચના કરી છે – ગુજરાત યોગ બોર્ડના ચેરમેનશ્રી શીશપાલ
(માહિતી બ્યુરો દ્વારા, વ્યારા) : ગુજરાત રાજ્ય યોગબોર્ડ ગાંધીનગર દ્વારા તથા પતંજલિ યોગ સમિતિ અને આર્ટ ઓફ લિવિંગ લકુલીશના સંયુક્ત ઉપક્રમે વ્યારા ખાતે ડૉ.શ્યામા પ્રસાદ મુખર્જી ટાઉન હોલમાં યોગબોર્ડના ચેરમેન યોગસેવકશ્રી શીશપાલની અધ્યક્ષતામાં યોગમયગુજરાત અંતર્ગત “યોગ સંવાદ” કાર્યક્રમ યોજાયો હતો.
આ પ્રસંગે ગુજરાત રાજ્ય યોગ બોર્ડના ચેરમેનશ્રી યોગ સેવક શીશપાલજીએ જણાવ્યું હતું કે યોગ એ ભારતીય સંસ્કૃતિની દેન છે. વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઇ મોદીના સ્વસ્થ અને સમૃધ્ધ સમાજના સ્વપ્નને સાકાર કરવા મુખ્યમંત્રીશ્રી વિજયભાઇ રૂપાણીએ ભૌતિક વિકાસની સાથે અધ્યાત્મિક વિકાસ માટે ગુજરાત યોગ બોર્ડની રચના કરી છે. આગામી દિવસોમાં તંદુરસ્ત અને સમૃધ્ધ ગુજરાતના નિર્માણ માટે યોગબોર્ડની ભુમિકા અંગે જાણકારી આપતા જણાવ્યુ કે, રાજ્યમાં એક લાખ યોગ ટ્રેનરો તૈયાર કરીને સમગ્ર ગુજરાતને યોગમય બનાવાશે જે પૈકી તાપી જિલ્લામાં ત્રણ હજાર યોગ ટ્રેનરો તૈયાર કરવામાં આવશે.
આ પ્રસંગે જનજન સુધી યોગને પહોંચાડવા માટે ગુજરાત યોગ બોર્ડે અભિયાન ઉપાડ્યુ છે. ત્યારે સમાજ અને રાષ્ટ્રને યોગમય બનાવવા યોગાકોચ/ટ્રેનરોએ પોતાને અપડેટ રાખી જિલ્લાની છેવાડે દરેક વ્યક્તિ યોગનું મહત્વ સમજી પોતાની જીવન શૈલીનો ભાગ બનાવી સ્વસ્થ્ય બની રહે તે દિશામાં કામ કરવા આગ્રહ કર્યો હતો. વર્તમાન કોરોના મહામારીમાં ઇમ્યુનિટી વધારવા યોગ-પ્રણાયામ અસરકારક માધ્યમ હોવાનું જણાવી તેની સામે રક્ષણ મેળવવા માટે સોશ્યલ ડીસ્ટન્સ જાળવવા, માસ્ક પહેરવા ,ગરમ પાણી પીવા સાથે નિયમિત યોગ કરવા ઉપરાંત આગામી દિવસોમાં આ કાર્યક્રમની સફળતા માટે ફિઝિકલ સાથે ડીઝિટલનો પણ મહત્તમ ઉપયોગ કરવા ભારપૂર્વક જણાવ્યું હતું.
ચેરમેનશ્રીએ યોગના પ્રતાપે પોતે છેલ્લા વીસ વર્ષથી એક પણ પ્રકારની દવા લીધી નથી અને અત્યાર સુધીમાં યોગના માધ્યમથી એક લાખ લોકોને વ્યસન મુક્ત કર્યા હોવાનુ જણાવી યોગનું માનવી જીવનમાં કેટલુ મહત્વ છે તે સમજાવ્યું હતુ. જીવનના તમામ સુખો યોગમાં સમાયેલા છે અને આજના સમયમાં કોઈપણ ક્ષેત્ર-ફિલ્ડમાં સફળતા માટે યોગ જરૂરી છે તેમ જણાવી જુદાજુદા રોગો સામે કરવાની યોગિક ક્રિયાઓની વિસ્તૃત જાણકારી આપી હતી.
આ પ્રસંગે કલેક્ટર આર.જે.હાલાણીએ જણાવ્યું હતુ કે, યોગ-વ્યાયામ કરવાથી શરીર અને મનની શાંતિ જાળવાઈ રહે છે ત્યારે યોગને ઘર ઘર સુધી પહોચાડી તાપી જિલ્લા સાથે ગુજરાતને યોગમય બનાવવા સૌ સાથે મળી સ્વસ્થ અને શાંતિમય સમાજના નિર્માણ માટે યોગ પ્રતિ જનજાગૃતિ વધે તેવા સહિયારો પ્રયાસ કરીએ.
કાર્યક્રમમાં જિલ્લા આચાર્ય સંઘના પ્રમુખ બીપીનભાઈ ચૌધરી, સ્વામી વિવેકાનંદ મંડળના જિલ્લા વાલી કુલીન પ્રધાન, આર્ટ ઓફ લીવીંગના ગણેશ વસાવા,પતંજલિના તનુજાબેન સહિત મહાનુભાવોએ પ્રાસંગિક પ્રવચનમાં વ્યક્તિના જીવનમાં યોગ-પ્રાણાયામનું મહત્વ સમજાવી યોગને જીવનનો ભાગ બનાવી લેવા જણાવ્યુ હતુ. કાર્યક્રમમાં યોગ ટ્રેનરો સાથે ચેરમેનશ્રીએ પણ યોગ નિદર્શન કરી ઉપસ્થિત સૌને પ્રોત્સાહિત કર્યાં હતા. કાર્યક્રમની શરૂઆતમાં સ્વાગત પ્રવચન કરતા જિલ્લા યુવા વિકાસ અધિકારી અમૃતાબેન ગામીતે કાર્યક્રમની રૂપરેખા આપી હતી જ્યારે જિલ્લા રમત ગમત અધિકારી અમરસિંહ રાઠવાએ આભારવિધી કરી હતી. આ પ્રસંગે જિલ્લા યોગા કોચ રીપ્કાબેન ગામીત સહિત અન્ય યોગા કોચ/ટ્રેનર ભાઈ-બહેનો સોશ્યલ ડિસ્ટનીંગ સાથે ઉપસ્થિત રહ્યા હતા.