આદિવાસી ખેડુત સમાજ દ્વારા ઉકાઈ ડેમનાં ખેડૂતોને પુરતા પ્રમાણમાં સમયસર પાણી મળી રહે તેવા રોટેશન જાહેર કરવા તાપી કલેક્ટરને આવેદન
(પ્રતિનિધિ દ્વારા, વ્યારા) : આદિવાસી ખેડુત સમાજ દ્વારા આજરોજ તાપી જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર આપી ઉકાઈ ડૅમનાં ખેડૂતોને પુરતા પ્રમાણમાં સમયસર પાણી મળી રહે તેવા રોટેશન જાહેર કરવા માગ કરી છે.
આવેદનપત્ર નીચે મુજબ છે, આ વર્ષમાં સારો વરસાદ પડવાથી ઉકાઈ ડેમની સપાટી ૩૪૫ ફૂટની નજીક હોય ઉકાઈ ડેમમાં પુરતા પ્રમાણમાં પાણીનો સંગ્રહ થયેલ છે . ઉકાઈ ડેમનાં કેનલો માંથી પાણીનો વપરાશ કરતા ખેડૂતોને તેમનાં નવા પાક વાવણી ઓરણી કે રોપણીનું આયોજન કરી ઉત્પાદન લઈ શકે તે માટે વર્ષ ૨૦૨૦- ૨૦૨૧નાં પાણીનાં રોટેશન ખેડૂતો સાથે મળી નકકી કરવા જોઈએ. હાલનાં વર્ષમાં કમોસમી અને ભારે વરસાદથી મોટાભાગના ખેડૂતોને નુકશાન થયું છે. પાક નિષ્ફળ ગયા છે જો ડેમમાં કેનાલો માંથી પાણીનો વપરાશ કરતા ખેડૂતો ને સમયસર અને પુરતા પ્રમાણમાં પાણીનાં રોટેશનો નકકી કરી સમયસર પાણી આપવામાં આવેતો ડાંગર, મગફળી, શેરડી, જુવાર, શાકભાજી, મકાઈ જેવા પાકોનું ઉત્પાદન સારી રીતે મેળવી શકાય તેમ છે. માટે અમો આદિવાસી ખેડૂત સમાજ વતી માંગણી કરીએ છીએ કે સમયસર પાણી આપવા માટે ખેડૂતો સાથે મળી સિંચાઈ વિભાગ દ્વારા રોટેશન નકકી કરવામાં આવે જે બાબતે કાર્યવાહી કરશોજી.