જ્યાં માગણી ત્યાં સુવિધા પુરી પાડી પ્રજાના પ્રશ્નો ઉકેલવા સરકાર પ્રતિબધ્ધ : મંત્રીશ્રી ઈશ્વરભાઈ પરમાર
તાપી જિલ્લામાં વાલોડ તાલુકાના ગોડધા ગામે ડિઝિટલ સેવાસેતુ કાર્યક્રમ યોજાયો
મુખ્યમંત્રીશ્રી વિજયભાઈ રૂપાણીએ “ડિઝિટલ સેવાસેતુ” કાર્યક્રમનો રાજ્ય વ્યાપી પ્રારંભ કરાવ્યો
(માહિતી બ્યુરો; વ્યારા) : ગ્રામ્ય વિસ્તારના લોકોને શહેર કે તાલુકા મથક સુધી જવુ ન પડે અને સ્થાનિક સ્તરે જ તાત્કાલિક સરકારી સેવાઓનો લાભ મળી રહે તે માટે આજે મુખ્યમંત્રીશ્રી વિજયભાઈ રૂપાણીએ ગાંધીનગથી રાજ્ય સરકારના ડિઝિટલ ગુજરાતના સ્વપ્નને સાકાર કરવાના ભાગ રૂપે રાજ્ય વ્યાપી “ડિઝિટલ સેવાસેતુ” કાર્યક્રમનો પ્રારંભ કરાવ્યો હતો. જેના ભાગરૂપે તાપી જિલ્લામાં વાલોડ તાલુકાના ગોડધા ગામે સામાજિક ન્યાય અને અધિકારીતા મંત્રીશ્રી ઈશ્વરભાઈ પરમારની અધ્યક્ષતામાં રામજી મંદિર હોલ ખાતે ડિઝિટલ સેવાસેતુ કાર્યક્રમ યોજાયો હતો.
આ પ્રસંગે ઉદબોધન કરતા મંત્રીશ્રીએ જણાવ્યુ હતુ કે, લોકો કચેરીઓમાં આવે તેના બદલે વહીવટી તંત્રની સેવાઓ અને યોજનાઓને લોકો સુધી લઈ જઈ સ્થાનિક સ્તરે લાભ આપવાના અભિગમ સાથે આજથી સમગ્ર રાજ્યમાં ડિઝિટલ સેવાસેતુ કાર્યક્રમની શરૂઆત કરવામાં આવી છે.
વધુમાં મુખ્ય મંત્રીશ્રી વિજયભાઈ રૂપાણીએ જ્યાં માનવી ત્યાં સુવિધા પ્રેરણાની આપી નાગરિકોને તેમને જરૂરી તમામ પ્રાથમિક સેવાઓ-સુવિધા સ્થળ પર પૂરી પાડવાના ઉદ્દેશ્ય સાથે નિર્ણાયક સરકારના જનકલ્યાણના આશય સાથે સ્થળ પર નિકાલ કરવા જનસુવિધાલક્ષી પારદર્શી અને સરળીકરણ કાર્યપધ્ધતિને અમલી બનાવી છે.
રાજ્ય સરકારના ડિઝિટલ ગુજરાતના સ્વપ્નને સાકાર કરવાના ભાગરૂપે મુખ્યમંત્રીશ્રી દ્વારા ડિજિટલ સેવાસેતુ કાર્યક્રમ શરૂ કરવા બદલ અભિનંદન આપતા મંત્રીશ્રીએ જણાવ્યુ કે, સરકાર વિકાસની બાબતે કોઈ પણ કચાશ રાખવા માંગતી નથી. અને તેથી જ્યાં માગણી ત્યાં સુવિધા પુરી પાડીને લોક પ્રશ્નોનું ઘર આંગણે તાત્કાલિક નિવારણ લાવવા માટે સરકાર પ્રતિબધ્ધ છે. સરકાર દ્વારા પ્રારંભના તબક્કે રાજ્યના ૨૩ જિલ્લાઓની ૭૬૯૨ ગ્રામ પંચાયતોને આવરી લેવાઈ છે, જે અંતર્ગત ૨૨ જેટલી સેવાઓનો લાભ લોકોને સ્થાનિક કક્ષાએ જ મળી રહેશે.
મંત્રીશ્રીએ જણાવ્યું કે, રાજ્યની પંચાયતોને ઓપ્ટીકલ ફાઈબર દ્વારા ૩૨૯૬૧ કિ.મી. નેટવર્ક હેઠળ ૭૬૯૨ ગ્રામપંચાયતોને આવરી લેવાઈ છે. ગ્રામ્ય વિસ્તારોમાં હવે ૧૦૦ Mbps હાઈસ્પીડ નેટવર્ક ઉપલ્બ્ધ કરતા મોટાભાગના ગામડાઓને ડિઝિટલ સેવાનો લાભ મળતો થશે. તેમણે આજથી ૨૨ જેટલી સેવાઓનો લાભ મળશે તેમ જણાવી જિલ્લાના લોકોને ડીઝિટલ સેવાઓનો પુરેપુરો લાભલેવા અનુરોધ કર્યો હતો.
આ પ્રસંગે ધારાસભ્યશ્રી મોહનભાઈ ઢોડિયાએ જણાવ્યું હતુ કે, લોકોની વ્યક્તિગત રજુઆતો કે જે સંબધિત વિભાગોના સ્થાનિક તાલુકાના અધિકારીઓ દ્વારા નિકાલ કરી શકાય તેમ હોય તે ધ્યાને લઈ આવી રજુઆતોનો સ્થળ ઉપર જ ઉકેલ લાવી શકાય તે માટે રાજ્ય સરકાર દ્વારા સમગ્ર રાજ્યમાં આજથી ડીઝિટલ સેવાસેતુ કાર્યક્રમની શરૂઆત કરવામાં આવી છે.તાપી જિલ્લાના ૪૬ ગામોમાં આ કાર્યક્રમ શરૂ થઈ રહયો છે. વર્તમાન કોરોનાની મહામારીમાં ગામડાંના લોકોને ડીઝિટલ સેવાઓ આપવા બદલ રાજ્ય સરકારનો આભાર માન્યો હતો.
કાર્યક્રમની શરૂઆતમાં જિલ્લા વિકાસ અધિકારી કુ.નેહા સિંઘે સ્વાગત પ્રવચન કરતા સેવાસેતુ અંતર્ગત સ્થાનિક કક્ષાએ લાભાર્થીઓને ઓછામાં ઓછા સમયમાં ડીઝિટલ સેવાઓનો લાભ મળી રહે તેવો વહીવટી તંત્રનો સતત પ્રયાસ રહેશે તેમ જણાવ્યું હતુ.
અત્રે ઉલ્લેખનીય છે કે, ડીઝિટલ સેવાસેતુ કાર્યક્રમ અંતર્ગત જમીન માપણી અને નવી નોંધ દાખલ કરતી અરજી, આવક, જાતિ, ક્રિમિલેયર, ડોમીસાઇલ પ્રમાણપત્ર, વરિષ્ઠ નાગરિકોના પ્રમાણપત્રને લગતા દાખલાઓની અરજી-કામો, રેશનકાર્ડને લગતી અરજીઓ, મા અમૃત્તમ અને વાત્સલ્ય કાર્ડમાં લાભાર્થીઓની નોંધણી, દિવ્યાંગતા પ્રમાણપત્ર તથા આધાર કાર્ડ અરજીઓ, સ્કોલરશીપ યોજનાના લાભોની અરજીઓ, રાજય સરકારના કૃષિ, પશુપાલન, સહકાર, ગ્રામ વિકાસ, પંચાયત, સમાજ કલ્યાણ, આદિજાતિ વિભાગની યોજનાઓ હેઠળ વ્યક્તિગત લાભ માટેની અરજીઓ, વિધવા અને વૃધ્ધ નિરાધાર સહાય યોજના હેઠળની સેવાઓ મળી કુલ ૨૨ જેટલી સેવાઓનો લાભ મળશે.
આ પ્રસંગે કલેકટર આર.જે.હાલાણી, પ્રાંત અધિકારી હિતેષ જોષી, જિલ્લા ખેતીવાડી અધિકારી સતીષ ગામીત, મામલતદાર નરેન્દ્ર પટેલ, તાલુકા વિકાસ અધિકારી, જિલ્લા પંચાયત સદસ્ય દીગેન્દ્ર ઢોડિયા, સરપંચશ્રી રમેશ હળપતી, ગ્રામ અગ્રણી સર્વશ્રી નરેશભાઈ, જિગ્નેશભાઈ સહિત લાભાર્થીઓ સોશ્યલ ડિસ્ટનીંગ સાથે ઉપસ્થિત રહ્યા હતા.
…….