વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદીએ શરૂ કરેલ સ્વચ્છતાના યજ્ઞમાં જોડાઈ સૌ સાથે મળી કુટુંબ સમાજ રાજ્યને સ્વચ્છ બનાવી સ્વસ્થ અને સમૃધ્ધ રાષ્ટ્રનું નિર્માણ કરીએ : – મંત્રીશ્રી કિશોરભાઈ કાનાણી

Contact News Publisher

આરોગ્ય મંત્રી કિશોરભાઈ કાનાણીની અદયક્ષતામાં વ્યારા ખાતે જિલ્લા કક્ષાનો માતા યશોદા એવોર્ડ કાર્યક્રમ યોજાયો

(માહિતી બ્યુરો દ્વારા; વ્યારા)  : રાજય સરકાર દ્વારા મહિલાઓમાં પડેલ શક્તિઓને બહાર લાવવા દરેક ક્ષેત્રમાં મહિલાઓને માર્ગદર્શન મળી રહે અને સ્વનિર્ભર બનીને આર્થિક ઉન્નતિના માર્ગે આગળ વધે તે હેતુથી જિલ્લા, તાલુકા, નગર પાલિકા અને ગ્રામ્ય કક્ષાએ મહિલા સશક્તિકરણના કાર્યક્રમોનું આયોજન કરવામાં આવે છે. જેના ભાગરૂપે તા. ૨જી ઓક્ટોબર, ગાંધી જયંતિના દિવસે વ્યારા ખાતે આરોગ્ય મંત્રીશ્રી કિશોરભાઈ કાનાણીની અધ્યક્ષતામાં Gujarat Hand Washing Campaign at Nandghar ઈ-લોકાર્પણ તથા જિલ્લા કક્ષાનો માતા યશોદા એવોર્ડ વિતરણ કાર્યક્રમ યોજાયો હતો.
વ્યારા ખાતે આયોજિત સમારોહમાં પ્રેરક ઉદબોધન કરતા મંત્રીશ્રી કાનાણીએ જણાવ્યું હતુ કે, વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઇ મોદીએ રાષ્ટ્રપિતા પૂ.ગાંધીજીની ૧૫૧મી જન્મ જયંતિને રાષ્ટ્રીય સ્વચ્છતા દિન તરીકે ઉજવવાનું નક્કી કરવામાં આવ્યુ હતુ. જે અન્વયે ગુજરાતમાં પણ મુખ્ય મંત્રીશ્રી વિજયભાઈ રૂપાણી દ્વારા સ્વચ્છ ભારત-સ્વસ્થ ભારતના સંકલ્પને સાકાર કરવા માટે સમયબદ્ધ આયોજન કરીને સમગ્ર દેશમાં નવો રાહ ચીંધ્યો છે.
મંત્રીશ્રીએ વર્તમાન કોરોનાની મહામારીને અટકાવવા Gujarat Hand Washing Campaign કાર્યક્રમ ખુબ ઉપયોગી પુરવાર થશે તેમ જણાવી કોરોના સંક્રમણને નાથવા રાજ્ય સરકારે લીધેલ પગલાઓની વિસ્તૃત જાણકારી આપી હતી. તેમણે વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદીએ શરૂ કરેલ સ્વચ્છતાના યજ્ઞમાં જોડાઈ સૌને સાથે મળી કુટુંબ, સમાજ અને રાજ્યને સ્વચ્છ બનાવી સ્વસ્થ અને સમૃધ્ધ રાષ્ટ્રના નિર્માણ માટે સંલ્પબધ્ધ બનવા હાકલ કરી હતી. અને વડાપ્રધાનશ્રીની કલ્પનાના સમાજ અને રાષ્ટ્રના નિર્માણ માટે ગાંધીજીના આદર્શ જીવન મૂલ્યો અપનાવી જીવનને સાચા અર્થમાં સાકાર કરવા અનુરોધ કર્યો હતો.
મંત્રીશ્રીએ સન્માનિત મહિલાઓને અભિનંદન પાઠવતા આગામી સમયમાં પણ વધુ સારી સમાજોપયોગી પ્રવૃતિઓ કરી કુટુંબ અને સમાજના વિકાસમાં સહભાગી થવા અનુરોધ કર્યો હતો.
આ પ્રસંગે અતિ પછાત જાતી વિકાસ બોર્ડના ચેરમેનશ્રી ગૌતમભાઈ ગેડીયાએ જણાવ્યું હતુ કે, મુખ્યમંત્રીશ્રી વિજયભાઈ રૂપાણીની આગેવાની હેઠળ આ સરકારે મહિલાઓના આર્થિક સશક્તિકરણ, સુરક્ષા અને સ્વાસ્થ્ય માટે અનેક પગલા લીધા છે. પરિણામે આજે મહિલાઓ તમામ ક્ષેત્રે આગળ વધી રહી છે. તેમણે મહિલા અને બાળકોના કલ્યાણ માટે કેન્દ્ર/રાજ્ય સરકાર દ્વારા અમલી યોજનાઓની જાણકારી આપી તેનો મહત્તમ લાભ લેવા જણાવ્યુ હતુ.
ડો.શ્યામા પ્રસાદ મુખર્જી હોલ, તરણકુંડ વ્યારા ખાતે આયોજિત સમારોહમાં ” સહી પોષણ – દેશ રોશન ” ના સંક્લ્પને સાકાર કરી સુપોષિત ગુજરાતના સંવેદનશીલ લક્ષ્યને હાંસલ કરવા મહિલા અને બાળ વિકાસ દ્વારા પોષણ કર્મયોગીઓમાં સુપોષણની સંવેદના કેળવવા વિવિધ યોજનાઓના લાભાર્થીઓને પોષણ કીટ તથા વિશિષ્ટ કામગીરી કરનાર મહિલાઓનું સન્માન તેમજ સતત કાર્યરત આંગણવાડી કાર્યકર તેડાગર બહેનોને માતા યશોદા એવોર્ડથી સન્માનિત કરવામાં આવ્યા હતા.
આ પ્રસંગે મંત્રીએ તાપી જિલ્લામાં વ્યારાના બેડકુવા દુર અને લીમડદા ગામે આંગણવાડી કેન્દ્રનું લોકાર્પણ તથા સોનગઢના ખેરવાડા અને દેવલપાડા ગામે થનાર આંગણવાડી કેન્દ્રનું ઈ-ભુમિપૂજન કર્યુ હતુ.
કાર્યક્રમમાં મુખ્યમંત્રીશ્રી વિજયભાઇ રૂપાણીએ ગાંધીનગરથી આંગણવાડી કેન્દ્રો અને બ્લોક ઓફિસનું ઇ-લોકાર્પણ અને ઇ-ભૂમિપૂજન કર્ય હતુ. અને જિલ્લા કક્ષાના ‘‘માતા યશોદા એવોર્ડ’’ વિતરણ તથા નંદઘર ઇન્ફ્રાસ્ટ્રક્ચરની માળખાકીય સુવિધાઓના (NITA) ટ્રેકીંગ માટેની એપ્લીકેશનનું લોન્ચીંગ કર્યુ હતુ.
કાર્યક્રમની શરૂઆતમાં સ્વાગત પ્રવચન કરતા જિલ્લા વિકાસ અધિકારી જે.જે.નિનામાએ તાપી જિલ્લામાં અમલી મહિલા અને બાળ કલ્યાણ યોજનાઓની જાણકારી આપી હતી. આ પ્રસંગે ઉપસ્થિત સૌએ કુપોષણ મુક્ત, સ્વસ્થ અને સશક્ત સમાજના નિર્માણ માટે શપથ લીધા હતા.
આ પ્રસંગે કલેક્ટર આર.જે. હાલાણી, પ્રોગ્રામ ઓફિસર અનિલ પટેલ, ડો. કે.ટી.ચૌધરી, મામલતદારશ્રી ભાવસાર, જિલ્લા પક્ષ પ્રમુખશ્રી જયરામ ગામીત સહિત પદાધિકારી-અધિકારીઓ, આંગણવાડી કાર્યકર બહેનો, કર્મચારીઓ સોશ્યલ ડિસ્ટનીંગની જાળવણી સાથે ઉપસ્થિત રહ્યા હતા. …….

About The Author

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Other