ઉમરપાડામાં આમ આદમી પાર્ટીના કાર્યકરોએ દેખાવો કરી, આવેદનપત્ર આપી કૃષિ કાયદા બીલ પાછુ ખેંચવાની માંગ કરી
(નઝીર પાંડોર દ્વારા, માંગરોળ) : ઉમરપાડાની મામલતદાર કચેરી ખાતે આમ આદમી પાર્ટીના કાર્યકરોએ દેખાવો અને વિરોધ પ્રદર્શન કરી કેન્દ્ર સરકાર દ્વારા લોકસભામાં પસાર કરવામાં આવેલા ખેડૂત વિરોધી ત્રણ કૃષિ કાયદાબીલ પરત ખેંચવાની માંગ સાથે એક આવેદનપત્ર ઉમરપાડાના મામલતદારને પેશ કરાયું છે. ઉમરપાડા તાલુકા આદમીપાર્ટીના પ્રમુખ ગૌરાંગભાઈ ડી.વસાવા અને આમઆદમી પાર્ટીના જિલ્લા પ્રભારી પરસોતમભાઈ સી. પટેલ સહિતના કાર્યકરોએ ભારતના રાષ્ટ્રપતિશ્રીને સંબોધીને તૈયાર કરાયેલું આવેદનપત્ર ઉમરપાડાના નાયબ મામલતદાર મૂળજીભાઈ વસાવાને આપવામાં આવ્યું છે. આવેદનપત્રમાં જણાવાયું છે કે આમ આદમીપાર્ટીના માધ્યમથી ગુજરાતના ૭૦ લાખ ખેડૂતોને નુકશાન થઈ રહ્યું છે, તેના વિરોધમાં આવેદનપત્ર આપી રહ્યા છે. ભારત ખેતીપ્રધાન દેશ છે. દેશના મોટાભાગના લોકો ખેતી સાથે સંકળાયેલા છે. આ બીલ ખેડૂતોના હિતમાં છે, તેવું સરકાર કહી રહી છે, પરંતુ સરકારી અને બિન સરકારી એવોર્ડ પ્રાપ્ત કરેલ કૃષિ તજજ્ઞો અને ખેડૂતના સુચનો સરકારે જાણવાનો પ્રયાસ કર્યો નથી, અને મન માની કરી ત્રણ જેટલા કાળા કાયદા સમાન કૃષિબીલ સંસદમાં પસાર કરવાનો પ્રયાસ કરી રહી છે. વિવિધ રાજ્યની સરકારના સુચનો અભિપ્રાય પણ ધ્યાનમાં લેવામાં આવ્યા નથી, આ બીલથી ખેડૂતો પોતાની જમીનમાં કંપનીના નોકર બની મજૂર તરીકે કામ કરશે તેવી સ્થિતિ ઉભી થવાની છે. ખેતી જેવા પવિત્ર વ્યવસાયમાં કંપનીકરણ કરવાથી સંગ્રહખોરીને પ્રોત્સાહન મળશે અને ખેડૂતોનું ભારે શોષણ આવનારા સમયમાં થશે જેથી ખેડૂતના હિતમાં સરકાર વહેલી તકે આ ત્રણે ત્રણ બીલ પરત ખેંચે એવી આમ આદમી પાર્ટીએ આવેદનપત્રમાં માંગ કરી છે.