“સાવચેતીને સંગ, જીતીશુ જંગ” ના ધ્યેય મંત્ર સાથે ડાંગમાં “કોવિડ-૧૯ વિજયરથ” નું આગમન 

Contact News Publisher

સુબિર તાલુકાના શિંગાણા ગામે રથનું આગમન થતા ગ્રામજનોએ કર્યું સ્વાગત : કલાકારોએ જગાવી જનચેતના

(અર્જુન જાધવ દ્વારા, વઘઈ) : તા: ૨૭: રાજ્યમાં “કોરોના” સામે જનચેતના જગાવવા માટે નિકળેલા “કોવિડ-૧૯ વિજય રથ” નું ડાંગ જિલ્લાના સુબિર તાલુકાના શિંગાણા ગામે આગમન થતા સ્થાનિક સરપંચ સહિતના ગ્રામજનોએ તેનું ભાવભીનું સ્વાગત કર્યું હતું.

પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર ખાતે આવી પહોંચેલા આ રથનું સ્વાગત કરતા સરપંચ શ્રી વિપુલ ગામીત સહિતના અગ્રણી ગ્રામજનો, આરોગ્યકર્મીઓ, માહિતી વિભાગની ટીમ, સ્થાનિક પોલીસ અધિકારીઓ તથા સંબંધિત ગ્રામીણ કર્મચારીઓએ રથના માધ્યમથી જનચેતના જગાવી હતી. રથની સાથે પધારેલા પરંપરાગત માધ્યમના (ભવાઈ) કલાકારો (શ્રી બ્રહ્માણી ભવાઈ કલા મંડળ, સોજીત્રા, તા.ચાણસ્મા, જિ.પાટણ) એ રસાળ શૈલીમાં “કોરોના” સામેનો જંગ જીતવા માટેની ગ્રામજનોને સમજ આપી હતી.

આ વેળા આરોગ્યકર્મી રમેશભાઈ પટેલ, તબીબી અધિકારી ડો. હિરેન પટેલ, આયુષ તબીબ ડો. અનામિકા ગામીત, બરડીપાડાના આયુર્વેદિક મેડિકલ ઓફિસર વૈદ્ય હેતલ ગામીત સહિત આરોગ્યની ટીમ ઉપસ્થિત રહી હતી.

ત્યાર બાદ આ રથ જામાલા ગામેં પહોંચ્યો હતો. જ્યાં સરપંચ સુલોચનાબેન માલવી સહિત આરોગ્યકર્મી મમતા ગામીત, અનિલ ગામીત અને સ્થાનિક ગ્રામજનોએ તેનું સ્વાગત કર્યું હતું. રથ સાથેના કલાકારોએ “કોરોના” સામેની સાવચેતી સહિત કેન્દ્ર સરકારની વિવિધ કલ્યાણલક્ષી યોજનાઓનો પ્રચાર, પ્રસાર કર્યો હતો. રથના માધ્યમથી ગ્રામજનોને ફેસ માસ્ક સહિત જનજાગૃતિનો સંદેશ આપતા સાહિત્યનું પણ વિતરણ કરાયું હતું.

ઉલ્લેખનિય છે કે, રાજ્ય સરકારના સઘન પ્રયાસો અને લોકોના સહયોગથી ગુજરાતમાં કોરોના રિકવરી રેટ ૮૨ ટકા સુધી પહોંચ્યો છે, જ્યારે મૃત્યુ દર ૭ ટકાથી ઘટાડીને ૨.૯ ટકા સુધી લાવી શકાયો છે. દેશના સરેરાશ ૮ થી ૯ ટકા પોઝેટિવ રેટ સામે ગુજરાતમાં ૩.૫ ટકા થી ૪ ટકા છે.

ગુજરાતમાં ધન્વંતરિ રથ, સંજીવની રથ, ૧૦૪ હેલ્પ લાઇન, અને હવે “કોવિડ-૧૯ વિજય રથ” ના માધ્યમથી “કોરોના” સામેનું યુદ્ધ જીતવાની દિશામાં ગુજરાત આગળ વધી રહ્યું છે, તેવો વિશ્વાસ રાજ્યના પાંચ જિલ્લાઓ (જૂનાગઢ, ભુજ-કચ્છ, બનાસકાંઠા, અમદાવાદ, અને સુરત)માં “કોવિડ-૧૯ વિજય રથ” ને ગાંધીનગર ખાતેથી ઇ ફ્લેગથી લીલી ઝંડી આપીને પ્રસ્થાન કરાવતા મુખ્યમંત્રી શ્રી વિજયભાઈ રૂપાણીએ આ પૂર્વે વ્યક્ત કર્યો છે.

રાજ્યમાં સૌના સહકારથી “કોરોના” સામે જંગ જીતવાની રાજ્ય સરકારની સંકલ્પનાને વધુ મજબૂત બનાવવા સાથે, “કોરોના” સામેની લડાઈમાં ગુજરાત સમગ્ર વિશ્વમાં રોલ મોડેલ સાબિત થઈ રહ્યું છે. ગુજરાતની ધન્વંતરિ રથ, ૧૦૪ હેલ્પ લાઇન જેવી વ્યવસ્થાઓની WHO દ્વારા પણ સરાહના કરવામાં આવી છે. ઉપરાંત સુપ્રીમ કોર્ટ દ્વારા પણ ગુજરાતમાં તબીબો દ્વારા કોરોનાના દર્દીઓને અપાતી સેવાની ખાસ નોંધ લેવામાં આવી છે. તો અમદાવાદની પ્રતિષ્ઠિત સંસ્થા IIM દ્વારા પણ ગુજરાતમાં કોરોના સામેના રાજ્ય સરકારના પ્રયાસોને બિરદાવવામાં આવ્યા છે.

વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઇ મોદીના નેતૃત્વ હેઠળ ગુજરાત સહિત સમગ્ર દેશમાં કોરોનાને નિયંત્રણમાં લેવાના સઘન પ્રયાસો કરવામાં આવી રહ્યા છે.

ઉલ્લેખનિય છે કે PIB, ગુજરાત યુનિવર્સિટી, અને UNICEFના સંયુક્ત પ્રયાસોથી આ “કોવિડ-૧૯ વિજય રથ” નું આયોજન કરવામાં આવ્યું છે.

“સાવચેતીને સંગ, જીતીશુ જંગ” તેમજ “સરકારને સંગ, જીતીશુ જંગ” ના ધ્યેય મંત્ર સાથે “કોવિડ-૧૯ વિજય રથ” નો ગુજરાતમાં પ્રારંભ કરાયો છે. આ રથ રાજ્યના ૩૩ જિલ્લાઓના ૯૦ જેટલા તાલુકાઓમાં ૪૪ દિવસો સુધી ભ્રમણ કરીને લોકોને “કોરોના” પ્રત્યે જાગૃત કરશે. પ્રતિદિન સરેરાશ ૬૦ કિલોમીટરની સફર સાથે આ રથના માધ્યમથી ગુજરાતભરમાં ૩૫૦ થી વધુ કલાકારો પરંપરાગત મધ્યમોથી કોરોના સામે સાવચેતીના પગલાં અંગે સંદેશો ગુંજતો કરશે. ઉપરાંત જે લોકોએ કોરોના સામે જંગ જીત્યો છે તેવા “કોરોના વિનર્સ”નું સન્માન પણ કરાશે.

“કોવિડ-૧૯ વિજય રથ” ના માધ્યમથી પ્રજાજનોમાં જાગૃતિ કેળવવા સાથે “કોરોના” સંક્રમણને અટકાવવાના સંયુક્ત પ્રયાસોને બળ મળશે. રથના માધ્યમથી માસ્ક અને સેનેટાઇઝરનો નિયમિત ઉપયોગ સાથે લોકોને અફવાઓ અને ખોટી માહિતીથી દૂર રહેવા અંગે પણ જાણકારી પુરી પડાશે.

ડાંગ જિલ્લામાં તા.૨૭/૯/૨૦૨૦ ના રોજ તાપી જિલ્લામાંથી સુબિર તાલુકાના સિંગાણા ખાતે પ્રવેશેલો “કોવિડ-૧૯ વિજય રથ” પ્રથમ દિવસે સિંગાણા ઉપરાંત જામાલા, નિશાણા, ઝરણ, અને સુબિર ખાતે જનજાગૃતિ કેળવશે.

બીજા દિવસે એટલે કે તા.૨૮ ના રોજ આ રથ આહવા તાલુકાના લવચાલી સહિત કોટબા, ધવલીદોડ, ગોંડલવિહીર, અને મહાલપાડા, તારીખ ૨૯ ના રોજ આહવા બસ સ્ટેન્ડ, ભવાનદગડ, ચીકટિયા, નડગખાદી, અને પીમ્પરી, તથા તારીખ ૩૦/૯/૨૦૨૦ ના રોજ ચીંચીનાગાવઠા, કાલીબેલ, ઝાવડા, ડુંગરડા, અને વઘઇ ખાતે જનચેતના જગાવશે.

About The Author

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *