તાપી જિલ્લા એલસીબીએ સોનગઢના ચોરવાડ ગામ પાસેથી વિદેશી દારૂ સાથે બે આરોપી ઝડપ્યા : એક વોન્ટેડ
(પ્રતિનિધિ દ્વારા, વ્યારા) : સોનગઢ તાલુકાના ચોરવાડ ગામ પાસે હાઈવે પરથી તાપી જિલ્લા એલસીબીએ વિદેશી દારૂ સાથે કુલ રૂપિયા પાંચ લાખ ચાલીસ હજાર છસો રૂપિયાનાં મુદ્દામાલ સાથે બે ઇસમોને ઝડપી પાડ્યો છે જ્યારે એકને વોન્ટેડ જાહેર કરાયો છે.
સોનગઢ પોલીસ મથકેથી જાણવા મળતી વિગત મુજબ સોનગઢ તાલુકાના ચોરવાડ ગામ પાસે નેશનલ હાઇવે ઉપરથી તાપી જિલ્લા એલસીબીએ તા. 26મી ના રોજ રાત્રી દરમિયાન પેટ્રોલિંગમાં હતા તે દરમિયાન બાતમીના આધારે મારુતિ કંપનીની સફેદ કલરની સ્વિફ્ટ કાર નંબર જીજે 19 એ એમ 3901 ને અટકાવી તેમાં તપાસ કરતાં વગર પાસ પરમીટે ભારતીય બનાવટના વિદેશી દારૂની નાની મોટી બોટલ નંગ 504 કિંમત રૂપિયા 33,600/- તથા બે મોબાઇલ જેની કિંમત રૂપિયા 7000/- તથા કારની કિંમત રૂપિયા પાંચ લાખ મળી કુલ રૂપિયા પાંચ લાખ ચાલીસ હજાર છસ્સોના મુદ્દામાલ સાથે તરુણ નટવર ગામિત અને હસમુખ સામા ગામિત બંને રહે. નિશાળ ફળિયું વરજાખન તા. માંડવી જી. સુરતને ઝડપી માલ મોકલનાર ચેગરિયા નામનો વ્યક્તિ એમ ડી વાઈન શોપ નવાપુરને વોન્ટેડ જાહેર કરાયા છે. જે અંગેની ફરિયાદ એલ.સી.બી.ના લેબજી પરબતજીએ સોનગઢ પોલીસ મથકે નોંધાવતા વધુ તપાસ આરંભાઈ છે.