મહારાજા અગ્રસેનજી સમાજવાદના નિર્માતા, ભારતીય સંસ્કૃતિ અને વિચારના મૂર્તિ : રાજ્યપાલ આચાર્ય દેવવ્રત
(નઝીર પાંડોર દ્વારા, માંગરોળ) : અગ્રવાલ વિકાસ ટ્રસ્ટ દ્વારા મહારાજા અગ્રસેનજીની ૫૧૪૪મી જન્મજયંતિ નિમિતે આજરોજ સાંસ્કૃતિક કાર્યક્રમો સાથે મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે, ગુજરાતના રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજી વિડીયો કોન્ફરન્સના માધ્યમથી મુખ્ય અતિથિ તરીકે જોડાઇ મહોત્સવનો પ્રારંભ કરાવ્યો હતો.રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજીએ જણાવ્યું હતું કે, મહારાજા અગ્રસેનજી સમાજવાદ, ભારતીય સંસ્કૃતિ અને વિચારની પ્રતિમા હતા. અગ્રવાલ સમુદાય તેના મહાન પૂર્વજોના સમાજવાદના સિદ્ધાંત વિશે સભાન છે. જાહેર સખાવતના કાર્યમાં હંમેશાં અગ્રેસર રહ્યો છે. વ્યાવસાયિક કુશળતા અને વ્યવહારિક નમ્રતા એ તેમની ઓળખ છેસિટી-લાઇટ સ્થિત મહારાજા અગ્રસેન ભવનના દ્વારકા હોલ ખાતે યોજાયેલા કાર્યક્રમમાં સામાજિક અંતર સાથે સરકારની માર્ગદર્શિકાનું પાલન કરવામાં આવ્યું હતું. કાર્યક્રમમાં ટ્રસ્ટ દ્વારા ગણેશ વંદના, કૃષ્ણ લીલા સહિતના સાંસ્કૃતિક કાર્યક્રમો યોજાયા હતા, જેમાં ટ્રસ્ટની મહિલાઓ અને યુવા શાખા સભ્યોએ રજૂઆત કરી હતી. કાર્યક્રમમાં આયોજન સમિતિના સભ્યોનું સન્માન પણ કરવામાં આવ્યું હતું. કાર્યક્રમોનું ટ્રસ્ટના સોશિયલ મીડિયા પૃષ્ઠ, યુટ્યુબ ચેનલ સહિત વિવિધ ડિજિટલ ચેનલો દ્વારા જીવંત પ્રસારણ કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે અગ્રવાલ વિકાસ ટ્રસ્ટના સુભાષ અગ્રવાલ, સંજય સરાવગી, કન્હૈયાલાલ કોકડા, રાહુલ અગ્રવાલ અને ટ્રસ્ટની મહિલા અને યુવા શાખાના સભ્યો ઉપસ્થિત રહ્યા હતા. જયંતિ મહોત્સવ નિમિત્તે અગ્રવંશ ક્વીઝ અને શેફ એટ હોમનું ડિજિટલ પ્લેટફોર્મ દ્વારા આયોજન કરવામાં આવશે.