ઓલપાડ તાલુકા ટીચર્સ સોસાયટીની ૯૫મી સાધારણ સભા કિરીટભાઇ પટેલની અઘ્યક્ષતામા યોજાઈ
(નઝીર પાંડોર દ્વારા, માંગરોળ) : ધી ઓલપાડ તાલુકાના પ્રાથમિક શિક્ષકોની મર્યાદિત જવાબદારીવાળી પરસ્પર સહકારી શાખવાળી મંડળી લી. ઓલપાડની ૯૫ મી વાર્ષિક સાધારણસભા મંડળીના ચેરમેન કિરીટભાઈ પટેલ (બી.આર.સી. કો-ઓર્ડીનેટર, ઓલપાડ)ના અધ્યક્ષસ્થાને યોજવામાં આવી હતી. આ પ્રસંગે મંડળીના વાઇસ ચેરમેન બળદેવભાઇ પટેલ (કેન્દ્રશિક્ષક, કુંદિયાણા પ્રાથમિક શાળા),ઓલપાડ તાલુકા પ્રાથમિક શિક્ષક સંઘના મહામંત્રી મહેન્દ્રસિંહ ઠાકોર (મુખ્યશિક્ષક, બલકસ પ્રાથમિક શાળા), મંડળીના કારોબારી સભ્યો ઉપરાંત સભાસદ શિક્ષક ભાઈ-બહેનો ઉપસ્થિત રહ્યા હતા.
સભાની શરૂઆતમાં તાલુકાના કોરોના વોરિયર્સ તરીકેની કામગીરી બજાવતા-બજાવતા સદગતિ પામેલ શિક્ષકોને બે મિનિટ મૌન પાળી શ્રદ્ધાંજલિ આપવામાં આવી હતી. નવનિયુક્ત સેક્રેટરી મહેશભાઈ પટેલ (સી.આર.સી.કો-ઓર્ડીનેટર, ઓલપાડ)એ ગત સભાનું પ્રોસિડિંગ વાંચી સંભળાવ્યું હતું જે સર્વાનુમતે બહાલ રાખવામાં આવ્યું હતું. તેમણે સને ૨૦૧૯-૨૦નું પુંજી-દેવું મંજૂર કરી નફાની વહેંચણી કરવા બાબત, બચત થાપણ વ્યાજ દર નક્કી કરવા બાબત, પેટા નિયમમાં સુધારો-વધારો કરવા બાબત જેવા એજન્ડાની વિસ્તૃત છણાવટ કરી હતી. આ પ્રસંગે મંડળીના ચેરમેન કિરીટભાઈ પટેલે પ્રમુખસ્થાનેથી કરજ વ્યાજ સહિતના ત્રણ જેટલા સુધારા રજૂ કર્યા હતા જે ઉપસ્થિત સૌએ આવકાર્યા હતા. તેમણે સૌને સંબોધતા જણાવ્યું હતું કે સભાસદોનો સહકાર, સંચાલકોની સેવા, સાથે જ ઈશ્વરના આશીર્વાદ અને પરસ્પરના સંકલન થકી જ આપણે અપેક્ષિત પ્રગતિ કરી શક્યા છીએ. મંડળીની પરંપરા મુજબ આ પ્રસંગે ચાલુ વર્ષે નિવૃત્ત થયેલ શિક્ષક ભાઈ-બહેનોનું શાલ ઓઢાડી સન્માન કરવામાં આવ્યું હતું. તદ્ઉપરાંત સભાસદ શિક્ષક ભાઈ-બહેનોના એચ.એસ.સી. તથા અેસ.એસ.સી.માં સર્વોત્તમ દેખાવ કરેલ બાળકોને રોકડ પુરસ્કાર આપી સન્માનિત કરવામાં આવ્યા હતા.
અંતમાં આભારવિધિ મંડળીના જોઇન્ટ સેક્રેટરી ભરતભાઈ પટેલ (ઉપશિક્ષક, માસમા પ્રાથમિક શાળા)એ આટોપી હતી. કાર્યક્રમને સફળ બનાવવા બીજા જોઇન્ટ સેક્રેટરી શશીકાંત પટેલ (મુખ્ય શિક્ષક, ઉમરા પ્રાથમિક શાળા)એ જહેમત ઉઠાવી હતી. એમ તાલુકાના પ્રચાર-પ્રસાર પ્રતિનિધિ વિજય પટેલે જણાવ્યું છે.