વઘઇનાં દિવડયાવન થી ચીખલા અને માછળી થી ચિખલાને જોડતો કોઝવે ફરી વરસાદમાં ધોવાતા વાહનચાલકોને ભારે હાલાકી
(અર્જુન જાધવ દ્વારા, વઘઈ) : ડાંગ જિલ્લાના વઘઇ તાલુકાના ઉપરવાસમાં થોડા દિવસો પહેલા પડેલા મુશળધાર વરસાદના પગલે ગાંડીતુર બનેલ પૂર્ણાં નદીના ધસમસતા પૂર ના પાણી દિવડયાવન થી ચીખલા ને જોડતો કોઝવે અને માછળી થી ચિખલાને જોડતા કોઝવે પર ફરી વળતા કોઝવેનું નામોનિશાન મટી જતા આ વિસ્તારના લોકોને ભર ચોમાસે ભારે હાલાકી વેઠવાની નોબત ઉભી થવા પામી હતી .મળતી માહિતી મુજબ ડાંગ જિલ્લામાં વઘઇ તાલુકાના અંતરિયાળ વિસ્તારમાં આવેલ દિવડયાવન થી ચીખલા અને માછળી થી ચિખલા ને જોડતા કોઝવે પર થોડા દિવસો પહેલા ઉપરવાસમાં પડેલા ધોધમાર વરસાદ ને પગલે પૂર્ણાં નદીના ધસમસતા વહેણ કોઝવે પર ફરી વળતા કોઝવે પર બનાવવામાં આવેલ સળિયા સાથે નું સ્લેબ ઉખડી જઇ તણાય જતા માર્ગનું અસ્તિત્વ મટી જતા આ વિસ્તારના લોકો જિલ્લા મથકે થી સંપર્ક વિહોણા થવા સાથે બીમારી કે ઇમરજન્સી વખતે દવાખાના સુધી પહોંચવા પણ દુષ્કર બની જતા ભારે મુશ્કેલી ઉભી થઈ હતી વૈકલ્પિક વ્યવસ્થા ની પણ કોઈ શકયતા ન હોય લોકો ટાપુ પર ફસાય ગયા હોય તેવો અહેસાસ કરી રહ્યા છે ત્યારે હાલ આ વિસ્તારના લોકો કોઝવે પર પગપાળા જવાય તેવી પરિસ્થિતિમાં મોટર સાયકલ ચલાવી ભયજનક સ્થિતિ માં અવરજવર કરી રહ્યા છે,આ બાબતે વહીવટી તંત્ર દ્વારા કોઝવે પર (સ્લેબ) વેરીંગ કોટ કરવાની જરૂરીયાત ઉભી થઇ છે જેને કારણે દર ચોમાસે થતી આ મુશ્કેલીનુ નિવારણ લાવી શકાય એમ છે તથા આસપાસના ગામના લોકોને આવવા-જવાની કાયમી મુશ્કેલી દૂર થાય એમ પણ છે ત્યારે જોવાનું એ રહ્યું કે આ વિસ્તારના લોકોની આ સમસ્યાનો ક્યારે ઉકેલ આવે છે.