સરકાર તરફથી આજથી છઠ્ઠીવાર વિનામૂલ્યે સસ્તા અનાજની દુકાનો ખાતેથી અનાજનું વિતરણ શરૂ : માંગરોળ તાલુકામાં ૫૦ દુકાનો ખાતેથી ૨૦ હજાર કરતા વધુ રેશનકાર્ડ ધારકોને લાભ મળશે
(નઝીર પાંડોર માંગરોળ) : છેલ્લા છ માસ કરતા વધુ સમયથી દેશભરમાં કોરોના ની મહામારી ચાલી રહી છે. પ્રારંભમાં લોકડાઉનની સરકાર દ્વારા જાહેરાત કરવામાં આવતા અનેક કામ ધંધા અને મજૂરી કામો બંધ થઈ ગયા હતા. આ સમયે બે ટાઇમનું ભોજન મેળવવા માટે મજૂરવર્ગ માટે ભારે મુશ્કેલ બન્યું હતું.તેવા સમયે સરકાર તરફથી ગરીબ મજૂરવર્ગ માટે સરકાર માન્ય સસ્તા અનાજની દુકાનો મારફતે વિનામૂલ્યે અનાજ આપવાની જાહેરાત કરવામાં આવી હતી. આજદિન સુધીમાં આજે છઠ્ઠી વાર વિનામૂલ્યે ગરીબ-મજૂર પરિવારોને અનાજ આપવાનો પ્રારંભ કરવામાં આવ્યો છે.માંગરોળ તાલુકાના વીસ હજાર કરતા વધુ રેશનકાર્ડ ધારકોને, તાલુકામાં કાર્યરત ૫૦ સરકાર માન્ય સસ્તા અનાજની દુકાનો ખાતેથી આજે વહેલી સવારથી જ અનાજ આપવાનું શરૂ કરી દેવામાં આવ્યું છે. આ અંગે નાયબ મામલતદાર પુરવઠા વિભાગના ગિરિષભાઈ પરમારે જણાવ્યું છે કે આ અંગેનો અનાજનો પુરવઠો ૫૦ દુકાનો ખાતે મોકલી આપવામાં આવ્યો છે. સાથે જ ગરીબ કાર્ડધારકોને વિનમૂલીયે માસ્ક આપવા માટે માસ્ક પણ અત્રેની કચેરી ખાતેથી આપવામાં આવ્યા છે.