ડાંગ જિલ્લામાં ડાંગરની ખેતી કરતા ખેડૂતોને પજવતા “કરમોડી” ના રોગ સંદર્ભે કૃષિ વિજ્ઞાન કેન્દ્ર-વઘઇનું માર્ગદર્શન 

Contact News Publisher

(અર્જુન જાધવ દ્વારા, વઘઈ) : વઘઇ: તા: ૨૦: ડાંગ જિલ્લામાં ખરીફ ડાંગરનું વાવેતર મોટા પાયે કરવામાં આવે છે, અને પાણીની સગવડ ધરાવતા અમુક ખેડૂતો ઉનાળુ ડાંગરનું વાવેતર પણ કરે છે. જેમને ઘણીવાર “કરમોડી” રોગનો સામનો કરવો પડે છે.

કરમોડી ના રોગ માટે આમ તો બીજા ઘણા પરિબળો જવાબદાર છે, પરંતુ મુખ્યત્વે વાદળછાયું વાતાવરણ, ઝાકળ અને લગભગ ૨૫-૨૮OC તાપમાન આવશ્યક છે. હાલમાં વાતાવરણના બદલાવ જેવા કે વાદળછાયું વાતાવરણ, અને ઝાકળવાળા વાતાવરણને કારણે, ડાંગ જિલ્લામાં આ રોગ ની શરૂવાત થઇ ચુકી છે.

કૃષિ વિજ્ઞાન કેન્દ્ર-વઘઈના ડો. જી. જી. ચૌહાણ (વરિષ્ઠ વૈજ્ઞાનિક અને વડા, કેવીકે, વઘઈ ) ની અધ્યક્ષતામાં ગોઠવાયેલ ડાયગ્નોસ્ટીક વિઝીટમાં કૃષિ મહાવિદ્યાલય, ન.કૃ.યુ., વઘઈના સહ પ્રાદ્યાપક ડૉ. પુષ્પેન્દ્રસિંગ (રોગ શાસ્ત્ર વિભાગ), અને કે.વી.કે., ન.કૃ.યુ., વઘઈના વૈજ્ઞાનિક શ્રી. બી. એમ. વહુનીયા (પાક સંરક્ષણ) દ્વારા કરવામાં આવી, જેમને ડાંગ જિલ્લામાં નડદખાદી, ગીરા દાબદર, કુડકસ અને બીજા વિસ્તારોમાં આ રોગ ભારે માત્રામાં જોવા મળ્યો છે. જે ડાંગરના ખેડૂતો માટે ચિંતા નો વિષય બની શકે તેમ છે.

“કરમોડી” નો રોગ ડાંગરના પાન ઉપર જોવા મળે છે. શરૂઆતમાં પાન પર નાના ઘાટ્ટા અથવા આછા બદામી ટપકાં જોવા મળે છે. જે મોટા થતાં આંખ (ત્રાક) આકારના બન્ને બાજુ અણીવાળા , ૧ સે.મી. લંબાઈના અને તપખીરિયા રંગના, અને વચ્ચેનો ભાગ ભૂખરો સફેદ દેખાય છે. રોગ તીવ્ર સ્વરૂપમાં હોય ત્યારે લગભગ આખા પાન પર આવા ટપકાં જોવા મળે છે. જેથી પાન ચીમળાઈને સુકાઈ જાય છે. છોડનો વિકાસ અટકે છે. પાન સિવાય ગાંઠનો કરમોડી અને કંઠીનો કરમોડી પણ આવે છે.

હાલની અવસ્થાએ કંઠીનો કરમોડી પુષ્કળ માત્રામાં જોવા મળે છે. કંઠી ના કરમોડી માં છોડની કંઠીનો પહેલા સાંધાનો ભાગ ફૂગના આક્રમણથી કાળાશ પડતા ભૂખરા રંગના થઇ જાય છે. તેમજ કંઠીની બીજી શાખાઓના સાંધા પણ કાળા કે ભૂખરા રંગ ના થાય છે. જેથી દાણાને પોષણ મળતું નથી. કેટલીક વાર રોગ ગ્રાહય જાતોમાં આ રોગથી ૯૦% સુધીની નુકશાન નોંધાયેલ છે.

આ રોગના શરૂઆતના નિવારણ માટે સુડોમોનાસ ૬૦મિલી પ્રતિ ૧૦ લીટર પાણીમાં ભેળવી પાન પલળે એવી રીતે છંટકાવ કરવો જોઈએ. પાકમાં ભલામણ કરતાં વધારે નાઈટ્રોજનયુક્ત ખાતરો વાપરવા નહિ. પાકમાં વધુ માહિતી માટે કૃષિ વિજ્ઞાન કેન્દ્ર વઘઈ નો સંપર્ક રૂબરૂ અથવા ફોન દ્વારા કરવો. ફોન ન. – ૦૨૬૩૧ ૨૪૬૨૩૯ ઉપર સંપર્ક સાધવા પણ જણાવાયું છે.

About The Author

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *