સુરતનાં ઉમરપાડામાં બે કલાકમાં ૧૧ અને માંગરોળમાં બે કલાકમાં અઢી ઇંચ વરસાદ પડતાં વિસ્તારોમાં પાણી જ પાણી
(નઝીર પાંડોર દ્વારા, માંગરોળ) : આજે તારીખ ૧૭ ના સુરત જિલ્લાના ઉમરપાડામાં ૧૧ ઈંચ અને માંગરોળમાં બે કલાકમાં અઢી ઇંચ વરસાદ પડતાં માર્ગો, નદી, નાળા, ખેતરો પાણીથી રેલમ છેલ થઈ જવા પામ્યા છે. અવિરત પડેલા વરસાદથી ઉમરપાડાના અનેક માર્ગો પાણીમાં ગરકાવ થઈ ગયા હતા. જ્યારે મોસાલી બજારનો માર્ગ પણ પાણીમાં ગરકાવ થઈ ગયો હતો. ખેતરો પણ પાણીથી ઉભરાઈ ગયા હતા. વરસાદની સાથે વીજળીના કડાકા ભડાકા સાથે વરસાદ તૂટી પડ્યો હતો. બે કલાકમાં જ અવિરત વરસાદ પડતાં, ખેતરો ફરી પાણીથી ભરાઈ જતા ખેડૂતોની સ્થિતિ ખુબજ ખરાબ થઈ જવા પામી છે. મોટાભાગના ખેડૂતોએ તાજેતરમાં જ કેટલાક પાકોનું વાવેતર કર્યું હતું તો કેટલાક ખેડૂતોએ હાલમાજ ખેતીનાં પાકો ઉપર દવાનો છટકવા કર્યો હતો. અને મોંઘુડાટ ખાતર પાકોમાં મૂક્યું હતું એ બધાનું ધોવાણ થઈ જવા પામ્યું છે. માંગરોળમાં બોપોરે ૧૨ થી ૨ દરમિયાન ૬૬ મીમી વરસાદ પડતાં મોસમનો કુલ વરસાદ ૮૧ ઈંચ જ્યારે ઉમરપાડામાં બોપોરે ૨ થી સાંજે ૪ કલાક દરમિયાન ૧૧ ઈંચ વરસાદ પડતાં મોસમનો કુલ વરસાદ ૧૪૩ ઈંચ ઉપર પોહચ્યો છે. જે સમગ્ર રાજ્યમાં સૌથી વધુ વરસાદ ઉમરપાડામાં પડી ચુક્યો છે. આ વરસાદથી ઉમરપાડાના અનેક વિસ્તારો પ્રભાવિત થવા પામ્યા છે. જો કે હજુ સુધી જાન હાનીના કોઈ સમાચાર પ્રાપ્ત થયા નથી.