કૃષિ વિજ્ઞાન કેન્દ્ર, વ્યારા તથા IFFCO-તાપી દ્વારા રાષ્ટ્રિય પોષણ માસની ઉજવણી અંતર્ગત ન્યુટ્રીશનલ કિચન ગાર્ડનની કીટ વિતરણ અને વૃક્ષારોપણ કાર્યક્રમ
(પ્રતિનિધિ દ્વારા, વ્યારા) : ભારતીય કૃષિ અનુસંધાન પરિષદ પુરસ્કૃત નવી દિલ્હી અને નવસારી કૃષિ યુનિવર્સિટી દ્વારા સંચાલિત કૃષિ વિજ્ઞાન કેન્દ્ર વ્યારા ખાતે કાર્યરત છે. આ કેન્દ્ર ખાતે IFFCO-તાપીના સહયોગથી તા. ૧૭ સપ્ટેમ્બર, ૨૦૨૦ના રોજ રાષ્ટ્રિય પોષણ માસ-૨૦૨૦ની ઉજવણી અંતર્ગત ‘ખેડૂત મહિલા તાલીમ કાર્યક્રમ’ યોજાયો હતો. જેમાં ડોલવણ અને વ્યારા તાલુકાના વિવિધ ગામોની ૪૨ આંગણવાડી કાર્યકરબહેનો તેમજ વ્યારા તાલુકાના નાની ચીખલી ગામની ૨૮ આદિવાસી ખેડૂત મહિલાઓ મળી કુલ ૭૦ મહિલાઓએ ઉત્સાહભેર ભાગ લીધો હતો.
કાર્યક્રમનાં અધ્યક્ષ અને માન. સાંસદશ્રી-૨૩-બારડોલી મત વિસ્તાર શ્રી પ્રભુભાઈ વસાવા ન્યુ દિલ્હી ખાતેથી ગુગલ મીટના માધ્યમ થકી ઓન લાઈન જોડાઈને પોષણની અગત્યતા તેમજ કીચન ગાર્ડન અને ટેરેસ ગાર્ડનનું મહત્વ સમજાવ્યું હતું. તેમણે સમતોલ આહાર ઉપર ભાર મૂકતાં જણાવ્યું હતું કે જો બહેનો પોતાના ઘરની આજુબાજુમાં કીચન ગાર્ડન કરે તો શુધ્ધ જંતુનાશક્મુક્ત શાકભાજી મેળવીને પોતાની તંદુરસ્તી જાળવી શકે છે. શ્રી પ્રભુભાઈએ કૃષિ વિજ્ઞાન કેન્દ્ર દ્વારા કરવામાં આવતી કામગીરીની સરાહના કરી હતી.
કાર્યક્રમની શરૂઆતમાં કૃષિ વિજ્ઞાન કેન્દ્ર,વ્યારાના વરિષ્ઠ વૈજ્ઞાનિક અને વડા ડો. સી. ડી. પંડ્યા દ્વારા મહાનુભાવોનું સ્વાગત કરી કાર્યક્રમના મહત્વ વિશે વિસ્તારપૂર્વક સમજાવ્યું હતું. શ્રી આર. જે. હાલાણી(IAS), માન. કલેક્ટર,તાપી દ્વારા સંતુલિત પોષણમાં હવા, પાણી અને ખોરાકના મહત્વ વિશે સમજણ આપી હતી તેમજ તાપી જિલ્લામાં કુપોષણની પરિસ્થિતિ વિશે છણાવટ કરી હતી. સાથે-સાથે તંદુરસ્ત બાળક અને તેની માતાને પોષણયુક્ત આહાર લેવા માટે પ્રચાર પ્રસાર કરવા આંગણવાડી બહેનોને હાકલ કરી હતી. પોષણયુક્ત વાનગીઓનું ખોરાકમાં મહત્વ વિશે સમજાવ્યું હતું.
શ્રી હિતેશ જોષી(GAS), માન. પ્રાંત અધિકારી,તાપી એ તાપી જિલ્લાઓની મહિલાઓ અને બાળકોની ખોરાક આરોગવાની ટેવમાં સુધારો કરવા હાંકલ કરી હતી. વધુમાં, ઔષધિય વનસ્પતિઓને પણ દૈનિક ખોરાકમાં સમાવેશ કરવા તાપી જિલ્લાઓની મહિલાઓમાં આહલેખ જગાવી.શ્રી એસ. એ. ડોડીયા, માન. નાયબ જિલ્લા વિકાસ અધિકારી,તાપી દ્વારા તાપી જિલ્લાઓની મહિલાઓને પોષણયુક્ત આહાર આરોગવા માટે પ્રોત્સાહિત કર્યા હતા.
શ્રીમતી જયશ્રીબેન ચૌધરી, જિલ્લા આયુર્વેદ અધિકારી,તાપી દ્વારા એનીમિયા, કુપોષણ તેમજ કૃમિના લક્ષણો અને તેના નિદાન તેમજ સારવાર માટેની ચર્ચા કરી હતી. ઉપરોક્ત રોગોના નિયંત્રણ માટે ઔષધિય વનસ્પતિ વિશે જ્ઞાન પુરું પાડ્યું હતું. કૃષિ વિજ્ઞાન કેન્દ્ર, વ્યારાના ગૃહવિજ્ઞાન વિભાગના વૈજ્ઞાનિક પ્રો. આરતી એન. સોનીએ ઉપસ્થિત મહિલાઓને ફળ અને શાકભાજીનું આહારમાં મહત્વ, ન્યુટ્રીશનલ કિચન ગાર્ડન તથા સોયાબીનની વિવિધ બનાવટો વિશે માર્ગદર્શન આપ્યુ હતું.
સદર કાર્યક્રમમાં મહાનુભાવો દ્વારા ઉપસ્થિત આંગણવાડી કાર્યકર બહેનો તેમજ ખેડૂત મહિલાઓને સરગવાનો છોડ તથા ન્યુટ્રીશનલ કિચન ગાર્ડનની કીટ વિતરણ કરવામાં આવી હતી તેમજ વૃક્ષારોપણ કાર્યક્રમ કરવામાં આવેલ હતો. કાર્યક્રમનાં અંતે કૃષિ વિજ્ઞાન કેન્દ્ર, વ્યારાના ગૃહવિજ્ઞાન વિભાગના વૈજ્ઞાનિક પ્રો. આરતી એન. સોનીએ આભારવિધી કરી હતી અને સૌને પોષણ શપથ લેવડાવ્યા હતાં.
સમગ્ર કાર્યક્રમનુ સફળ સંચાલન પ્રો. કે. એન. રાણા, વૈજ્ઞાનિક(પાક ઉત્પાદન) દ્વારા કરવામાં આવ્યું હતું.