તાપી જિલ્લામાં આયુષ્માન ભારતના નામે ખોટી જાહેરાત બહાર પાડી ઉઘરાણુ કરતી કન્સલટન્સી કંપનીઓથી સાવધ રહેવા જનતાને જિલ્લા આરોગ્ય તંત્રનો અનુરોધ
(માહિતી બ્યુરો; વ્યારા) : મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી તાપીની એક અખબારી યાદી મુજબ રાજય કક્ષાએથી જાણવા મળેલ માહિતી અનુસાર વિવિધ જિલ્લાઓમાં લોકલ તેમજ અન્ય વર્તમાન પત્રોમાં આયુષ્માન ભારતના નામે ભરતીની ખોટી જાહેરાત આપી કન્સલટન્સી કંપની દ્વારા લોકો પાસેથી પૈસાનું ઉઘરાણું કરવામાં આવે છે.
તાજેતરમાં ઘણીવાર સોશ્યલ મીડીયા મારફતે કે what’s app ના માધ્યમથી કે જાહેર ન્યુઝ પેપરમાં ક્રીએટીવ કન્સલટન્સી એજન્સીની જાહેરાતો ઉપરોકત યોજનાના કાર્ડ અર્થે વારંવાર આવતી હોય છે જે તદ્દ્ન ખોટી જાહેરાત છે. સરાકારશ્રીએ આ એજન્સીને યોજના અર્થે કામગીરી આપેલ નથી જેથી જાહેર જનતાએ કોઈપણ પ્રકારના પ્રલોભનમાં આવવું નહી તથા કોઇ પણ જાતની પૈસની લેવડ-દેવડ કરવી નહિ.તદુપરાંત આ એજન્સી દ્વારા લોકોને ગેરમાર્ગે દોરી ખોટા કાર્ડ બનાવવાની કામગીરી થતી જાણવા મળ્યા બાદ અન્ય જિલ્લામા આ એજન્સીની વિરુદ્ધ કાયદાકીય કાર્યવાહી પણ કરવામાં આવેલ હોય તાપી જિલ્લાની જાહેર જનતાને વિનંતી કે ઉપરોક્ત એજન્સીની લોભામણી જાહેરાતોમાં આવવું નહિ કે છેતરાવું નહિ.
આ અંગે જિલ્લા આરોગ્ય તંત્ર દ્વારા ખુલાસો કરવામાં આવ્યો છે કે, આયુષ્માન ભારત યોજના કેન્દ્ર સરકાર દ્વારા ચાલતી એક ફલેગશીપ પ્રોગ્રામ છે જેમા આપણા તાપી જિલ્લામાં લાભાર્થીઓ છે. જે પૈકી ૧,૬૭,૭૬૩ લાભાર્થીઓના કાર્ડ બની ગયેલ છે. આ યોજનામાં આપના પરિવારનો સમાવેશ થાય છે કે નહીં તે નજીકના પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર પરથી જાણી શકાય છે. આ યોજના અંતર્ગત ૫,00,000 રૂ. સુધીની હોસ્પિટલ સારવાર પરિવારને કોઈ પણ સમયે પરિવારના કોઈ પણ સભ્યને મળવા પાત્ર છે. જેના માટે કાર્ડ બનાવવો આવશ્યક છે. આ કાર્ડ CSC દ્વારા રૂ.૩૦ માં, ઈ- ગ્રામ સેન્ટર દ્વારા રૂ-૧૨ માં અને યોજના સાથે જોડાયેલ હોસ્પિટલ દ્વારા વિનામુલ્યે બને છે. હાલ યોજના સાથે ગુજરાતની ૨૫૨૨ હોસ્પિટલો જોડાયેલ છે. જેમા જઈ લાભાર્થી પોતાની જરૂરીયાત પ્રમાણેની સારવાર વિનામુલ્યે લઈ શકે છે. જે પૈકી ૨૩ સપ્ટેમ્બર ૨૦૨૦ના રોજ આ યોજનાને ૨ વર્ષ પૂર્ણ થશે ત્યારે તાપી જિલ્લામાં રૂપિયા ૭૯૦૦૦૫૦ સુધીની હોસ્પિટલ સહાય વિનામુલ્યે લીધેલ છે. જેથી અન્ય કોઈ માહિતી પર દોરાવાને બદલે નિ:સંકોચ નજીકના સરકારી દવાખાનાનો સપર્ક કરી યોજના અંગે સાચી માહિતી મેળવવા જિલ્લા આરોગ્ય તંત્ર દ્વારાઅનુરોધ કરવામાં છે.