કોરોના મહામારી વચ્ચે બી.એસ.સી.નાં ત્રીજા વર્ષના વિદ્યાર્થીઓની પરીક્ષા શરુ કરાઈ

(નલિન ચૌધરી દ્વારા, ભડકુવા-માંગરોળ) : સતત કોરોના વધતા જતા કેસોને કારણે વિદ્યાર્થીઓના પરીક્ષા અંગે મુંઝવણ હતી કે પરીક્ષા લેવી કે નહી? અને ક્યારે લેવી? ત્યારે યુનિવર્સિટી દ્વારા નિર્ણય લેવાતા વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટીની સાથે સંકળાયેલ કોલેજોમાં પરીક્ષાનો પ્રારંભ કરવામાં આવ્યો છે. સુરત જિલ્લાનાં માંગરોળ તાલુકાનાં વાંકલ ખાતે આવેલી સરકારી વિજ્ઞાન કોલેજમાં સ્નાતક કક્ષાના ત્રીજા વર્ષનાં સેમેસ્ટર ૬ ની પરીક્ષા લેવામાં આવી હતી.આજે પરીક્ષાનો બીજો દિવસ હતો ત્યારે આજરોજ કુલ ૨૯૯ વિદ્યાર્થીઓએ પરીક્ષા આપી હતી.
વિદ્યાર્થીઓ પરીક્ષાખંડમાં પ્રવેશતા પહેલા માસ્ક પહેરી,થર્મલગનથી ચેકિંગ કરાયું હતું અને સોશિયલ ડિસ્ટન્સ જળવાઇ એ રીતે સેનેટાઈઝર વડે હાથ સેનેટાઇઝ કરી પ્રવેશ આપી પરીક્ષા શરૂ કરવામાં આવી હતી. અને વિદ્યાર્થીઓએ શાંતિપૂર્ણ માહોલમાં પરીક્ષા આપી હતી.કોલેજનાં સ્ટાફ દ્વારા વિદ્યાર્થીઓને કડકપણે યુનિવર્સિટી દ્વારા જાહેર કરાયેલી માર્ગદર્શિકાનાં નિયમોનું પાલન કરાવવામાં આવ્યું હતું.