ડાંગ જિલ્લાનું ગૌરવ : ચીચીનાગાવઠા પ્રાથમિક શાળાના ઉપશિક્ષક શ્રીરજનીભાઈ કે.કુંવરને રાજ્યકક્ષાના શિક્ષણ મંત્રી શ્રીમતી વિભાવરીબેન દવેના હસ્તે રાજ્ય પારિતોષિક ઍવોર્ડ એનાયત
(અર્જુન જાધવ દ્વારા, વઘઈ) : તા.૦૫/૦૯/૨૦૨૦ના દિને ડૉ.સર્વપલ્લી રાધાકૃષ્ણનના જન્મ દિને ગાંધીનગર ખાતે મહામહિમ રાજ્યપાલશ્રીના અધ્યક્ષપણા હેઠળ કાર્યક્રમનું આયોજન કરવામાં આવેલ જેમાં મુખ્યમંત્રી શ્રીવિજયભાઈ રૂપાણી સાહેબ,શિક્ષણ મંત્રીશ્રી ભુપેન્દ્રસિંહ ચુડાસમા સાહેબ,રજ્યકક્ષાના શિક્ષણમંત્રી શ્રીમતી વિભાવરીબેન દવે,સચિવશ્રી તથા નિયામકશ્રીની હાજરીમાં પ્રાથમિક અને માધ્યમિક વિભાગ માંથી ૪૪ શિક્ષકોનું સન્માન કરવામાં આવેલ હતું. જેમાં ડાંગ જિલ્લામાંથી શ્રી રજનીભાઈ કાશીરામભાઈ કુંવરને માનનીય રજ્યકક્ષાના શિક્ષણમંત્રી શ્રીમતી વિભાવરીબેન દવેના હસ્તે ઍવોર્ડ આપવામાં આવ્યો હતો.જેઓ ડાંગ જિલ્લાના ચિચોંડ ગામના વતની અને હાલમાં ચીચીનાગાવઠા પ્રાથમિક શાળામાં ઉપશિક્ષક તરીકે ફરજ બજાવે છે.
શ્રી રજનીભાઈ કાશીરામભાઈ કુંવરની સ્થાનિક પ્રજામાં સાદા, સરળ સ્વભાવના અને શિસ્ત, ક્ષમા અને કરુણાની મૂર્તિ તરીકેની પ્રતિષ્ઠા અંકિત થયેલ છે.”શાળા એ જ મારુ ઘર” માની ગામના બાળકોના ઉચ્ચતમ શૈક્ષણિક અને સંસ્કારલક્ષી શિક્ષણ આપેલ છે.
બાળકો અને વાલીઓ સાથે આત્મીયતાનો નાતો જોડી બાળકોના નામાંકન, પ્રવેશીકરણ, સ્થાયીકરણ, ગણવેશ, હાજરી, પરિણામ બાબતે ૧૦૦% સિદ્ધિ હાંસલ કરેલ છે. શિક્ષણની કામગીરી સાથે-સાથે સહઅભ્યાસિક પ્રવૃતિઓ જેવી કે પ્રવાસ-પર્યટન, તમામ પ્રકારના સાંસ્કૃતિક કાર્યક્રમો તથા સ્પર્ધાઓથી બાળકોને પ્રોત્સાહિત કરેલ છે. વ્યસનમુક્તિ, રસીકરણ, પોલીયો ઝુંબેશ જેવા આરોગ્યલક્ષી કાર્યક્રમો દ્વારા લોકજાગૃતિનું પણ કામ કરેલ છે.ગ્રામ સફાઈ, વૃક્ષારોપણ, સ્વચ્છતા અભિયાન, મહિલા દિનની ઉજવણી પણ ભવ્ય રીતે કરેલ છે. તેમણે તેમની શાળાના ધોરણ-૫ ના મોટાભાગના બાળકોને સાક્ષારી વિષયોમાં નબળા બાળકોની કચાસ દૂર કરવા માટે શિક્ષણમાં ટેકનોલોજીનો ઉપયોગ કરવાનું નક્કી કર્યું.બાળકોના બોદ્ધિક વિકાસ થાય તે માટે ગુજરાત રાજ્ય પાઠ્યપુસ્તક મંડળ, ગાંધીનગર નક્કી કરેલ અભ્યાસક્રમ મુજબના સોફટવેરની ખરીદી કરી એમના લેપટોપમાં ઇન્સોલ કરી વર્ગમાં પ્રોજેક્ટર પર વિષયવાર એકમનું નિદર્શન કરાવવામાં આવે છે. દ્રશ્ય-શ્રાવ્ય સાધનના ઉપયોગથી બાળકો ગમ્મત સાથે જ્ઞાન મેળવે છે. આમ જે બાળકોને પ્રથમ વખતે સંકલ્પના સિધ્ધ થઈ ન હોય તેવા બાળકો માટે બીજી વખત વિડીયો દ્વારા શીખે છે.
Teach to Technology ના માધ્યમથી શાળાના તમામ બાળકોને અઠવાડિયામાં એક વખત વર્ગમાં બેઠા-બેઠા દુનિયાની સફર કરે છે.દા.ત. વન્યસૃષ્ટિ, દરિયાઈ જીવો, મંદિરો, નદીઓ, કિલ્લાઓ, સરોવર, એતિહાસિક સ્થળો, પ્રાણી સંગ્રહાલય, પ્રવાસન સ્થળો, અભ્યારણ તથા ફિલ્મો દ્વારા બાળકોમાં જ્ઞાન ઉત્તરોતર વૃધ્ધિ થાય છે.
તેમણે પ્રસ્તુત ઇનોવેસન સંલગ્ન ચીચીનાગાવઠા પ્રાથમિક શાળામાં ભણતા વિદ્યાર્થીઓના વાલીઓની આર્થિક સ્થિતિ સારી ના હોઈ લોક સહયોગ મેળવી આ વિદ્યાર્થીઓ માટે શૈક્ષણિક સાધન-સામગ્રી ઉપલબ્ધ કરાવી આ જરૂરિયાત સંતોષતા દાતાશ્રીઓ દ્વારા મળેલ દાનમાંથી વધેલ રકમનો ઉપયોગ માત્ર પોતાના વિકાસ અર્થે ન કરતા અન્ય શાળાઓના વિકાસ અર્થે કરવાનું શરુ કર્યું. અન્ય શાળાઓમાં શૈક્ષણિક પ્રવાસ,તિથિ ભોજન તથા અન્ય આવશ્યક ભૌતિક સુવિધાઓ પૂરતા પ્રમાણમાં મળી રહે તે માટે દાનની વ્યવસ્થા કરી આપી.
તેઓને વિવિધ સન્માનોથી નવાજવામાં આવેલ છે.શાળા ગુણવત્તા એવોર્ડ-૨૦૦૭,જિલ્લાકક્ષાએ શ્રેષ્ઠ શિક્ષક એવોર્ડ-૨૦૧૬, પ્રાથમિક સંઘ અને ૨૦૨૦માં ચિત્રકૂટ એવોર્ડ અને અન્ય સંસ્થાએ પણ એમની કામગીરીને બિરદાવી છે.
આમ, શૈક્ષણિક, સામાજિક ક્ષેત્રે તેમને કરેલ વિવિધ પ્રવૃતિઓને ધ્યાને લઇ રાજ્ય સરકારે સને ૨૦૨૦ના શ્રેષ્ઠ શિક્ષક રાજ્ય પારિતોષિક માટે તેમની પસંદગી કરતા જિલ્લા માં ખુશી નો માહોલ બન્યો હતો.રજનીભાઇ ને શિક્ષક સમાજ ખુબ-ખુબ અભિનંદન અને ઉતરોઉતર પ્રગતિ માટે શુભકામનાઓ પાઠવી રહ્યા છે.