વ્યારા ખાતે મંત્રીશ્રી ઈશ્વરભાઈ પરમારના અધ્યક્ષ સ્થાને શ્રેષ્ઠ શિક્ષક સન્માન સમારોહ યોજાયો
શિસ્ત, ક્ષમા અને કર્તવ્યનિષ્ઠાનો ત્રિવેણી સંગમ એટલે શિક્ષક : ગરીબી સામે લડવા માટેનું ઉત્તમ શસ્ત્ર એટલે જ શિક્ષણ : સામાજીક ન્યાય અને અધિકારીતા મંત્રીશ્રી ઈશ્વરભાઈ પરમાર
(માહિતી બ્યુરો વ્યારા-તાપી) તા.૦૫ – તાપી જિલ્લાના મુખ્ય મથક વ્યારા (કે.કે.કદમ કન્યા વિદ્યાલય) ખાતે આજરોજ ૫ મી સપ્ટેમ્બર શિક્ષક દિનની ઉજવણી રાજ્યના સામાજીક ન્યાય અને અધિકારીતા મંત્રી શ્રી ઈશ્વરભાઈ પરમારના અધ્યક્ષ સ્થાને, ધારાસભ્યશ્રી મોહનભાઈ ઢોડિયા, કલેકટરશ્રી આર.જે.હાલાણી અને જિલ્લા વિકાસ અધિકારીશ્રી નેહાસિંઘની ઉપસ્થિતિમાં કરવામાં આવી હતી.
શિક્ષણ ક્ષેત્રે શ્રેષ્ઠ યોગદાન આપનાર તાપી જિલ્લાના સારસ્વતોનું સન્માન કરતા મંત્રીશ્રી ઈશ્વરભાઈ પરમારે જણાવ્યું હતું કે જેમની યાદમાં શિક્ષક દિનની ઉજવણી કરવામાં આવે છે. એવા ભૂતપૂર્વ રાષ્ટ્રપતિ શ્રી ડો.સર્વપલ્લી રાધાકૃષ્ણનને શત શત નમન. શિસ્ત,ક્ષમા અને કર્તવ્યનિષ્ઠાનો ત્રિવેણી સંગમ એટલે શિક્ષક. એક શિલ્પકારથી પણ ચડિયાતો શિક્ષક છે. કારણ કે શીલ્પી મૌન કલાકૃતિ કંડારે છે જ્યારે શિક્ષક જીવંત પાત્ર માં કલાઓના રંગ નિખારે છે.આપણા દેશમાં ગુરૂ અને શિષ્યની પરંપરાનો ઈતિહાસ છે. શિક્ષક ધારે તો નવા યુગનું નિર્માણ કરી શકે છે. ગરીબી સામે લડવાનું ઉત્તમ શસ્ત્ર શિક્ષણ છે. શિક્ષણ સિંહણના દુધ જેવુ છે. દેશના વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદીની દિર્ધ દ્રષ્ટિ ને કારણે નેશનલ એજ્યુકેશન પોલીસી ઘડવામાં આવી છે. દેશભરમાંથી મળેલ વ્યાપક સમર્થન અને પ્રતિભાવો મેળવીને નવી શિક્ષણ નીતિ ઘડવામાં આવી છે. જેનાથી દેશનું પ્રારબ્ધ બદલી શકાશે.
ધારાસભ્યશ્રી મોહનભાઈ ઢોડિયાએ જણાવ્યું હતું કે દરેક શિક્ષક વિદ્યાર્થીની કારકિર્દી ઘડવા માટે ખૂબ મહેનત કરે છે.આપણે શિક્ષકોને વધાવવા જોઈએ. શિક્ષકની આખા વર્ષની મહેનતનું સરવૈયુ આપણે ૫ મી સપ્ટેમ્બરે જોઈ શકીએ છે.
તાપી કલેકટરશ્રી આર.જે.હાલાણીએ શિક્ષકોને અભિનંદન આપતા જણાવ્યું હતુ; કે શિક્ષકે કરેલી સેવાનો આપણો સમાજ ઋણી છે. તેઓ નિસ્વાર્થ ભાવે સેવા કરે છે. તાપી જિલ્લાના શિક્ષકોએ રક્તદાન કેમ્પનું આયોજન કર્યું હતું. તેમજ કોરોના મહામારી દરમિયાન ધોરણ-૧૦ અને ૧૨ ના વિદ્યાર્થીઓ માટે પ્રશ્નબેંક તૈયાર કરી અને લોકડાઉનમાં યુટ્યુબ ઉપર ઓનલાઈન શિક્ષણ પહોંચાડવાની ઉમદા કામગીરી કરી હતી. આજના દિવસે તમામ શિક્ષકોને વંદન કરૂં છું. અને રાષ્ટ્ર કક્ષાએ વધુમાં વધુ શિક્ષકો નોમીનેશન થાય તેવી શુભેચ્છા કલેકટર હાલાણીએ પાઠવી હતી.
જિલ્લા વિકાસ અધિકારીશ્રી નેહાસિંઘે સ્વામી વિવેકાનંદને યાદ કરતા જણાવ્યું હતું કે એવા શિક્ષણની જરૂર છે કે જેનાથી ચારિત્ર્ય નુ; ઘડતર થાય શિક્ષક જ એવો વ્યવસાય છે કે જેનો ઉત્સવ ઉજવાય છે. શિક્ષકો પાયાનુ શિક્ષણ આપી ઈતિહાસ ની રચના કરે છે. ઈ.ચા.જિલ્લા શિક્ષણાધિકારી અને જિલ્લા પ્રાાથમિક શિક્ષણાધિકારી શ્રી બી.એમ.પટેલે સૌ મહાનુભાવોનું શાબ્દિક સ્વાગત કર્યું હતું.
શિક્ષક દિન ઉજવણી નિમિત્તે તાલુકા,જિલ્લા અને રાષ્ટ્રકક્ષાએ ગૌરવરૂપ કામગીરી કરનાર શિક્ષકો પારૂલબેન ચક્રવર્તી, ટંડેલ વિમલભાઈ, જ્યોત્સનાબેન ચૌહાણ, રાજ્યકક્ષાએ ડો.કેતકીબેન શાહ તથા રાષ્ટ્રકક્ષાએ નોમીનેશન થનાર કે.કે.કદમ કન્યા વિદ્યાલયના આચાર્યા સંગીતાબેન ચૌધરીનુ મંત્રીશ્રી ઈશ્વરભાઈ પરમાર તથા મહાનુભાવોએ પારિતોષિક આપી સન્માન કર્યું હતું.
આ પ્રસંગે પ્રાંત અધિકારીશ્રી હિતેશ જોષી,મામલતદારશ્રી બી.બી.ભાવસાર,ર.ફ.દા.બુ.કેળવણી મંડળના પ્રમુખ અજયભાઈ શાહ,જિલ્લા શિષણ સમિતિના ચેરમેન દિલીપભાઈ ચૌધરી સહિત શિક્ષકો ઉપસ્થિત રહ્યા હતા. કાર્યક્રમના પ્રારંભે કે.કે.કન્યા વિદ્યાલયના શિક્ષકા રૂપલબેને પ્રાર્થના રજુ કરી હતી. અને આભારવિધિ પ્રાથમિક સંઘના પ્રમુખ સુધાકરભાઈ એ કરી હતી.
૦૦૦૦૦૦૦