કોવિડ દર્દી અને પરિવારજનો વચ્ચે સેતુરૂપ ભુમિકા ભજવતું સુરત સિવિલનું ‘હેલ્પ ડેસ્ક’

કોરોનાગ્રસ્ત દર્દીઓને તેમના સ્વાસ્થ્યની ખબરઅંતર તેમના સ્વજનોને આપવા શરૂ કરાયેલું ‘હેલ્પ ડેસ્ક’ દર્દી અને તેના પરિવાર વચ્ચે સેતુરૂપ ભુમિકા ભજવી રહયું છે.
(નઝીર પાંડોર દ્વારા, માંગરોળ) : રાજ્ય સરકારના ખાસ ફરજ પરના અધિકારીશ્રી તોરવણે, શ્રી મહેન્દ્ર પટેલ, એમ થેન્નારસનની નિગરાની હેઠળ શરૂ કરાયેલાં ‘હેલ્પ ડેસ્ક’માં ૩૭ કર્મચારીઓ ૨૪ કલાક ફરજ નિભાવી રહયા છે. હેલ્પ ડેસ્ક પર ફરજ બજાવતા ડો.વિનોદ વારલેકરે જણાવ્યું હતું કે, ‘તા.૧૯ જુલાઈથી નવી સિવિલના સુપ્રિન્ટેન્ડન્ટની સીધી દેખરેખ અને માર્ગદર્શન હેઠળ ‘હેલ્પ ડેસ્ક’ શરૂ થયું છે. જેમાં સેવા ફાઉન્ડેશનના ૧૫ સ્વયંસેવકો પણ અમારી ટીમ સાથે ખભેખભા મિલાવીને અમારી ટીમ સાથે કાર્ય કરી રહ્યા છે. હાલ દરરોજ દર્દીઓના સગાવ્હાલાના ૧૮૦ શહેરી વિસ્તાર જયારે ૧૬૦ જિલ્લામાંથી ૩૪૦ થી વધુ કોલ એટેન્ડ કરીએ છીએ. કોરોનાગ્રસ્ત દર્દીઓ જ્યારે એકલવાયાપણું અનુભવે ત્યારે કાઉન્સેલીંગ પણ નિભાવીએ છીએ. અમે દિવસમાં એક વાર કોરોના વોર્ડમાં જઈને દર્દીઓને તેમના સગા સબંધીઓ સાથે વિડિયો કોલ પર દર્દીની વાત કરાવીએ છીએ. ઉપરાંત, કોવિડ હોસ્પિટલના આઈ.સી.યુ વોર્ડના દર્દીના સ્વાસ્થ્ય અને સ્થિતિ કેવી છે એ જાણી એમના ઘરના સભ્યોને ફોન કરી જણાવીએ છીએ. પરિવારના સભ્યોએ કોઈ ચીજવસ્તુ મોકલવી હોય અથવા કોઈ સમસ્યા હોય તો પણ ફોન પર કહે છે, એનું નિવારણ પણ કરીએ છીએ. હેલ્પ ડેસ્કની વ્યવસ્થા સાથે સંકળાયેલા સાયકોલોજિસ્ટ અમી પાઠકે જણાવ્યું હતું કે, છેલ્લા એક મહિનાથી સિવિલ હોસ્પિટલ ખાતે હેલ્પ ડેસ્કની શરૂઆત કરવામાં આવી છે. જેમને શક્ય તમામ મદદ કરીએ છીએ અને કોરોના દર્દી સ્થિતિ વિશે જાણ કરીએ છીએ. કોઈ દર્દીની ગંભીર પરિસ્થિતિ હોય એવા સમયે પણ સ્વજનોને એમની હાલત વિશે જણાવીએ છીએ અને આશ્વાસન પણ આપીએ છીએ. કોવિડ-૧૯ હોસ્પિટલમાં દાખલ દર્દી અને સ્વજન વચ્ચે સેતુરૂપ બનતી હેલ્પ ડેસ્ક આશીર્વાદરૂપ સાબિત થઇ રહી છે. દર્દીઓને કોડ નંબર આપવામાં આવે છે. જેના આધારે દર્દીઓની ઓળખ ઝડપીથી થઇ શકે છે. રાજય સરકારના ઉચ્ચ અધિકારીઓના માર્ગદર્શન હેઠળ કોવિડ દર્દીઓ અને તેમના સ્વજનનો કોઇ મુશ્કેલી ન પડે તેવી વ્યવસ્થા સિવિલ કેમ્પસમાં ઊભી કરવામાં આવી છે.