ડાંગના સર્વાંગીણ વિકાસ માટે જિલ્લા અધિકારીઓને પરસ્પર સંકલન અને સહયોગ સાથે કાર્યયોજના ઘડવા શ્રી એસ.કે.નંદાનો અનુરોધ
આહવા ખાતે યોજાયેલી આપત્તિ વ્યવસ્થાપન સમિતિની બેઠકમાં વરિષ્ઠ સનદી અધિકારીશ્રી સુદીપકુમાર નંદાએ આપ્યું ઉપયોગી માર્ગદર્શન
(અર્જુન જાધવ દ્વારા, વઘઈ) : વઘઇ; તા; ૨૧ ; ડાંગ જિલ્લાના સર્વાંગીણ વિકાસ માટે જિલ્લા અધિકારીઓને સ્થાનિક પરિસ્થિતિને અનુરૂપ ઇનોવેટીવ વર્ક પ્લાન તૈયાર કરવાનું આહવાન કરતા રાજ્યના વરિષ્ઠ સનદી અધિકારી એવા નેશનલ ડીઝાસ્ટર મેનેજમેન્ટ ઓથોરીટીના સલાહકાર શ્રી એસ.કે.નંદાએ ડાંગીજનોને ઘર આંગણે જ રોજગારી મળી રહે તેવા આયોજન ઉપર ભાર મુક્યો હતો.
જિલ્લા સેવા સદન ખાતે આયોજિત એક ઉચ્ચસ્તરીય બેઠકમાં માર્ગદર્શન આપતા શ્રી સુદીપકુમાર નંદાએ જિલ્લામાં આદર્શ સંદેશા વ્યવહાર સહિત છેવાડાના સરહદી ગામો સુધી માર્ગ કનેકટીવિટી, વીજળી અને પાણીની સુવિધા સાથે જિલ્લાના જુદા જુદા વિભાગોના પરસ્પર સંકલન અને સહયોગ સાથે કાર્ય યોજના ઘડવા અંગે સુક્ષ્મ માર્ગદર્શન પુરૂ પડ્યું હતું.
જિલ્લા આપત્તિ વ્યવસ્થાપન કમિટીની બેઠકના મુદ્દાઓની ચર્ચા કરતા શ્રી નંદાએ “કોવિદ-૧૯” સંદર્ભે જિલ્લાએ કરેલી સફળ કામગીરીનું યોગ્ય દસ્તાવેજીકરણ થાય તે આવશ્યક છે તેમ જણાવી “રોગ પ્રતિરોધક શક્તિ” વધારવા માટેના આયુષ મંત્રાલયના દિશાનિર્દેશ અનુસાર તેનો વ્યાપક પ્રચાર-પ્રસાર થાય તે જોવાની પણ સુચના આપી હતી.
છેવાડાના ડુંગરાળ ગામોમાં માર્ગ અને વાહન વ્યવહારની સુવિધા સાથે વન વિભાગના જુના કુવાઓને પુન:જીવિત કરવા અંગે માર્ગદર્શન પુરૂ પાડતા શ્રી નંદાએ વિશિસ્ટ ભૌગોલિક પરિસ્થિતિ ધરાવતા ડાંગ જિલ્લામાં ચોમાસા દરમિયાન સંભવિત પરિસ્થિતિને પહોંચી વળવા માટે હાથ ધરવાના પગલાઓની પણ છણાવટ કરી હતી. “કોરોના” ને લઈને અત્યાર સુધી સલામત રહેલા ડાંગ જિલ્લામાં કોરોનાના સંક્રમણને જડબેસલાક રીતે રોકી શકાય તે માટે જિલ્લાની તમામ ચેકપોસ્ટ ઉપરથી આવાગમન કરતા લોકોનું થર્મલ સ્ક્રીનીગ કરવા ઉપર પણ ભાર મુક્યો હતો.
આહવા ખાતે યોજાયેલી બેઠક દરમિયાન ડાંગ કલેકટર શ્રી એન.કે.ડામોરે જિલ્લાના સમગ્રતયા ચિત્રનો ખ્યાલ આપ્યો હતો. જિલ્લા વિકાસ અધિકારી શ્રી એચ.કે.વઢવાણીયા તથા નિવાસી અધિક કલેકટર શ્રી ટી.કે.ડામોરે પુરક વિગતો રજુ કરી હતી.
બેઠકમાં દક્ષિણ ડાંગ વન વિભાગના નાયબ વન સંરક્ષક શ્રી દિનેશ રબારી, પ્રાયોજના વહીવટદાર શ્રી કે.જે.ભગોરા, પ્રાંત અધિકારી કાજલ ગામીત, કાર્યપાલક ઈજનેર શ્રી જે.કે.પટેલ, અધિક જિલ્લા આરોગ્ય અધિકારીશ્રી ડો.સંજય શાહ, જિલ્લા રોગ નિયંત્રણ અધિકારીશ્રી ડો.ડી.સી.ગામીત, ડીઝાસ્ટર મામલતદાર શ્રી જયેશ પટેલ સહિતના સંબંધિત વિભાગોના અધિકારીઓએ ઉપસ્થિત રહી ચર્ચામાં ભાગ લીધો હતો.
–