માંગરોળ : તરસાડી નગરપાલિકામાં આવેલ વોર્ડ ત્રણનો રસ્તો અને ગટરનું કામ અધુરૂ મુકતા રહીશો પરેશાન રહીશોએ તરસાડી નગરપાલિકાના ચીફ ઓફિસરને આપેલું આવેદનપત્ર
(નઝીર પાંડોર દ્વારા, માંગરોળ) : માંગરોળ તાલુકાની એક માત્ર તરસાડી નગરપાલિકામાં આવતાં વોર્ડ નંબર ત્રણમાં આવતાં શિવ રેસિડેન્સીથી રદેરા એપાર્ટમેન્ટ સુધીને જોડતો રસ્તો અને ગટર આવેલા છે, આ બને કામો નવા કરવા માટેનાં કામો મંજુર કરવામાં આવ્યા હતા, આ જૂનો રસ્તો તોડી, ગટરનું ખોદકામ કરી ભરચોમાસાની મોસમમાં આ કામ શરૂ કરવામાં આવ્યું છે, પરંતુ ગટરનું ખોદકામ અધુરૂં મૂકી, આખા વોર્ડ નંબર ત્રણને ભરચોમાસાની મોસમમાં બાનમાં લઈ રહીશો અને વાહનોની અવર જવર માટે રહીશો હાલાકી ભોગવી રહ્યા છે, વરસાદ શરૂ થતાં રસ્તાની હાલત કફોડી બની છે, ગટરની કુંડીઓ પણ રસ્તાની વચ્ચે ખુલ્લી અવસ્થામાં પડી છે હાલમાં કોરોનાની મહામારી ચાલી રહી છે, ત્યારે ગટરનું ગંદુ પાણી એક જ જગ્યાએ એકત્ર થવાથી રોગચાળો ફાટી નીકળવાની દહેશત ઉભી થવા પામી છે. ઉપરોક્ત વિગતોવાળું એક આવેદનપત્ર આજે તારીખ ૧૩મી જુલાઈના રોજ આ વોર્ડનાં રહીશોએ તરસાડી નગરપાલિકાનાં અધિકારીને સુપ્રત કરી, આંઠ દિવસમાં આ કામનો યોગ્ય ઉકેલ લાવવા માંગ કરી છે, યોગ્ય ઉકેલ ન આવશે તો ગાંધીચિધ્યા માર્ગે આંદોલન કરવાની ચીમકી આપી છે.