સુરત ગ્રામ્ય વિસ્તારમાં કોરોનાના પોઝિટિવ કેસોમાં ધરખમ વધારો આજે જિલ્લાના વિવિધ તાલુકાઓમાં વધુ ૭૬ પોઝીટીવ કેસ નોંધાયા : કોસંબા-તરસાડીમાં અર્ધો દિવસ લોકડાઉન જાહેર કરવામાં આવ્યું
(નઝીર પાંડોર દ્વારા, માંગરોળ) : છેલ્લા કેટલાંક દિવસોથી કોરોનાની મહામારી ગ્રામ્ય વિસ્તારમાં ખૂબ ઝડપથી વધી રહી છે, આજે સુરતનાં વિવિધ તાલુકાઓમાં ૭૬ પોઝીટીવ કેસો નોંધવા પામ્યા છે, જેમાં કામરેજ-૧૩, પલસાણા-૧૪, માંગરોળ-૧૪, ચોર્યાસી-૧૭, માંડવી-૨, બારડોલી-૧૩, ઓલપાડ-૩ મળી કુલ ૭૬ કેસોનો સમાવેશ થાય છે, આ સાથે સુરત જિલ્લાનો કોરોનાનો કુલ પોઝીટીવ આક ૧૧૩૩ ઉપર પોહચ્યો છે, જ્યારે આજદિન સુધીમાં કુલ ૩૨ નાં સુરત જિલ્લામાં મોત થયા છે. માંગરોળ તાલુકાનાં તરસાડી અને કોસંબા વિસ્તારમાં કોરોનાએ હાહાકાર મચાવતાં આ મહામારીને રોકવા વહીવટીતંત્ર એ અર્ધા દિવસનો લોકડાઉન જાહેર કર્યો છે, હવે સવારે ૭ થી બોપોરે ૨ વાગ્યા સુધી નાની-મોટી દુકાનો અને રેકડીઓ ખુલ્લી રહેશે, જ્યારે આવશ્યક ચીજ વસ્તુઓની દુકાનો આખો દિવસ ખુલ્લી રહેશે. દુકાનદારોએ દુકાનમાં આવનાર ગ્રાહકોના નામ અને મોબાઈલ નંબરની વિગતો વાળું રજીસ્ટર્ડ નિભાવવાનું રહેશે, આનો અમલ તારીખ ૧૧મી જુલાઈથી આગામી તારીખ ૨૫મી જુલાઈ સુધી કરવાનો રહેશે.