વ્યારાના ખટાર ફળીયા ખાતે ગ્રામજનો સાથે સંવાદ સાધી મંત્રીશ્રી પ્રફુલ પાનશેરીયાએ આધુનિક પશુપાલન પ્રવૃત્તિને બિરદાવી
Contact News Publisher

સ્વામિનારાયણ મંદિર દર્શન અને જનક હોસ્પિટલની નર્સિંગ કોલેજના વિદ્યાર્થીઓ સાથે કર્યો ઉષ્માભર્યો સંવાદ
—
(પ્રતિનિધિ દ્વારા, વ્યારા) : તા. ૨૯ : રાજ્યના આરોગ્ય મંત્રીશ્રી પ્રફુલ પાનશેરીયાએ તાપી જિલ્લાના ૭૨ કલાકના પ્રવાસના ત્રીજા અને અંતિમ દિવસે વ્યારાના ખટાર ફળીયા ખાતે આદિવાસી સમુદાય તથા ગ્રામજનોની મુલાકાત લઈ તેમની સાથે આત્મીયતાપૂર્ણ સંવાદ સાધ્યો હતો.
આ મુલાકાત દરમિયાન મંત્રીશ્રીએ ગામના આગેવાન દ્વારા કરવામાં આવી રહેલી આધુનિક પશુપાલન પ્રવૃત્તિનું પ્રત્યક્ષ નિરીક્ષણ કરી તેમની કામગીરીને બિરદાવી હતી. સાથે જ અન્ય ગ્રામજનોને પણ આધુનિક પશુપાલન અપનાવી આ ક્ષેત્રે નવીનતા લાવવા અને આ પ્રવૃત્તિમાંથી પ્રેરણા લઈ આર્થિક રીતે પગભર થવા અનુરોધ કર્યો હતો.
જે બાદ મંત્રીશ્રીએ વ્યારા સ્થિત શ્રી સ્વામિનારાયણ મંદિરની મુલાકાત લઈ ભગવાનના દર્શન કર્યા હતા અને સૌના સુખ-શાંતિ માટે પ્રાર્થના કરી હતી. ત્યારબાદ નિર્ધારિત પ્રવાસ કાર્યક્રમ પૂર્ણ કર્યા બાદ મંત્રીશ્રીએ વ્યારાની જનક હોસ્પિટલની મુલાકાત લીધી હતી. આ દરમિયાન તેમણે નર્સિંગ કોલેજના વિદ્યાર્થીઓ સાથે ઉષ્માભર્યો સંવાદ સાધી અભ્યાસ, તાલીમ અને આરોગ્ય સેવાઓ અંગે જરૂરી માર્ગદર્શન આપ્યું હતું.
આ તકે ધારાસભ્યશ્રી મોહનભાઇ કોંકણી, જિલ્લાના અગ્રણીશ્રી ડૉ. જગદીશભાઈ પટેલ અને સુરજભાઈ વસાવા સહિતના અગ્રણી-હોદ્દેદારો, સંબંધિત વિભાગના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.
○○○
