સોનગઢમાં જમીનની નકલો માટે ખેડૂતોને ધક્કા: તલાટીઓના ઉડાઉ જવાબથી ખાતેદારોમાં રોષ, મામલતદારને લેખિત રજૂઆત

0
સોનગઢમાં જમીનની નકલો માટે ખેડૂતોને ધક્કા: તલાટીઓના ઉડાઉ જવાબથી ખાતેદારોમાં રોષ, મામલતદારને લેખિત રજૂઆત
Contact News Publisher
(પ્રતિનિધિ દ્વારા, વ્યારા), તા. ૨૯: એક તરફ રાજ્ય સરકાર ખેડૂતોને વિવિધ કલ્યાણકારી યોજનાઓના લાભ સરળતાથી મળી રહે તે માટે પ્રતિબદ્ધ હોવાના દાવા કરી રહી છે, ત્યારે બીજી તરફ તાપી જિલ્લાના સોનગઢ અને વ્યારા તાલુકામાં રેવન્યુ તલાટીઓની કામગીરી સામે ગંભીર સવાલો ઊઠ્યા છે. સરકારી સહાય મેળવવા માટે જરૂરી જમીનના દસ્તાવેજો અને પ્રમાણિત નકલો કાઢી આપવામાં તલાટીઓ દ્વારા ખેડૂતોને ધક્કા ખવડાવી અંતે ‘નન્નો’ ભણી દેવાતો હોવાની ફરિયાદો ઊઠી છે.
સોનગઢ તાલુકાના ખેડૂત ખાતેદારોને વિવિધ સરકારી યોજનાઓનો લાભ લેવા માટે ગામનો નકશો, ગામ નમૂનો નં. ૧ અને ચતુર્સીમાના દાખલા જેવી પ્રમાણિત નકલોની અનિવાર્યપણે જરૂર પડતી હોય છે. આક્ષેપ મુજબ, જ્યારે ખેડૂતો આ નકલો મેળવવા માટે રેવન્યુ તલાટીઓ પાસે જાય છે, ત્યારે તેમને વારંવાર ધક્કા ખવડાવવામાં આવે છે. અંતે તલાટીઓ દ્વારા “આ કામગીરી અમારામાં નથી લાગતી, અમને આની સત્તા નથી” તેવા ઉડાઉ જવાબો આપી નકલો આપવાની સ્પષ્ટ ના પાડી દેવામાં આવે છે. પરિણામે, સમયસર દસ્તાવેજો ન મળતા ગરીબ અને જરૂરિયાતમંદ ખેડૂતો સરકારી સહાયથી વંચિત રહી જાય છે.
તલાટીઓની આ પ્રકારની મનમાની અને અસહકારભર્યા વલણથી કંટાળીને સોનગઢ તાલુકાના મોટા તારપાડા ગામના એક જાગૃત ખેડૂત ખાતેદારે સોનગઢ મામલતદારને લેખિતમાં ફરિયાદ કરી છે. તેમણે રજૂઆતમાં માંગ કરી છે કે તંત્ર દ્વારા ખેડૂતોના હિતમાં યોગ્ય નિર્ણય લઈ, નકલો મેળવવાની કામગીરીમાં થતો બિનજરૂરી વિલંબ અટકાવવામાં આવે.
અત્રે ઉલ્લેખનીય છે કે, દસ્તાવેજો માટે હેરાનગતિની આ સમસ્યા માત્ર સોનગઢ પૂરતી મર્યાદિત નથી, પરંતુ જિલ્લાના મુખ્ય મથક વ્યારા તાલુકામાં પણ ખેડૂત ખાતેદારો આ જ પરિસ્થિતિનો સામનો કરી રહ્યા છે. ત્યારે ઉચ્ચ અધિકારીઓ દ્વારા તલાટીઓને યોગ્ય દિશાનિર્દેશો આપવામાં આવે અને ખેડૂતોની મુશ્કેલીઓનું તાત્કાલિક નિરાકરણ લાવવામાં આવે તેવી તાતી જરૂરિયાત ઊભી થઈ છે.

○○○

About The Author

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Other