નશાકારક પદાર્થોના વેચાણ અને હેરાફેરી સામે પોલીસની ઝીરો ટોલરન્સ નીતિ
Contact News Publisher

NDPS કાયદાની જોગવાઈઓ અંગે અગાઉ પકડાયેલા આરોપીઓને માહિતગાર કરી કડક સૂચનાઓ અપાઈ
(પ્રતિનિધિ દ્વારા, વ્યારા) : તા. ૨૭. નશાકારક પદાર્થોના ગેરકાયદેસર વેચાણ, સેવન અને હેરાફેરી સામે ઝીરો ટોલરન્સની નીતિ અંતર્ગત તાપી જિલ્લા પોલીસ દ્વારા વિશેષ જાગૃતિ કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો.
આ કાર્યક્રમમાં પોલીસ ઇન્સ્પેક્ટરશ્રી કે.ડી. મંડોર (SOG) તથા પોલીસ ઇન્સ્પેક્ટરશ્રી વી.કે. પટેલ (ANW) અને સ્ટાફ દ્વારા નાર્કોટિક્સ સંબંધિત ગુનાઓમાં અગાઉ પકડાયેલા આરોપીઓને બોલાવી NDPS કાયદાની વિવિધ જોગવાઈઓ અંગે વિસ્તૃત સમજ આપવામાં આવી હતી.
આરોપીઓને NDPS કાયદા હેઠળ ગુનાની ગંભીરતા, કડક કાનૂની જોગવાઈઓ, આજીવન કેદ સુધીની સજા તથા ગુનામાં સંડોવણીના ગંભીર કાનૂની પરિણામો અંગે માહિતગાર કરવામાં આવ્યા હતા. આ ઉપરાંત નશાની લતમાંથી મુક્ત થવા માટે નશામુક્તિ કેન્દ્રો અને રિહેબિલિટેશનના મહત્વ અંગે પણ જરૂરી માર્ગદર્શન આપવામાં આવ્યું હતું.
પોલીસ અધિકારીઓ દ્વારા તમામને ભવિષ્યમાં નશાકારક પદાર્થોના ગેરકાયદેસર વેચાણ, હેરાફેરી કે સેવનથી સંપૂર્ણપણે દૂર રહેવા તેમજ આવી કોઈપણ ગેરકાયદેસર પ્રવૃત્તિમાં સંડોવાયેલા ન થવા કડક સૂચનાઓ આપવામાં આવી હતી.
નશામુક્ત સમાજના નિર્માણ અને નાર્કોટિક્સના ગેરકાયદેસર કારોબારને ડામવા પોલીસ દ્વારા કડક કાર્યવાહી સાથે જનજાગૃતિની કામગીરી પણ સતત કરવામાં આવી રહી છે.
○○○
