સોનગઢ તાલુકાના કાકડકુવા ગામે બાગાયત યોજનાઓ અને પ્રાકૃતિક ખેતી અંગે ખેડૂત તાલીમ યોજાઈ
Contact News Publisher

બાગાયતની વિવિધ સહાયલક્ષી યોજનાઓ, આધુનિક ખેતી પદ્ધતિ અને ઓઈલ પામની ખેતી અંગે ૧૫૦થી વધુ ખેડૂતોએ મેળવ્યું માર્ગદર્શન
—
(પ્રતિનિધિ દ્વારા, વ્યારા) : , તા. ૨૭. :- તાપી જિલ્લાના સોનગઢ તાલુકાના કાકડકુવા ગામની ગ્રામ પંચાયતના તાલીમ હોલ ખાતે તા. ૨૭ નવેમ્બરના રોજ બાગાયત ખાતાની વિવિધ યોજનાઓ અને પ્રાકૃતિક ખેતીના પ્રચાર-પ્રસારના હેતુથી એક દિવસીય ખેડૂત તાલીમ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું.

તાલીમ કાર્યક્રમ દરમિયાન ઉપસ્થિત તજજ્ઞો દ્વારા ખેડૂતોને પ્રાકૃતિક કૃષિના વિવિધ આયામો, પ્રાકૃતિક ખેતીની પદ્ધતિઓ, આધુનિક ખેતી પદ્ધતિઓ, નવીન પાક તરીકે ઓઈલ પામની ખેતી અંગેની પદ્ધતિઓ તેમજ બાગાયત ખાતાની વિવિધ સહાયલક્ષી યોજનાઓ અંગે વિસ્તૃત માહિતી અને માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. ખેડૂતોને ખેતીમાં નવીન પદ્ધતિઓ અપનાવી ઉત્પાદન અને આવકમાં વધારો કરવા માટે પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા.
આ તાલીમ કાર્યક્રમમાં ચકવાણ, કાકડકુવા, તરસાડી, કુકરાડુંગરી, ઝરાલી, ચીમકુવા, રામપુરા સહિત આસપાસનાં ગામોના ૧૫૦થી વધુ ખેડૂતોએ ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો.
આ તાલીમ કાર્યક્રમમાં ગામનાં સરપંચ શ્રીમતી ઝીણિબેન, માજી તાલુકા સદસ્ય શ્રી રાયસિંગભાઈ, મદદનીશ બાગાયત નિયામક હિતેષભાઈ પુરોહિત, બાગાયત અધિકારી આનંદ બાગુલ, ખેતી અધિકારી પ્રતિભાબેન (કે.વી.કે., વ્યારા), પ્રાકૃતિક કૃષિના માસ્ટર ટ્રેનર નટવરભાઈ, BTM-ATMA કચેરીના રવિન્દ્રભાઈ તેમજ ગોદરેજ કંપની લિમિટેડના ઓઈલ પામ બ્લોક મેનેજર અમિતભાઈ સહિત બાગાયત વિભાગના અધિકારીઓ અને કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા હતા.
○○○
