તાપી જિલ્લામાં ‘પોષણ ભી, પઢાઈ ભી’ના મંત્ર સાથે ખીલી રહ્યું છે બાળપણ
Contact News Publisher

પોષણ અને શિક્ષણ સાથે સંસ્કૃતિના સંવર્ધનનો સેતુ ICDS વિભાગ દ્વારા ભૂલકાઓના સર્વાંગી વિકાસનો અભિનવ પ્રયાસ
—
બાળકોમાં બાળપણથી જ ‘સ્ટેજ ફિયર’ દૂર કરી આત્મવિશ્વાસનું સિંચન કરતું આઈસીડીએસ
—
(પ્રતિનિધિ દ્વારા, વ્યારા) : તા. 25. – સામાન્ય રીતે આંગણવાડી કેન્દ્રોની ઓળખ બાળકોને મળતા પૂરક પોષણ અને પ્રાથમિક અક્ષરજ્ઞાન પૂરતી સીમિત માનવામાં આવે છે. પરંતુ તાપી જિલ્લામાં સંકલિત બાળ વિકાસ યોજના વિભાગ પોષણ ભી પઢાઈ ભી આ સ્લોગનને કેન્દ્રમાં રાખીને ભૂલકાઓના બહુમુખી વ્યક્તિત્વ ઘડતરનું સશક્ત માધ્યમ બની રહ્યું છે.
બાળકોમાં સમજ, જ્ઞાન અને પોષણની સાથે-સાથે તેમની સુષુપ્ત કલાશક્તિઓને ઉજાગર કરવા તથા સ્થાનિક આદિવાસી સંસ્કૃતિના મૂલ્યોનું સિંચન કરવા માટે વિભાગ દ્વારા વિવિધ સાંસ્કૃતિક અને રચનાત્મક પ્રવૃત્તિઓનું આયોજન કરવામાં આવે છે. તાજેતરમાં રાજ્યકક્ષાના મંત્રી ડો. જયરામભાઈ ગામીતના અધ્યક્ષસ્થાને યોજાયેલા ભૂળકા મેળો કાર્યક્રમમાં આંગણવાડીના નાના ભૂલકાઓએ પરંપરાગત વેશભૂષામાં સજ્જ થઈને આદિવાસી લોકનૃત્યની અદભુત પ્રસ્તુતિ કરી હતી.
નોંધનીય છે કે, ચણિયાચોળી, ધોતી-ઝભ્ભો, પાઘડી, કમરે આસોપાલવના પાન તથા હાથમાં ટોપલી, તીર-કામઠું અને મોરપીંછ જેવા પરંપરાગત પ્રતીકો સાથે તાલબદ્ધ નૃત્ય કરતા ભૂલકાઓનો ઉત્સાહ જોવાલાયક હતો. કાર્યક્રમ દરમિયાન નીચે બેસીને તાળીઓના તાલે બાળકોને સતત માર્ગદર્શન અને પ્રોત્સાહન પૂરું પાડતા આંગણવાડી કાર્યકર બહેનોની માતૃવત્ સંવેદના બાળકોના મંચ પરના સંકોચને દૂર કરી તેમનામાં આત્મવિશ્વાસ અને સમૂહભાવનાના ગુણો વિકસાવે છે.
આ પ્રસંગે ઉપસ્થિત મહાનુભાવો અને પદાધિકારીઓના હસ્તે ભૂલકાઓને ટ્રોફી અર્પણ કરી તેમની કલાને બિરદાવવામાં આવી હતી. નાની વયે મળતું આ પ્રકારનું પ્રોત્સાહન બાળકોમાં આત્મગૌરવની ભાવના જન્માવે છે. આમ, બાળમેળા, લોકનૃત્ય, અભિનય અને રમતગમત જેવી પ્રવૃત્તિઓ થકી ICDS વિભાગ ‘સહી પોષણ, દેશ રોશન’ના ધ્યેયમંત્રને સાર્થક કરવાની સાથે આવતીકાલની સંસ્કારી અને સક્ષમ પેઢીના નિર્માણમાં મહત્વપૂર્ણ યોગદાન આપી રહ્યો છે.
○○○
