સોનગઢ ખાતે રાજ્યકક્ષાના મંત્રીશ્રી ડૉ. જયરામભાઈ ગામીતની અધ્યક્ષતામાં જિલ્લા કક્ષાનો “બાળ મેળો-૨૦૨૬” યોજાયો
Contact News Publisher

પૂર્વ પ્રાથમિક શિક્ષણ અને રમતગમત દ્વારા બાળકોના સર્વાંગી વિકાસ માટે આંગણવાડી કાર્યકરો, વાલીઓ અને સમુદાયન ભાગીદારી અત્યંત જરૂરી : મંત્રીશ્રી ડૉ. જયરામભાઈ ગામીત*
—
થીમ આધારિત TLM પ્રદર્શન અને બાળકોની કૃતિઓએ સૌના મન મોહ્યા; શ્રેષ્ઠ કૃતિઓને શિલ્ડ અને ઇનામો આપી પ્રોત્સાહિત કરાયા
—
(પ્રતિનિધિ દ્વારા, વ્યારા) : તા. ૨૧. :– રાજ્યકક્ષાના રમત અને પ્રવાસન મંત્રી ડૉ. જયરામભાઈ ગામીતના અધ્યક્ષસ્થાને સોનગઢના રંગ ઉપવન ખાતે જિલ્લા કક્ષાના “બાળ મેળો ૨૦૨૬” કાર્યક્રમ યોજાયો હતો.
આ તકે, મંત્રીશ્રી ડૉ. જયરામભાઈ ગામીતે જણાવ્યું કે, બાળકના જીવન ઘડતરનો પાયો પૂર્વ પ્રાથમિક શિક્ષણ એટલે કે આંગણવાડીમાંથી જ નંખાય છે. ૩ થી ૬ વર્ષની ઉંમર બાળકના શારીરિક, માનસિક અને બૌદ્ધિક વિકાસ માટે સૌથી મહત્વપૂર્ણ હોય છે. બાળકોને રમતા-રમતા શીખવાની ઉત્તમ તક મળે છે અને તેમની અંદર રહેલી સુષુપ્ત શક્તિઓ બહાર આવે છે.
મંત્રીશ્રીએ વધુમાં ઉમેર્યું કે, બાળકોનો યોગ્ય ઉછેર અને પોષણ માત્ર સરકાર કે આંગણવાડી બહેનોની જ નહીં, પરંતુ માતા-પિતા અને સમગ્ર સમાજની સહિયારી જવાબદારી છે. જ્યારે વાલીઓ અને સમુદાય આંગણવાડીની પ્રવૃત્તિઓમાં સક્રિયપણે જોડાય છે, ત્યારે જ ‘સશક્ત બાળક, સમૃદ્ધ સમાજ’નું નિર્માણ શક્ય બને છે. આંગણવાડી કાર્યકરો અને તેડાગર બહેનો પાયાના સ્તરે જે નિષ્ઠાથી બાળકોના ઘડતરનું કાર્ય કરી રહ્યા છે તે ખરેખર અભિનંદનને પાત્ર છે.
આ કાર્યક્રમનો મુખ્ય ઉદ્દેશ્ય પૂર્વ પ્રાથમિક શિક્ષણ દ્વારા નાના ભૂલકાંઓના સર્વાંગી વિકાસને પ્રોત્સાહિત કરવાનો તેમજ આંગણવાડી કાર્યકર, તેડાગર બહેનો, માતા-પિતા અને સમુદાયના લોકોમાં બાળ ઉછેર પ્રત્યેની ભાગીદારી અંગે જનજાગૃતિ લાવવાનો હતો.
કાર્યક્રમના અધ્યક્ષસ્થાનેથી ઉપસ્થિત વાલીઓ અને આંગણવાડી કાર્યકરોને સંબોધતા રાજ્યકક્ષાના
આ બાળ મેળામાં તાપી જિલ્લાના વિવિધ ઘટકોની આંગણવાડી બહેનો દ્વારા પૂર્વ પ્રાથમિક શિક્ષણની થીમ આધારિત TLM (ટીચિંગ લર્નિંગ મટીરીયલ) નું આકર્ષક પ્રદર્શન ગોઠવવામાં આવ્યું હતું, જેનું મંત્રીશ્રી સહિતના મહાનુભાવોએ રસપૂર્વક નિરીક્ષણ કરી બહેનોની સર્જનાત્મકતાને બિરદાવી હતી.
આ ઉપરાંત, આંગણવાડીના નાના ભૂલકાંઓ દ્વારા વિવિધ સાંસ્કૃતિક અને સર્જનાત્મક કૃતિઓ રજૂ કરવામાં આવી હતી, જેણે ઉપસ્થિત સૌ કોઈના મન મોહી લીધા હતા.
કાર્યક્રમના અંતે, બાળ મેળામાં ઉત્કૃષ્ટ દેખાવ કરનાર બાળકોની શ્રેષ્ઠ કૃતિઓ તેમજ શ્રેષ્ઠ TLM તૈયાર કરનાર આંગણવાડી કાર્યકરોને મંત્રીશ્રી અને મહાનુભાવોના વરદ હસ્તે શિલ્ડ અને ઇનામ આપી પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા.
આ પ્રસંગે રાજ્યસભા સાંસદશ્રી મુકેશ રાઠવા, ધારાસભ્યશ્રી મોહનભાઇ કોંકણી, જિલ્લા અગ્રણીશ્રી સુરજભાઈ વસાવા પંચાયત તથા તાલુકા પંચાયતના પદાધિકારીશ્રીઓ, આઈ.સી.ડી.એસ. વિભાગના પ્રોગ્રામ ઓફિસરશ્રી તન્વી પટેલ, સી.ડી.પી.ઓ.શ્રીઓ, મુખ્ય સેવિકા બહેનો, મોટી સંખ્યામાં આંગણવાડી કાર્યકર-તેડાગર બહેનો, વાલીઓ અને બાળકો ઉત્સાહભેર ઉપસ્થિત રહ્યા હતા.
○○○
