વિશ્વ માછીમારી દિવસની ઉજવણી અંતર્ગત સીસોર ગામે રંગીન માછલીઓના ઉછેર અંગે એક દિવસીય પરિસંવાદ યોજાયો
Contact News Publisher

(પ્રતિનિધિ દ્વારા, વ્યારા) : તા. ૨૧. કામધેનુ યુનિવર્સિટી, ઉકાઈ સ્થિત સેન્ટર ઓફ એક્સલન્સ ઇન એક્વાકલ્ચર દ્વારા વિશ્વ માછીમારી દિવસની ઉજવણીના ભાગરૂપે ઉકાઈ તાલુકાના સીસોર ગામે ‘વાડામાં રંગબેરંગી માછલીઓના ઉછેરની સંભાવનાઓ અને શક્યતાઓ’ વિષય પર એક દિવસીય પરિસંવાદનું આયોજન કરવામાં આવ્યું હતું.
આ કાર્યક્રમમાં સીસોર ગામનાં આશરે ૫૦ જેટલાં મહિલા અને પુરુષોએ ઉત્સાહભેર ભાગ લીધો હતો. કાર્યક્રમ દરમિયાન મુખ્ય વક્તા તરીકે ઉપસ્થિત રહેલા ડૉ. રાજેશ વસાવાએ રંગબેરંગી માછલીઓના ઉછેરની પદ્ધતિઓ, ગ્રામ્ય અને આદિવાસી વિસ્તારોમાં તેની રોજગારીલક્ષી સંભાવનાઓ, ઓછી મૂડીમાં સ્વરોજગાર ઊભો કરવાની તકો તેમજ આર્થિક સશક્તિકરણ અંગે વિસ્તૃત માર્ગદર્શન પૂરું પાડ્યું હતું.
આ પ્રસંગે ખેતીવાડી વિભાગના અન્ય અધિકારીઓ પણ ઉપસ્થિત રહ્યા હતા અને તેમણે પણ પોતાના વિભાગને લગતી ઉપયોગી માહિતી આપી હતી.
આ પરિસંવાદનો મુખ્ય ઉદ્દેશ આદિવાસી વિસ્તારની મહિલાઓ અને ગ્રામજનોમાં માછલી ઉછેર અંગે જાગૃતિ લાવવાનો તેમજ રંગીન માછલીઓના ઉછેરને આવકના એક વૈકલ્પિક અને સ્વરોજગારલક્ષી વ્યવસાય તરીકે પ્રોત્સાહન આપવાનો હતો.
○○○
