પ્રાકૃતિક કૃષિમાં અળસિયા ખેડુતોના સૌથી મોટા મિત્ર છે
Contact News Publisher

(પ્રતિનિધિ દ્વારા, વ્યારા) : તા. ૧૯.- પ્રાકૃતિક ખેતીમાં જમીનની ફળદ્રુપતા વધારવા અને પાકનું ઉત્પાદન સુધારવા માટે દેશી અળસિયાં ખેડૂતના સૌથી મોટા મિત્ર સાબિત થાય છે. જમીનને પોચી અને જીવંત રાખવામાં દેશી અળસિયાંની ભૂમિકા અત્યંત મહત્વપૂર્ણ છે.
દેશી અળસિયું માત્ર માટી જ ખાય છે અને તેનું આયુષ્ય લગભગ ૧૫ વર્ષ જેટલું લાંબું હોય છે. તે જુદા-જુદા તાપમાનમાં પણ સરળતાથી કામ કરવાની ક્ષમતા ધરાવે છે. જો તેને અનુકૂળ વાતાવરણ ન મળે, તો તે અન્ય સ્થળે જતું રહે છે અથવા જમીનમાં નીચે ઊંડે જઈને સુષુપ્ત અવસ્થા ધારણ કરી લે છે.
અળસિયાં ૨૪ કલાકની અંદર ૭ વખત જમીનમાં ઉપર આવે છે અને બીજા માર્ગેથી નીચે જાય છે. આ પ્રક્રિયા દરમિયાન તેઓ જમીનમાં કુલ ૧૪ છિદ્રો બનાવે છે, જેના કારણે જમીનમાં હવાની અવર-જવર ભરપૂર પ્રમાણમાં થાય છે અને જમીનની ભેજ સંગ્રહવાની શક્તિ વધે છે.
અળસિયાંના મળમાં તેણે ખાધેલી માટી કરતાં સામાન્ય માટી કરતાં ૭ ગણા વધુ નાઈટ્રોજન, ૯ ગણા વધુ ફોસ્ફરસ, ૧૧ ગણા વધુ પોટાશ, ૬ ગણા વધુ ચૂનો, ૮ ગણા વધુ મેગ્નેશીયમ અને ૧૦ ગણા વધુ સલ્ફર રહેલા હોય છે. આ ઉપરાંત તેમાં રહેલા અન્ય સૂક્ષ્મ તત્વો જમીનને કુદરતી રીતે ‘સુઝલામ-સુફલામ’ બનાવે છે.
○○○
