સુરત જિલ્લાના માંડવી તાલુકાના ઉટેવા ગામે લોકોનાં પાણી વગર વલખા
(નલિન ચૌધરી દ્વારા, ભડકુવા-માંગરોળ) : સુરત જિલ્લાના માંડવી તાલુકાના ઉટેવા ગામે લોકો પાણી વગર વલખા મારી રહ્યા છે, ત્યારે પંચાયતના હોદ્દેદારો ઘોરનિંદ્રામાં છે. સરપંચએ કોઇ તસ્દી નહિ લીધી હોવાનુ આવ્યું બહાર.
ગત ચોમાસા દરમિયાન ભરપુર વરસાદમાં ગટરો ખોદી પાણી માટે પાઇપલાઇન નાંખી હતી પરંતુ આજદિન સુધી નળમાં પાણી આવ્યાં નથી અને નથી તો લોકોની સમસ્યા દુર થઈ. પાઇપલાઈન માટે વપરાયેલ સામાન પણ હલકી ગુણવત્તાની તથા ઠેર-ઠેર ભંગાણવાળી નાંખી છે. ઘણી જગ્યાએ જુની લાઇનમાં જોડાણ આપી કામમાં વેઠ ઉતારેલ છે. ટાંકી સાથે પાણીનું જોડાણ પણ નથી અપાયું અને બોરમાં મોટર નાંખવાની તસ્દી પણ લેવાઇ નથી.
કોઇ પણ જગ્યાએ હજુ સુધી નળ ફિટીંગ કરવામાં આવ્યા નથી અને કામ અધુરુ છે.હયાત હેડપંપમાં સરપંચના મળતિયા તથા પંચાયતના સભ્યોએ પોતાની ખાનગી મોટરો નાંખી હેડપંપો કાઢી નાખ્યા હતાં અને ગામના બીજા લોકોને પાણી આપતા નથી.
આ બાબતે સરપંચશ્રી તથા (WASMO) માંડવી અધિકારીશ્રી C.E. સુરત પાણી પુરવઠા વિભાગને વારંવાર ટેલિફોનિક રજુઆત કરવા છતાં આજદિન સુધી લોકોની પાણીની સમસ્યા માટે ધ્યાન આપવામાં આવ્યું નથી કે ઘટતું કરવાની કોઇ તજવીજ હાથ ધરવામાં આવી નથી.
દર વર્ષે ઉટેવાનાં માલડુંગરા ફળિયું તથા ગામીત ફળિયામાં પાણીની ગંભીર સમસ્યા હોવા છતાં પંચાયત કે જે તે વિભાગ કોઇ નક્કર આયોજન કરતાં નથી તેમજ સરકારશ્રી દ્વારા નાણાં ફાળવ્યા તો પણ કોઇ કામગીરી થઈ નથી એવા આક્ષેપો ગામનાં લોકોએ કર્યો હતો. તેમજ ગામના સરપંચએ પણ આ તકલીફને લઈને કોઇ તસ્દી લીધી નથી એવુ ગામનાં લોકોએ જણાવ્યુ હતું.