કામધેનુ યુનિવર્સિટી, ઉકાઈ ખાતે ST ખેડૂતો માટે જળચર ઉછેરની ત્રણ દિવસીય તાલીમ યોજાઈ

0
કામધેનુ યુનિવર્સિટી, ઉકાઈ ખાતે ST ખેડૂતો માટે જળચર ઉછેરની ત્રણ દિવસીય તાલીમ યોજાઈ
Contact News Publisher

(પ્રતિનિધિ દ્વારા, વ્યારા) :  તા. ૨૯. MPEDA–NaCSA, નવસારી, ગુજરાત અને સેન્ટર ઓફ એક્સલન્સ ઇન એક્વાકલ્ચર, કામધેનુ યુનિવર્સિટી, ઉકાઈના સંયુક્ત ઉપક્રમે અનુસૂચિત જનજાતિ (ST)ના ખેડૂતો માટે તા. ૨૭ થી ૨૯ ઓક્ટોબર, ૨૦૨૬ દરમિયાન “જળચર ઉછેરમાં સારી સંચાલન પદ્ધતિઓ અને વૈવિધ્યકરણ” વિષય પર ત્રણ દિવસીય તાલીમ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું.

 

આ તાલીમનો મુખ્ય ઉદ્દેશ ખેડૂતોને ટકાઉ જળચર ઉછેર, મત્સ્ય ઉછેરની વૈજ્ઞાનિક પદ્ધતિઓ, જળાશયોમાં પાંજરા પદ્ધતિથી મત્સ્ય ઉછેર, મત્સ્ય ઉછેરમાં વૈવિધ્યકરણ તથા માછલીઓમાં થતા રોગો અને તેના નિવારણ અંગે પ્રાયોગિક અને વૈજ્ઞાનિક માર્ગદર્શન પૂરું પાડવાનો હતો.

 

કાર્યક્રમ દરમિયાન NaCSAના ફિલ્ડ મેનેજર શ્રી આશિષ હોદ્દાર દ્વારા “બેટર મેનેજમેન્ટ પ્રેક્ટિસિસ દ્વારા મત્સ્ય ઉછેર” વિષય પર માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. ડૉ. સ્મિત આર. લેન્ડે “જળાશયમાં પાંજરા પદ્ધતિથી મત્સ્ય ઉછેરમાં સારી સંચાલન પદ્ધતિઓ” વિષય પર માહિતી આપી હતી. સેન્ટર ઓફ એક્સલન્સ ઇન એક્વાકલ્ચરના સિનિયર રિસર્ચ આસિસ્ટન્ટ ડૉ. રાજેશ વસાવાએ “પાંજરા પદ્ધતિથી મત્સ્ય ઉછેર અને વૈવિધ્યકરણની સંભાવનાઓ” વિષય પર માર્ગદર્શન આપ્યું હતું. જ્યારે જુનિયર રિસર્ચ ફેલો શ્રી સાગર ઢીમરે “માછલીઓમાં થતા રોગો અને તેનું નિવારણ” વિષય પર ખેડૂતોને વિસ્તૃત માહિતી પૂરી પાડી હતી. તેમજ કેજ કલ્ચરની મુલાકાત પણ તમામ તાલીમાર્થી દ્વારા લીધી.

 

આ તાલીમ કાર્યક્રમમાં ઉકાઈ ડેમ સાથે સંકળાયેલા આશરે ૨૦ માછીમારોએ ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો. તાલીમ દરમિયાન સહભાગીઓને મત્સ્ય ઉછેરમાં વૈજ્ઞાનિક પદ્ધતિઓ અપનાવવા, ઉત્પાદન ખર્ચ ઘટાડવા, માછલીઓના સ્વાસ્થ્યનું યોગ્ય સંચાલન કરવા તથા જળાશય આધારિત મત્સ્ય ઉછેરની સંભાવનાઓનો મહત્તમ ઉપયોગ કરવા અંગે માર્ગદર્શન આપવામાં આવ્યું હતું.

 

આ પ્રકારના તાલીમ કાર્યક્રમો દ્વારા અનુસૂચિત જનજાતિના ખેડૂતો અને માછીમારોમાં આધુનિક મત્સ્ય ઉછેર અંગે જાગૃતિ વધશે, તેમની આજીવિકાની તકોમાં વધારો થશે અને ટકાઉ મત્સ્ય ઉત્પાદનને પ્રોત્સાહન મળશે. પરિણામે ગુજરાત સહિત સમગ્ર ભારતમાં મત્સ્ય ઉત્પાદન વધારવા, જળચર સંસાધનોનો કાર્યક્ષમ ઉપયોગ કરવા તથા માછીમારોની આર્થિક અને સામાજિક પ્રગતિમાં યોગદાન આપવાની અપેક્ષા છે.

○○○

About The Author

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *