ડોલવણના પદમડુંગરી ખાતે બાગાયતી પાકોનાં નિકાસની તકો ઉપર ખેડૂત સેમિનાર યોજાયો
Contact News Publisher

(પ્રતિનિધિ દ્વારા, વ્યારા) : તા. ૨૯. નવસારી કૃષિ યુનિવર્સિટીના ન. મ. કૃષિ મહાવિદ્યાલયના કૃષિ અર્થશાસ્ત્ર વિભાગ અને કૃષિ વિજ્ઞાન કેન્દ્ર, ન.કૃ. યુ. વ્યારા (તાપી) ના સંયુક્ત ઉપક્રમે તા. ૨૭ ઓક્ટોબર, ૨૦૨૬ ના રોજ તાપી જિલ્લાના ડોલવણ તાલુકાના પદમડુંગરી ઇકો ટુરિઝમ સેમિનાર હોલ ખાતે “દક્ષિણ ગુજરાતમાંથી ઉચ્ચ મૂલ્ય ધરાવતા બાગાયતી પાકોની નિકાસની તકો” વિષય પર એક દિવસીય ખેડૂત સેમિનારનું આયોજન કરવામાં આવ્યું હતું. યુનિવર્સિટીના કુલપતિશ્રી ડૉ. આર. એમ. નાયક સહિત યુનિવર્સિટીના અધિકારીઓ, કૃષિ વૈજ્ઞાનિકો, નિકાસકારો અને ખેડૂતોએ સેમિનારમાં સહભાગી થઈ બાગાયતી પાકોની નિકાસની સંભાવનાઓ અંગે ચર્ચા કરી હતી. સેમિનારનો મુખ્ય ઉદ્દેશ દક્ષિણ ગુજરાતના ખેડૂતોને નિકાસલક્ષી બાગાયતી ખેતી અને બજાર વ્યવસ્થાપન અંગે માહિતગાર કરી તેમની આવક વધારવા માટે ઉપલબ્ધ સંભાવનાઓથી પરિચિત કરવાનો હતો. નિકાસ ક્ષેત્રના નિષ્ણાતો એવા શ્રી ચંદ્રકાંતભાઈ પટેલ અને શ્રીમતી મેઘનાબેન પટેલ દ્વારા બાગાયતી પાકોની નિકાસ પ્રક્રિયા, આંતરરાષ્ટ્રીય બજારમાં ઉપલબ્ધ તકો તથા નિકાસ દરમિયાન આવતા પડકારો અને તેના ઉપાયો અંગે માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. આ ઉપરાંત, ગુણવત્તાયુક્ત ઉત્પાદન, જીવાત અને રોગ વ્યવસ્થાપન, સુધારેલી ખેતી તકનીકો તથા કૃષિ-વ્યવસાયની તકો અંગે નિષ્ણાતોએ વિસ્તૃત માહિતી આપી હતી.
●●●
