વૃદ્ધોની સંભાળનો સંદેશ ફેલાવવા 3,000 કિમીની એકલ સાયકલયાત્રા પૂર્ણ કરનાર અભિનવસિંહનું સુરતમાં ભવ્ય સ્વાગત
Contact News Publisher

(પ્રતિનિધિ દ્વારા, ઓલપાડ) : તા.૨૯. અડાજણ સ્થિત આત્મન પાર્ક સોસાયટી ખાતે અદાણી હજીરા પોર્ટ લિમિટેડમાં સિક્યુરિટી ઓફિસર તરીકે ફરજ બજાવતા એકલ સાયકલયાત્રી અભિનવસિંહનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું. તેમણે અરુણાચલ પ્રદેશના ઇટાનગરથી ગુજરાતના સુરત સુધીની 3,000 કિલોમીટરની પડકારજનક સાયકલયાત્રા સફળતાપૂર્વક પૂર્ણ કરી હતી. ડૉન ટુ ડસ્ક: પેડલિંગ ફોર અવર રૂટ્સ (Dawn to Dusk: Pedalling for Our Roots) એટલે કે સવારથી સાંજ સુધી: આપણાં મૂળ સાથે જોડાવા માટેની સાયકલયાત્રા વિષય હેઠળ યોજાયેલી આ દેશવ્યાપી યાત્રા અભિનવસિંહે પોતાના સ્વર્ગસ્થ દાદા-દાદીની સમર્પિત કરી હતી.
બે વર્ષના સમયગાળામાં તેમણે પોતાના દાદા-દાદીને ગુમાવ્યા હતા. તેમની સ્મૃતિને હૃદયમાં રાખીને તેમણે આ યાત્રા દ્વારા વૃદ્ધોના સ્વાસ્થ્ય, સક્રિય વૃદ્ધાવસ્થા અને કુટુંબ આધારિત વૃદ્ધોની સંભાળ અંગે સમગ્ર દેશમાં જાગૃતિ ફેલાવવાનો સંદેશ આપ્યો હતો. કાર્યક્રમમાં મુખ્ય મહેમાન તરીકે ઉપસ્થિત અનિલ મારડિયા તથા ફિટ ઇન્ડિયા ગુજરાત રાજ્યના નેતાએ અભિનવસિંહની અસાધારણ સહનશક્તિ અને સિદ્ધિની પ્રશંસા કરી હતી. તેમની સાથે અદાણી હજીરા પોર્ટ લિમિટેડના સિક્યુરિટી વિભાગના વડા સંદીપ જયસ્વાલે પણ સાયકલિંગને સામુદાયિક સ્વાસ્થ્ય અને તંદુરસ્તીને પ્રોત્સાહન આપવાનું સશક્ત માધ્યમ ગણાવ્યું હતું. આ પ્રસંગે નિસર્ગોપચાર અને યોગ ચિકિત્સક ડૉ. દિવ્યા પંવારે સક્રિય વૃદ્ધાવસ્થા અંગે વિશેષ માર્ગદર્શન આપ્યું હતું. તેમણે વૃદ્ધાવસ્થામાં સ્વસ્થ જીવનશૈલી, શારીરિક સક્રિયતા અને યોગ્ય સંભાળના મહત્ત્વ પર પ્રકાશ પાડ્યો હતો. આ સન્માન સમારોહનું સંયુક્ત આયોજન ડૉ. દિવ્યા પંવાર, આત્મન પાર્ક સોસાયટીના પ્રમુખ રાજેશ કંચનલાલ ટેલર, બદ્રેશ વલ્લભ પટેલ, ડૉ. જગદીશ જી. પટેલ, માલતીબેન પટેલ સહિત અન્ય આગેવાનોએ કર્યું હતું. ઉપસ્થિત સૌએ અભિનવ સિંહની સિદ્ધિને બિરદાવી હતી.
○○○
