ઓલપાડની તળાદ વિભાગ માધ્યમિક શાળામાં ભવ્ય ગરબા સ્પર્ધા યોજાઈ
Contact News Publisher

(પ્રતિનિધિ દ્વારા, વ્યારા) : તા. ૨૫. ઓલપાડ સુરત રોડ સ્થિત તળાદ વિભાગ માધ્યમિક શાળામાં સ્થાનિક કેળવણી મંડળના સહયોગથી ગરબા સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં જુનિયર કે.જી. થી લઈને ધોરણ 12 સુધીના વિદ્યાર્થીઓએ સહર્ષ ભાગ લીધો હતો. કાર્યક્રમની શુભ શરૂઆત માતાજીની આરતી દ્વારા કરવામાં આવી હતી. જેમાં ઉપસ્થિત સર્વે મહેમાનો,શિક્ષકો તથા વિદ્યાર્થીઓએ ભાગ લીધો હતો. પ્રાથમિક વિભાગમાં કુલ 7 કૃતિઓ રજૂ કરવામાં આવી હતી, જ્યારે માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક વિભાગમાંથી કુલ 5 કૃતિઓ રજૂ થઈ હતી. નિર્ણાયક તરીકે સાયણ પ્રાથમિક શાળામાંથી રજનીબેન તેમજ ટ્વિંકલબેન ઉપસ્થિત રહ્યા હતા. નિર્ણાયકો દ્વારા પ્રાથમિક વિભાગમાંથી બે શ્રેષ્ઠ કૃતિઓ પસંદ કરાઈ હતી. જેમાંની ધોરણ 3 અને 4 ના વિદ્યાર્થીઓની કૃતિએ પ્રથમ નંબર પ્રાપ્ત કર્યો હતો .જ્યારે માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિકમાંથી ધોરણ 10-બ ની કૃતિને પ્રથમ નંબર પ્રાપ્ત થયો હતો. અત્રે દરેક વિભાગમાંથી બેસ્ટ એકશન અને બેસ્ટ ડ્રેસના ઇનામો પણ જાહેર કરાયા હતા. પસંદ કરાયેલ શ્રેષ્ઠ કૃતિઓને તળાદ ગામના સરપંચ વિલાસીનીબેન તરફથી આશરે 50 જેટલા ઇનામો અપાયા હતા. વિજેતા ટીમને શાળાના આચાર્ય જયેશ પટેલ તરફથી અભિનંદન પાઠવવામાં આવ્યા હતા. સાથેજ ઉપસ્થિત સર્વે સ્થાનિક મંડળના સભ્યો, સરપંચ, નિર્ણાયકો, વાલીઓ, વિદ્યાર્થીઓ તેમજ અન્ય મહેમાનોનો આભાર વ્યક્ત કરવામાં આવ્યો હતો. કાર્યક્રમનું સફળ સંચાલન ઉચ્ચતર માધ્યમિક વિભાગના ચિલ્કાબેન દ્વારા કરવામાં આવ્યું હતું.
●●●
