બાગાયતી પાકોમાં પ્રાકૃતિક ખેતી અને ખેડૂતલક્ષી યોજનાઓ અંગે મોરદેવી ખાતે ખેડૂત શિબિર યોજાઈ

0
બાગાયતી પાકોમાં પ્રાકૃતિક ખેતી અને ખેડૂતલક્ષી યોજનાઓ અંગે મોરદેવી ખાતે ખેડૂત શિબિર યોજાઈ
Contact News Publisher

ફળપાકોનો વાવેતર વિસ્તાર વધારવા અને બાગાયતી પેદાશોની નિકાસ અંગે ખેડૂતોને માર્ગદર્શન અપાયું

—

(પ્રતિનિધિ દ્વારા, વ્યારા) : તા. ૨૨. :- તાપી જિલ્લાના વાલોડ તાલુકાના મોરદેવી ગામે નાયબ બાગાયત નિયામકશ્રીની કચેરી દ્વારા બાગાયતી પાકોમાં પ્રાકૃતિક ખેતી પદ્ધતિઓ તથા ખેડૂતલક્ષી સહાય યોજનાઓ અંગે જાગૃતિ લાવવાના હેતુથી ગત અઠવાડિયે ખેડૂત શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું. શિબિરમાં ખેડૂતોને બાગાયતી ખેતીના વિકાસ, ટકાઉ ખેતી પદ્ધતિઓ અને વિવિધ સરકારી યોજનાઓ અંગે ઉપયોગી માર્ગદર્શન આપવામાં આવ્યું હતું.

 

શિબિરમાં સુરતના સંયુક્ત બાગાયત નિયામકશ્રી ડી. કે. પડાલીયાએ ‘ગ્રો મોર ફ્રૂટ ક્રોપ અભિયાન’ અંતર્ગત ફળપાકોનો વાવેતર વિસ્તાર વધારવા ખેડૂતોને આહ્વાન કર્યું હતું. સાથે જ તેમણે ઓઈલ પામની ખેતી અંગે પણ માર્ગદર્શન પૂરું પાડ્યું હતું.

 

નાયબ બાગાયત નિયામકશ્રી ડી. એમ. રાઠોડે પ્રાકૃતિક અને ગાય આધારિત ટકાઉ ખેતી પદ્ધતિઓ વિશે સમજણ આપી હતી. જ્યારે KVK તાપીનાં બાગાયત વૈજ્ઞાનિક પરમેશ્વરી ચૌધરીએ મુખ્ય બાગાયતી પાકોમાં પ્રાકૃતિક ખેતીની પદ્ધતિઓ અને તેના ઉપયોગ અંગે વિગતવાર માહિતી આપી હતી.

 

મદદનીશ બાગાયત નિયામકશ્રી એચ. આર. પુરોહિતે જિલ્લા બાગાયત ખાતા દ્વારા અમલી વિવિધ સહાયલક્ષી યોજનાઓ વિશે ખેડૂતોને માહિતગાર કર્યા હતા. આ ઉપરાંત, બેડચિત સ્થિત ‘કેબી એક્સપોર્ટર્સ’ના ચેતન હાંડેએ શાકભાજીની પેદાશોની વિદેશમાં નિકાસ માટેની તકો અને સંબંધિત પ્રક્રિયા અંગે માર્ગદર્શન પૂરું પાડ્યું હતું.

 

આ શિબિરમાં વિસ્તરણ અધિકારી (ખેતી), મોરદેવી ગામના સરપંચશ્રી અનિલભાઈ ચૌધરી સહિત આશરે ૧૫૦થી વધુ ખેડૂત ભાઈ-બહેનોએ ઉત્સાહભેર ભાગ લીધો હતો.

●●●

About The Author

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *