ગુજરાત સરકારના ૨૬ વિભાગોની સેવાઓ અને યોજનાઓ હવે એક જ ‘એગ્રીમીડિયા’ એપ પર ઉપલબ્ધ

(પ્રતિનિધિ દ્વારા, વ્યારા) : તા. 21 – ગુજરાત સરકારના વિવિધ વિભાગોની જનઉપયોગી માહિતી એક જ ડિજિટલ પ્લેટફોર્મ પર નાગરિકોને સરળતાથી મળી રહે તે હેતુથી ડિજિટલ એગ્રીમીડિયા, ગાંધીનગર દ્વારા ‘એગ્રીમીડિયા એપ’ તૈયાર કરવામાં આવી છે. આ એપ એન્ડ્રોઇડ તથા આઇફોન બંનેમાં વિના મૂલ્યે ઉપલબ્ધ છે.
આ એપનું નામ ‘એગ્રીમીડિયા’ હોવા છતાં તે માત્ર કૃષિ પૂરતી મર્યાદિત નથી, પરંતુ તેમાં ગુજરાત સરકારના તમામ ૨૬ વિભાગોની ઉપયોગી સેવાઓની માહિતી ઉપલબ્ધ છે. એપમાં સરકારી ફોનબુક, વિવિધ સરકારી યોજનાઓ, ઉપયોગી લિંક્સ, ડિજિટલ લાઇબ્રેરી, હવામાન, બજાર ભાવ, તાજા સમાચાર, શૈક્ષણિક માહિતી તેમજ પ્રશ્ન-સમાધાન જેવી સુવિધાઓ એક જ જગ્યાએ મળે છે.
તાપી જિલ્લાના નાગરિકો, કર્મચારીઓ અને અધિકારીઓ આ એપનો મહત્તમ ઉપયોગ કરી સરકારની વિવિધ યોજનાઓ અને માહિતીનો લાભ મેળવી શકે તે માટે જિલ્લા વહીવટી તંત્ર દ્વારા અપીલ કરવામાં આવી છે. સૌ નાગરિકોને પોતાના મોબાઈલમાં આ એપ ડાઉનલોડ કરી સરકારી યોજનાઓ અને માહિતીનો લાભ લેવા અનુરોધ છે.
●●●
