તાપી જિલ્લામાં ફટાકડાના ઉત્પાદન-વેચાણ તથા ફોડવા પર કેટલાંક પ્રતિબંધ ફરમાવતુ જાહેરનામુ

(પ્રતિનિધિ દ્વારા, વ્યારા) : તા. 21 – અધિક જિલ્લા મેજીસ્ટ્રેટશ્રી આર.આર.બોરડે તાપી જિલ્લાના વિસ્તારમાં તા. 24 નવેમ્બર, 2026 સુધી કેટલાંક કૃત્યો પર પ્રતિબંધ ફરમાવતુ જાહેરનામુ પ્રસિદ્ધ કર્યુ છે.
જાહેરનામા મુજબ, નામ. સુપ્રિમ કોર્ટ દ્વારા ગ્રીન તથા માન્યતા પ્રાપ્ત ફટાકડા કે જે ઓછા એમિશન ઉત્પન્ન કરે છે તેના ઉત્પાદન અને વેચાણની પરવાનગી આપવામાં આવેલ હોવાથી, આ સિવાયના તમામ પ્રકારનાં ફટાકડાનું ઉત્પાદન અને વેચાણ કરી શકાશે નહિ. ભારે ઘોંઘાટવાળા ફટાકડા સ્વાસ્થ્ય માટે ખૂબ જ હાનિકારક હોવાથી તથા વધુ પ્રમાણમાં હવાનું પ્રદૂષણ અને ઘન કચરો પેદા કરતાં લડીવાળા ફટાકડા પર નામ. સુપ્રિમ કોર્ટ દ્વારા પ્રતિબંધ મુકવામાં આવેલ હોવાથી આ પ્રકારના ફટાકડાનું ઉત્પાદન કે વેચાણ કરી શકાશે નહિ.
ફટાકડાનું વેચાણ માત્ર લાયસન્સધારક વેપારીઓ દ્વારા કરવાનું રહેશે. આ વેપારીઓએ નામ. સુપ્રિમ કોર્ટના તા.૨૩/૧૦/૨૦૧૮ ના આદેશ મુજબ માન્ય રાખવામાં આવેલ ફટાકડાઓનું જ વેચાણ કરવાનું રહેશે. ઉપરાંત તમામ ઈ-કોમર્સ વેબસાઈટને ઓનલાઈન તમામ પ્રકારના ફટાકડાના વેચાણ પર પ્રતિબંધ મુકવામાં આવેલ છે. ફટાકડા બનાવવા માટે બેરીયમના ઉપયોગ પર નામદાર સુપ્રિમ કોર્ટે પ્રતિબંધ મુકેલ હોવાથી બેરીયમનો ઉપયોગ કરી શકાશે નહિ.
દિવાળીના તથા અન્ય તહેવારો કે જેમાં ફટાકડા ફોડવામાં આવે છે તેમાં ફટાકડા રાત્રે ૦૮:૦૦ થી ૧૦:૦૦ કલાક સુધી જ ફોડી શકાશે. તેમજ ક્રિસમસ અને નૂતન વર્ષના તહેવાર દરમિયાન ફટાકડા રાત્રે ૨૩.૫૫ કલાકથી ૦૦.૩૦ કલાક સુધી જ ફોડી શકાશે. હોસ્પિટલો, નર્સિંગ હોમ, આરોગ્ય કેન્દ્રો, શૈક્ષણિક સંસ્થાઓ, ન્યાયાલયો, ધાર્મિક સ્થળોની ૧૦૦ મીટરની ત્રિજયાના વિસ્તારને સાયલન્ટ ઝોન તરીકે ગણવામાં આવશે અને ત્યાં કોઈપણ પ્રકારના ફટાકડા ફોડી શકાશે નહિ.
લોકોને અવગડ ઉભી ન થાય તથા કોઈપણ ભયજનક પરિસ્થિતિનું નિર્માણ ન થાય તે માટે તાપી જિલ્લાના જાહેર રસ્તાઓ, પેટ્રોલ પંપ, એલ.પી.જી. બોટલીંગ પ્લાન્ટ, એલ.પી.જી.ગેસના સ્ટોરેજ કે અન્ય સળગી ઉઠે તેવા પદાર્થોનો સંગ્રહ કરેલા ગોદામો કે ઇલેકટ્રીક સબસ્ટેશનની નજીક ફટાકડા ફોડી શકાશે નહિ. કોઈપણ પ્રકારના સ્કાય લેન્ટર્ન (ચાઈનીઝ તુકકલ / આતશબાજી બલુન)નું ઉત્પાદન તથા વેચાણ કરી શકાશે નહી તેમજ કોઈપણ સ્થળે ઉડાડી શકાશે નહિ.
આ હુકમનો ભંગ અથવા ઉલ્લંઘન કરનાર શિક્ષાને પાત્ર થશે.
●●●
