તાપી જિલ્લા આરોગ્ય કર્મચારીઓના પડતર પ્રશ્નો, આંદોલન ધારણ કરે તે પહેલા તાકીદે નિરાકરણ કરવા મંડળની માગણી

(પ્રતિનિધિ દ્વારા, વ્યારા) : તા. ૧૯. તાપી જિલ્લા પંચાયત હસ્તકના પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર ખાતે ફરજ બજાવતા આરોગ્ય કર્મચારીઓ જેવા કે લેબોરેટરી ટેક્નિશિયન, ફાર્માસિસ્ટ સ્ટાફનર્સ,મલ્ટી પર્પઝ હેલ્થ વર્કર, ફિમેલ હેલ્થ વર્કર, પુરુષ અને સ્ત્રી સુપરવાઈઝરોના નાણાકીય અને વહીવટી પ્રશ્નોનો કોઈ નિવેડો ના આવતા એક લેખિત રજૂઆત કરી તાકીદે બેઠક ફાળવી નક્કર પરિણામ લાવવા આવેદનરૂપી તાપી જિલ્લા આરોગ્ય કર્મચારી મંડળે જિલ્લા વહીવટી તંત્રને રજૂઆત કરી છે.
તાપી જિલ્લા આરોગ્ય કર્મચારી મંડળના પ્રમુખ સુરેશભાઈ એચ.ગામીત મંત્રી શ્રી સંજીવ એન. પટેલ મુખ્ય કન્વીનર જગદીશભાઈ મરાઠેની એક અખબારી યાદીમાં જણાવ્યા મુજબ સાતમા પગાર પંચ નો ત્રીજો હપ્તો જુલાઈ 2022માં ચૂકવવાનો હતો તે ઘણાં કર્મચારીઓને આજ દિન સુધી મળેલ નથી.નવી વર્ધીત પેન્શન યોજનાના 50 કરતાં વધારે આરોગ્ય કર્મચારીઓના નાણા કપાત થતા નથી, લેબોરેટરી ટેકનીશીયનના 5,ફાર્માસિસ્ટ 15 સ્ટાફ નર્સ 30 મલ્ટીપર્પઝ હેલ્થ વર્કર અને ફિમેલ હેલ્થ વર્કરના 70 સહિત સો કરતા વધારે આરોગ્ય કર્મચારીઓને ઉચ્ચતર પગાર ધોરણનો એરિયર્સ સાથેનો લાભ મળેલ નથી,તમામ તાલુકાની સર્વિસ બુક અપડેટ કરવાની કામગીરી,સી.આર અંગેની ફાઈલ જિલ્લા કક્ષાએ કસ્ટડીમાં નિભાવણી થતી નથી, દર માસની આખર તારીખ સુધીમાં પગાર કરવો, 230 કરતાં વધારે ફીમેલ હેલ્થ વર્કરોને 24 માસના મોબાઇલ ડેટા રિચાર્જના નાણા રૂપિયા ₹3,333 વાર્ષિક પ્રમાણે ચુકવેલ નથી, એન.ક્યુ.એ.એસના નાણાં ચૂકવવા, સીએલ અને હક રજા નિયમ અનુસાર મંજૂર કરવી,વાલોડ તાલુકા આરોગ્ય અધિકારી દ્વારા તારીખ 28. 8. 2026 ના રોજ પાઠવેલ નોટિસના પ્રશ્નોનો નિકાલ કરવા સહિત 1 થી 13 જેટલા પ્રશ્નો અંગે જિલ્લા વિકાસ અધિકારી અને મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારીને આવેદનરૂપી રજૂઆત કરવામાં આવી છે. જો આ બાબતે મંડળ સાથે યોગ્ય પરામર્શ ના કરી મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી દ્વારા મંડળ પાસે મંડળના રજીસ્ટ્રેશનની બેહુદી અને બિનજરૂરી માગણી કરી કર્મચારીઓના પડતર પ્રશ્નો ઉકેલવા ઠાગાઠૈયા કરી બહાના બતાવી રહ્યા છે. જે બિલકુલ યોગ્ય નથી.જેનો તાપી જિલ્લા આરોગ્ય કર્મચારી મંડળ સખત વિરોધ નોંધાવે છે.આના કારણે કર્મચારીઓને આર્થિક નુકસાન જઈ રહ્યું છે. નાના પ્રશ્નો આંદોલનનો સ્વરૂપ ધારણ ના કરે તે માટે સંગઠનો સાથે ટેબલ પર જ પ્રશ્નો ઉકેલવા મુખ્યમંત્રી શ્રી ભુપેન્દ્રભાઈ પટેલે ગત કેબિનેટ બેઠકમાં દરેક વિભાગો સામે નારાજગી વ્યક્ત કરી કર્મચારી સંગઠનો સાથે કેમ પરામર્શ કરવામાં આવતો નથી. તેમ જણાવી ઠપકો આપવામાં આવેલ છે. હવે તાપી જિલ્લા આરોગ્ય વિભાગ “ઓપન ડોર પોલીસી” અપનાવી પ્રશ્નનો નિકાલ ના કરશે તો આગામી દિવસોમાં આંદોલનની નોટિસ પાઠવી ગાંધી ચિંધ્યા માર્ગે દિવાળી પહેલા આંદોલન કરશે.તેવું તાપી જિલ્લા આરોગ્ય કર્મચારી મંડળના પ્રમુખ સુરેશભાઈ ગામીત, મંત્રી સંજીવ પટેલ અને મુખ્ય કન્વીનર જગદીશ મરાઠે એ જણાવ્યું છે.
●●●
