તાપીમાં બાગાયતની ૩ યોજનાઓ માટે ઓનલાઇન અરજીની મુદત ૩૦ ઓક્ટોબર સુધી લંબાવાઈ

આઇ-ખેડૂત પોર્ટલ પર ખેડૂતોને અરજી કરવાની વધુ તક; વિવિધ ફળપાકો અને આદુ-હળદરના વાવેતરને પ્રોત્સાહન આપતી યોજનાઓનો લાભ લેવા અનુરોધ
—
(પ્રતિનિધિ દ્વારા, વ્યારા) : તા. ૧૬. વર્ષ ૨૦૨૬-૨૭ દરમિયાન બાગાયત ખાતા દ્વારા મંજૂર કરવામાં આવેલી નવી યોજનાઓનો લાભ જિલ્લાના વધુમાં વધુ ખેડૂતો મેળવી શકે તે હેતુથી આઇ-ખેડૂત (i-Khedut) પોર્ટલ પર ઓનલાઇન અરજી કરવાની મુદત લંબાવવામાં આવી છે. અગાઉ તા. ૧૫ ઓક્ટોબર, ૨૦૨૬ સુધી અરજી કરવાની સમયમર્યાદા હતી, જે હવે વધારીને તા. ૩૦ ઓક્ટોબર, ૨૦૨૬ કરવામાં આવી છે.
બાગાયત નિયામકની કચેરી, ગુજરાત રાજ્ય દ્વારા વર્ષ ૨૦૨૬-૨૭ માટે મંજૂર કરવામાં આવેલ યોજનાઓ પૈકી બહુસ્તરીય પદ્ધતિથી ફળપાકોનો વાવેતર વિસ્તાર વધારવાનો કાર્યક્રમ તેમજ ફળપાકોમાં ફિલ્ડ કવર થકી ગુણવત્તાયુક્ત ઉત્પાદન મેળવવાનો કાર્યક્રમ તમામ જાતિના ખેડૂતો માટે તથા રાઇઝોમેટીક (આદુ/હળદર) પાકોને પ્રોત્સાહિત કરવાનો કાર્યક્રમ માત્ર અનુસૂચિત જનજાતિના ખેડૂતો માટે આમ આ ત્રણ યોજના ઓ માટે ઓનલાઇન અરજીઓ મંગાવવામાં આવી રહી છે.
આ યોજનાઓનો લાભ લેવા ઇચ્છુક તાપી જિલ્લાના ખેડૂતોએ નિર્ધારિત સમયમર્યાદા એટલે કે તા. ૩૦ ઓક્ટોબર, ૨૦૨૬ સુધીમાં આઇ-ખેડૂત પોર્ટલ પર ઓનલાઇન અરજી કરી દેવા નાયબ બાગાયત નિયામકશ્રી દ્વારા અનુરોધ કરવામાં આવ્યો છે.
યોજનાઓ અંગે વધુ માહિતી મેળવવા માટે ખેડૂતો નાયબ બાગાયત નિયામકશ્રીની કચેરી, બ્લોક નં. ૧૨, બીજો માળ, જિલ્લા સેવા સદન, તાપી-વ્યારા ખાતે અથવા ફોન નંબર ૦૨૬૨૬-૨૨૧૪૨૩ પર સંપર્ક કરી શકે છે.તેમ નાયબ બાગાયત નિયામકશ્રી, તાપીની અખબારી યાદીમાં જણાવાયું છે.
○●○
