રાજ્યકક્ષાના નાણાંમંત્રીશ્રી કમલેશભાઈ પટેલની તાપી જિલ્લાની ત્રિ-દિવસીય મુલાકાત સંપન્ન

0
રાજ્યકક્ષાના નાણાંમંત્રીશ્રી કમલેશભાઈ પટેલની તાપી જિલ્લાની ત્રિ-દિવસીય મુલાકાત સંપન્ન
Contact News Publisher

સોનગઢ તાલુકામાં આવેલા પ્રખ્યાત ગૌમુખ મહાદેવ મંદિરે દર્શન-અર્ચન કરીને ધન્યતા અનુભવતા મંત્રીશ્રી કમલેશભાઈ પટેલ 

 

સ્થાનિક ગ્રામજનોના ઘરે પધારી તેમના પ્રશ્નો-રજૂઆતો સ્વયં સાંભળ્યા

 

(પ્રતિનિધિ દ્વારા, વ્યારા) : તા. ૧૪ :– નાણાં, પોલીસ હાઉસિંગ, જેલ, સરહદી સુરક્ષા, ગૃહ રક્ષક દળ અને ગ્રામ રક્ષક દળ, નાગરિક સંરક્ષણ તથા નશાબંધી અને આબકારી વિભાગના રાજ્યકક્ષાના મંત્રીશ્રી કમલેશ પટેલની તાપી જિલ્લાની ત્રિ-દિવસીય મુલાકાત અત્યંત સફળ અને ખાસ રહી હતી.

 

તાપી જિલ્લા તથા નિઝર વિધાનસભા મતવિસ્તારના તાલુકાઓમાં પ્રવાસના ત્રીજા અને અંતિમ દિન, બુધવારે મંત્રીશ્રી કમલેશભાઈ પટેલે સોનગઢ તાલુકામાં આવેલા પ્રખ્યાત ગૌમુખ મહાદેવ મંદિરે દર્શન-અર્ચન કરીને ધન્યતા અનુભવી હતી. દર્શન બાદ તેમણે ગૌમુખ કુંડ તેમજ મનોરમ્ય વોટરફોલની મુલાકાત લઈ સ્થળનું નિરીક્ષણ કર્યું હતું, તેમજ અહીં આવનાર પ્રવાસીઓ અંગે જાણકારી મેળવી હતી.

 

વધુમાં મંત્રીશ્રી કમલેશભાઈ પટેલે નિઝર વિધાનસભા વિસ્તારના સ્થાનિક ગ્રામજનોના ઘરે રૂબરૂ પધારીને લોકસંપર્ક કર્યો હતો. ગ્રામજનોના પ્રશ્નો અને રજૂઆતો સ્વયં ઉપસ્થિત રહીને સાંભળ્યા હતાં. મંત્રીશ્રીના આ સાદગીભર્યા સ્વભાવે સ્થાનિક ગ્રામજનોના દિલ જીતી લીધા હતા.

 

નોંધનીય છે કે, ત્રિ-દિવસીય પ્રવાસ કાર્યક્રમ દરમિયાન મંત્રીશ્રીએ જનસુનાવણી કાર્યક્રમમાં હાજર રહી લોકોની સમસ્યાઓના ત્વરિત અને ન્યાયી ઉકેલ માટે સંબંધિત અધિકારીઓને જરૂરી દિશાનિર્દેશ આપ્યા હતા. તેમજ પોતાની આ મુલાકાત દરમિયાન મંત્રીશ્રીએ પ્રજાલક્ષી કાર્યો, ધાર્મિક-પ્રવાસન સ્થળોની મુલાકાત અને વહીવટી કામગીરીની ઝીણવટભરી સમીક્ષા કરી હતી.

 

ઉપરાંત, તાપી જિલ્લા વહીવટી તંત્રના ઉચ્ચ અધિકારીઓની ઉપસ્થિતિમાં મંત્રીશ્રીએ મંગળવારે વિવિધ સરકારી વિભાગોની કામગીરીની સમીક્ષા બેઠક યોજી હતી. નિઝર વિધાનસભા વિસ્તારમાં ચાલી રહેલા વિવિધ વિકાસકામોનું સ્થળ પર જઈને પ્રત્યક્ષ નિરીક્ષણ કર્યું હતું. આ દરમિયાન અન્ય વિકાસકામોમાં આવતા પડકારો અને અડચણો અંગે યોગ્ય ઉકેલ લાવીને કામગીરી ઝડપી બનાવવા માટે મંત્રીશ્રીએ રચનાત્મક સૂચનો કર્યા હતા તથા તમામ કામો સમયમર્યાદામાં અને ગુણવત્તાસભર પૂર્ણ કરવા માર્ગદર્શન પૂરું પાડ્યું હતું.

 

તેઓની બુધવારની મુલાકાત દરમિયાન જિલ્લા અગ્રણીશ્રી ડૉ. જગદીશભાઈ પટેલ, શ્રી સુરજભાઈ વસાવા સહિતના હોદ્દેદારો-સ્થાનિક જનપ્રતિનિધિઓ, વહીવટી તંત્રના અધિકારીઓ ઉપસ્થિત રહ્યાં હતાં.

○○○

સૌથી મહત્વપૂર્ણ બાબતથી ચૂકશો નહીં.

👉🏻  ગુજરાત રક્ષા હમણાં જ ડાઉનલોડ કરો અને માહિતીની શક્તિથી સુરક્ષિત રહો !

________________

About The Author

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *