કોસંબા રેલવે સ્ટેશન પર અટવાયેલાં મહિલા અને પાંચ વર્ષના બાળકને બારડોલી 181 અભયમ ટીમે સુરક્ષિત આશ્રય અપાવ્યો

(રહિમ પઠાણ દ્વારા, સુરત) : તા. ૧૪. આસામની વતની એક મહિલા પોતાના પાંચ વર્ષના બાળક સાથે કોસંબા રેલવે સ્ટેશન પર મુશ્કેલીમાં મુકાતાં મદદ માટે 181 અભયમ મહિલા હેલ્પલાઇનનો સંપર્ક કર્યો હતો. મહિલાની રજૂઆત મળતાં જ બારડોલી 181 અભયમ ટીમના કાઉન્સેલર તૃપ્તિ પટેલ, મહિલા પોલીસ કોન્સ્ટેબલ વનિતાબેન ચૌધરી અને પાયલોટ નિકુંજભાઈ તાત્કાલિક સ્થળ પર પહોંચ્યા હતા.
સ્થળ પર પહોંચીને ટીમે મહિલા સાથે વાતચીત કરી તેમની પરિસ્થિતિ જાણી હતી. કાઉન્સેલિંગ દરમિયાન મહિલાએ જણાવ્યું હતું કે તેઓ મૂળ આસામનાં વતની છે અને લગ્નજીવનને આશરે આઠ વર્ષ થયાં છે. હાલ તેઓ પતિ અને પાંચ વર્ષના બાળક સાથે બેંગલુરુ ખાતે રહે છે. કામધંધા માટે કોસંબા આવતાં, સંબંધિત વ્યક્તિનો મોબાઇલ ફોન બંધ આવતો હોવાથી સંપર્ક થઈ શક્યો નહોતો. ઉપરાંત, કામના સ્થળનું ચોક્કસ સરનામું ન હોવાથી તેઓ બાળક સાથે મુશ્કેલીમાં મુકાયાં હતાં.
અભયમ ટીમે મહિલાને શાંતિપૂર્વક સાંભળી તેમની જરૂરિયાત અને પરિસ્થિતિનું મૂલ્યાંકન કર્યું હતું. ત્યારબાદ મહિલાના પતિનો સંપર્ક કરીને પરિસ્થિતિ અંગે ચર્ચા કરી હતી. પતિએ કામ અર્થે બહાર હોવાથી તાત્કાલિક આવી શકે તેમ ન હોવાનું જણાવી પત્ની અને બાળકને સુરક્ષિત આશ્રય અપાવવા વિનંતી કરી હતી.
મહિલા અને બાળકની સુરક્ષા, સલામતી તથા તાત્કાલિક જરૂરિયાતને ધ્યાનમાં રાખીને અભયમ ટીમે તેમને સુરક્ષિત રીતે કોસંબા રેલવે સ્ટેશન પરથી લઈ જઈ સુરત સ્થિત સખી વન સ્ટોપ સેન્ટર ખાતે આશ્રય અપાવવામાં સહાય કરી હતી.
આ ઉપરાંત, ટીમે મહિલાને મુશ્કેલીના સમયે ઉપલબ્ધ સરકારી સહાય સેવાઓ અને જરૂરિયાત મુજબ આગળની મદદ મેળવવા અંગે સરળ ભાષામાં માર્ગદર્શન આપ્યું હતું. કાયદાકીય જોગવાઈઓ મુજબ, મહિલાની પરિસ્થિતિ અને જરૂરિયાતને અનુરૂપ ઉપલબ્ધ સહાય મેળવવા અંગે પણ સમજણ આપવામાં આવી હતી.
આમ, બારડોલી 181 અભયમ મહિલા હેલ્પલાઇન ટીમે સમયસર સ્થળ પર પહોંચી કાઉન્સેલિંગ, સંકલન અને જરૂરી માર્ગદર્શન દ્વારા મહિલા તથા બાળકને સુરક્ષિત આશ્રય અપાવવામાં મહત્વપૂર્ણ કામગીરી કરી હતી.
○○○
સૌથી મહત્વપૂર્ણ બાબતથી ચૂકશો નહીં.
👉🏻 ગુજરાત રક્ષા હમણાં જ ડાઉનલોડ કરો અને માહિતીની શક્તિથી સુરક્ષિત રહો !
________________
