84 વર્ષીય વૃદ્ધ મહિલાને 181 અભયમ ટીમની સમજાવટથી મળ્યું પરિવારિક સમાધાન
181 helpline

સાસુ-વહુ વચ્ચેના મતભેદનું કાઉન્સેલિંગ દ્વારા રાજીખુશીથી નિરાકરણ, વૃદ્ધ મહિલાએ વ્યક્ત કર્યો આભાર
(રહિમ પઠાણ દ્વારા, સુરત) : તા. ૧૮. સુરત શહેરના કતારગામ વિસ્તારમાંથી એક 84 વર્ષીય વૃદ્ધ મહિલાએ 181 અભયમ હેલ્પલાઇન પર મદદ માટે સંપર્ક કર્યો હતો. મહિલાએ જણાવ્યું હતું કે તેમની પુત્રવધૂ સાથે અવારનવાર નાની-નાની બાબતોને લઈને બોલાચાલી અને મતભેદ થતા હતા.
માહિતી મળતાં જ 181 અભયમ ટીમ તાત્કાલિક સ્થળ પર પહોંચી હતી. ટીમ દ્વારા સમગ્ર પરિસ્થિતિ અંગે બંને પક્ષ પાસેથી માહિતી મેળવવામાં આવી હતી.
મળેલી માહિતી મુજબ, વૃદ્ધ મહિલાને તેમના ચાર પુત્રો અને એક દીકરી છે. પરિવાર દ્વારા તેમની દેખરેખ અને ભોજનની વ્યવસ્થા માટે દરેક પુત્રના ઘરે એક-એક મહિનો રહેવાની વ્યવસ્થા કરવામાં આવી હતી. વૃદ્ધ મહિલાને શારીરિક નબળાઈ હોવાથી તેઓ મકાનના ઉપરના માળે સરળતાથી જઈ શકતા ન હતા. તેથી હાલ તેઓ એક પુત્ર સાથે નીચેના માળે રહેતા હતા.
મહિલાએ જણાવ્યું હતું કે ભોજન ગરમ કરવું, ચા-નાસ્તા જેવી રોજિંદી નાની બાબતોને લઈને પુત્રવધૂ સાથે અવારનવાર મતભેદ થતા હતા. આ પરિસ્થિતિને કારણે મહિલાએ 181 અભયમ ટીમની મદદ માંગી હતી.
181 અભયમ ટીમ દ્વારા વૃદ્ધ મહિલા, પુત્ર અને પુત્રવધૂનું અલગ-અલગ તેમજ સંયુક્ત રીતે કાઉન્સેલિંગ કરવામાં આવ્યું હતું. ટીમે બંને પક્ષને એકબીજા સાથે શાંતિપૂર્ણ અને સન્માનજનક વ્યવહાર રાખવા તેમજ વૃદ્ધ મહિલાની ઉંમર અને શારીરિક સ્થિતિને ધ્યાનમાં રાખીને તેમની જરૂરિયાત મુજબ સહકાર આપવા સમજાવ્યું હતું.
સાથે જ, માતા-પિતા અને વરિષ્ઠ નાગરિકોના ભરણપોષણ તથા કલ્યાણ અધિનિયમ હેઠળ વરિષ્ઠ નાગરિકોના ભરણપોષણ અને કલ્યાણ અંગેની જોગવાઈઓ વિશે બંને પક્ષને સરળ ભાષામાં જરૂરી માહિતી આપવામાં આવી હતી.
કાઉન્સેલિંગ દરમિયાન બંને પક્ષે એકબીજાની પરિસ્થિતિ અને લાગણીઓને સમજવાનો પ્રયાસ કર્યો હતો. 181 અભયમ ટીમની સમજાવટ બાદ બંને પક્ષ વચ્ચેના મતભેદો દૂર કરી પરસ્પર સહમતીથી સમાધાન કરવામાં આવ્યું હતું.
પરિવારમાં ફરીથી સુમેળભર્યું વાતાવરણ જળવાઈ રહે તે અંગે 181 અભયમ ટીમ દ્વારા જરૂરી માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. સમસ્યાનું સમાધાન થતાં વૃદ્ધ મહિલાએ 181 અભયમ ટીમનો હૃદયપૂર્વક આભાર વ્યક્ત કર્યો હતો.
આમ, 181 અભયમ ટીમના સમયસરના હસ્તક્ષેપ, કાઉન્સેલિંગ અને જરૂરી માર્ગદર્શનથી સાસુ-વહુ વચ્ચેના મતભેદનું સમાધાન થઈ પરિવારિક સુમેળ જાળવવામાં મદદ મળી હતી.
●○○
સૌથી મહત્વપૂર્ણ બાબતથી ચૂકશો નહીં.
👉🏻 ગુજરાત રક્ષા હમણાં જ ડાઉનલોડ કરો અને માહિતીની શક્તિથી સુરક્ષિત રહો !
________________
