કડોદરા ૧૦૮ ટીમે રસ્તામાં કરાવી હાઈ-રિસ્ક ગર્ભવતી મહિલાની સફળ પ્રસૂતિ

(મુકેશ પાડવી દ્વારા, વેલ્દા-નિઝર) : તા. ૧૩. સુરત જિલ્લાના પલસાણા તાલુકાના વરેલી ગામની ૩૫ વર્ષીય નિશાદેવી પ્રસાદને પ્રસૂતિની પીડા ઉપડતા તેમના પતિ ભુપતભાઈ પ્રસાદ તેમને કડોદરા ખાતેની ખાનગી હોસ્પિટલમાં લઈ ગયા હતા. હોસ્પિટલમાં તબીબો દ્વારા તપાસ કરતા ગર્ભાવસ્થા હાઈ-રિસ્ક પ્રેગ્નન્સી હોવાનું જણાયું હતું. વધુ સારવાર અને પ્રસૂતિ માટે દર્દીને અન્ય હોસ્પિટલમાં લઈ જવાની સલાહ આપવામાં આવી હતી.
પરિસ્થિતિની ગંભીરતા સમજી ભુપતભાઈએ સમય વેડફ્યા વિના તાત્કાલિક ૧૦૮ એમ્બ્યુલન્સનો સંપર્ક કર્યો. કડોદરા લોકેશન પર ફરજ બજાવી રહેલા પાયલોટ આશિષ રાઠવા અને EMT વર્ષાબેનને કેસ મળતા તેઓ તાત્કાલિક સ્થળ પર પહોંચી ગયા અને દર્દીને સારવાર માટે આગળની હોસ્પિટલ તરફ લઈ જવા રવાના થયા.
પરંતુ હોસ્પિટલ તરફ જવાના માર્ગમાં જ નિશાદેવીની પ્રસૂતિની પીડા અચાનક વધી ગઈ અને રસ્તામાં જ પ્રસૂતિ કરાવવાની પરિસ્થિતિ સર્જાઈ. ગંભીર અને હાઈ-રિસ્ક કેસ હોવા છતાં EMT વર્ષાબેને પોતાની કુશળતા, અનુભવ અને હિંમતપૂર્વક પરિસ્થિતિ સંભાળી, અમદાવાદ સ્થિત ERCP ડૉ. રમાણી સાહેબના માર્ગદર્શન હેઠળ એમ્બ્યુલન્સમાં જ સફળતાપૂર્વક પ્રસૂતિ કરાવી.
EMT વર્ષાબેનની સમયસૂચકતા અને તબીબી કુશળતાના કારણે માતા અને નવજાત બાળક બંનેને જરૂરી તાત્કાલિક સારવાર અને સંભાળ આપવામાં આવી. ત્યારબાદ બંનેને વધુ સારવાર અને દેખરેખ માટે પલસાણા CHC ખાતે સુરક્ષિત રીતે દાખલ કરવામાં આવ્યા.
આ સમગ્ર કામગીરી દરમિયાન કડોદરા ૧૦૮ ટીમે પોતાની ફરજ પ્રત્યેની પ્રતિબદ્ધતા, તત્પરતા અને માનવસેવાનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડ્યું હતું. રસ્તામાં જ સર્જાયેલી ગંભીર પરિસ્થિતિમાં EMT વર્ષાબેનની સમજદારી અને પાયલોટ આશિષ રાઠવાની ઝડપી કામગીરીના કારણે માતા અને બાળકને સમયસર જરૂરી સારવાર મળી શકી હતી.
આ પ્રશંસનીય કામગીરી બદલ EME હિતેશ સાહેબ તેમજ PM અભિષેક ઠાકર સાહેબે ૧૦૮ ટીમની કામગીરીને બિરદાવી અને પ્રોત્સાહિત કરી હતી.
૧૦૮ માત્ર એમ્બ્યુલન્સ નથી, પરંતુ મુશ્કેલીની ઘડીએ જીવન બચાવતી આશાની કિરણ છે.
○○○
સૌથી મહત્વપૂર્ણ બાબતથી ચૂકશો નહીં.
👉🏻 ગુજરાત રક્ષા હમણાં જ ડાઉનલોડ કરો અને માહિતીની શક્તિથી સુરક્ષિત રહો !
________________
