સોનગઢ મામલતદાર કચેરી ખાતે વ્હાલી દીકરી યોજનાનો કેમ્પ યોજાયો

યોજનાથી વંચિત પાત્ર લાભાર્થીઓને સ્થળ પર જ લાભ અપાવવાનો આશય
—
‘સર્વજન કલ્યાણ સંપૂર્ણતા અભિયાન’ હેઠળ એકપણ નાગરિક યોજનાકીય લાભ અને સેવાથી વંચિત ન રહે તે માટે તાપી જિલ્લા વહીવટી તંત્રની પહેલ
—
(માહિતી બ્યુરો દ્વારા, તાપી) : તા. 10. :– તાપી જિલ્લા કલેક્ટરશ્રી દેવ ચૌધરીના માર્ગદર્શન હેઠળ બુધવારે સોનગઢ મામલતદાર કચેરી ખાતે જિલ્લા મહિલા અને બાળ અધિકારીશ્રીની કચેરી દ્વારા “સર્વજન કલ્યાણ સંપૂર્ણતા અભિયાન” અંતર્ગત વ્હાલી દીકરી યોજનાના લાભાર્થીઓ માટે કેમ્પ યોજાયો હતો. જેમાં મોટી સંખ્યામાં સ્થાનિક રહીશો અને પરિવારજનોએ ઉત્સાહભેર ભાગ લીધો હતો.
કેમ્પ દરમિયાન વ્હાલી દીકરી યોજનાથી વંચિત રહી ગયેલા પાત્રતા ધરાવતા લાભાર્થીઓના સ્થળ પર જ ફોર્મ ભરાવી યોજનાકીય લાભ માટેની કાર્યવાહી કરવામાં આવી હતી. જ્યારે કેટલાક લાભાર્થીઓના જરૂરી દસ્તાવેજો અધૂરા હોવાથી, જિલ્લા મહિલા અને બાળ અધિકારીશ્રીની કચેરી, તાપી હસ્તક કાર્યરત ડિસ્ટ્રિક્ટ હબ ફોર એમ્પાવરમેન્ટ ઓફ વિમેન (DHEW) ની ટીમ દ્વારા સંબંધિત વિભાગો સાથે સંકલન કરી જરૂરી દસ્તાવેજો અને પ્રક્રિયા અંગે માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. જેથી આવા લાભાર્થીઓને પણ ટૂંક સમયમાં યોજનાનો લાભ મળી શકે.
કેમ્પના અંતિમ ચરણમાં “બેટી બચાવો, બેટી પઢાવો” યોજના અંતર્ગત દીકરીઓના જન્મને આવકારવા અને દીકરી પ્રત્યે સમાજમાં હકારાત્મક ભાવના કેળવવા માટે વિશેષ પ્રોત્સાહક પહેલ કરવામાં આવી હતી.
નોંધનીય છે કે, “સર્વજન કલ્યાણ સંપૂર્ણતા અભિયાન” અંતર્ગત તાપી જિલ્લાના એકપણ નાગરિક સરકારી યોજનાના લાભ અને સેવાથી વંચિત ન રહે તે માટે જિલ્લા વહીવટી તંત્ર દ્વારા વિશેષ અભિયાન હાથ ધરવામાં આવ્યું છે. આ અભિયાન અંતર્ગત સ્વયંસેવકો દ્વારા પાત્રતા ધરાવતા પરંતુ યોજનાના લાભથી વંચિત લાભાર્થીઓને યોજનાનો લાભ અપાવવા માટે મદદ કરવામાં આવશે. આવા લાભાર્થીની અરજી મંજૂર થયા બાદ સ્વયંસેવકને યોજનાદીઠ રૂ. ૧૦૦ નું પ્રોત્સાહક ઇનામ આપવામાં આવશે.
તાપી જિલ્લાના નાગરિકો ક્યુઆર કોડ સ્કેન કરીને પોતાના આસપાસના અથવા અન્ય પાત્ર લાભાર્થીઓની જે-તે યોજનાના લાભ માટે નોંધણી કરાવી જિલ્લા વહીવટી તંત્રના આ અભિયાનમાં સહભાગી બની શકે છે.
○○○
સૌથી મહત્વપૂર્ણ બાબતથી ચૂકશો નહીં.
👉🏻 ગુજરાત રક્ષા હમણાં જ ડાઉનલોડ કરો અને માહિતીની શક્તિથી સુરક્ષિત રહો !
_______________
