સરકારી યોજનાઓના લાભથી વંચિત પાત્ર નાગરિકોને શોધવા સ્વયંસેવકોને મળશે રૂ. ૧૦૦ પ્રોત્સાહન

QR કોડ અને ગૂગલ ફોર્મથી પાત્ર લાભાર્થીઓની માહિતી નોંધાવવાની તાપી જિલ્લા તંત્રની અપીલ
—
૧૫ સપ્ટેમ્બર સુધી નોંધણી: વૃદ્ધ સહાયથી વ્હાલી દીકરી અને ADIP સહિતની યોજનાઓનો લાભ અપાવાશે
—
તાપી જિલ્લાના છેવાડાના અંતિમ માનવી સુધી સરકારશ્રીની કલ્યાણકારી યોજનાઓનો લાભ પહોંચાડવા તંત્રની અનોખી પહેલ
—
નિવાસી અધિક કલેકટરશ્રી આર. આર. બોરડના અધ્યક્ષસ્થાને સરકારશ્રીની સહાયકારી યોજનાના સંપૂર્ણતા બાબત બેઠક યોજાઈ
—
(માહિતી બ્યુરો દ્વારા, તાપી) : તા. ૨૯. :- તાપી જિલ્લા કલેક્ટરશ્રી દેવ ચૌધરીના માર્ગદર્શન અને નિવાસી અધિક કલેકટરશ્રી આર. આર. બોરડના અધ્યક્ષસ્થાને કલેક્ટર કચેરીના સભાખંડ ખાતે શનિવારે સર્વે મામલતદારશ્રીઓ તથા સંબંધિત વિભાગના અધિકારીઓની બેઠક યોજાઈ હતી.
આ તકે નિવાસી અધિક કલેકટરશ્રી આર. આર.બોરડ દ્વારા સરકારશ્રીની વિવિધ લોકકલ્યાણકારી અને સહાયકારી યોજનાઓનો લાભ જિલ્લાના છેવાડાના અને પાત્ર નાગરિકો સુધી પહોંચે તે માટે રચનાત્મક સૂચનો અને માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. વધુમાં વહીવટી તંત્રના વિવિધ વિભાગો દ્વારા પણ પરિણામલક્ષી પ્રયત્નો કરવા નિવાસી અધિક કલેકટરશ્રી આર. આર. બોરડે સૂચનો કર્યા હતા.
કલેક્ટરશ્રી દેવ ચૌધરીના નેતૃત્વ અને માર્ગદર્શન હેઠળ જિલ્લા વહીવટી તંત્ર દ્વારા ‘સર્વજન કલ્યાણ સંપૂર્ણતા અભિયાન’ અંતર્ગત ‘કોઈ પાત્ર વ્યક્તિ બાકી નહીં – દરેક હકદાર સુધી સરકાર’ ના આશય સાથે મહત્વપૂર્ણ પહેલ હાથ ધરવામાં આવી છે. આ અભિયાનમાં ‘પ્રજા-તંત્ર’ની સહભાગિતાને પણ વિશેષ મહત્વ આપવામાં આવ્યું છે.
જિલ્લાના જાગૃત નાગરિકો તથા સ્વયંસેવકો પોતાના આસપાસના એવા પાત્ર નાગરિકોને શોધી કાઢશે, જેઓ હજુ સુધી સરકારની વિવિધ યોજનાઓના લાભથી વંચિત છે. ટૂંકમાં આવા પાત્રતા ધરાવતા લાભાર્થીઓને યોજનાનો લાભ અપાવવા માટે અરજી કરવામાં આવશે.
અરજી મંજૂર થયા બાદ લાભાર્થી શોધી આપનાર સ્વયંસેવકને પ્રતિ લાભાર્થી રૂ.૧૦૦/- પ્રોત્સાહન રકમ જિલ્લા વહીવટી તંત્ર દ્વારા આપવામાં આવશે.
અભિયાન હેઠળ સરકારી સહાયકારી યોજનાઓના લાભો જિલ્લાના તમામ પાત્ર નાગરિકોને સરળતાથી મળી રહે તે માટે QR કોડ સ્કેન કરીને ગૂગલ ફોર્મ મારફતે લાભાર્થીની માહિતી ભરવા જિલ્લા વહીવટી તંત્ર દ્વારા અપીલ કરવામાં આવી છે.
*ગુગલ ફોર્મમાં નીચેની યોજનાઓના પાત્ર લાભાર્થીઓની વિગતો નોંધાવી શકાશે:*
વૃદ્ધ સહાય યોજના, વિધવા સહાય યોજના, કુટુંબ સહાય (સંકટમોચન) યોજના, દિવ્યાંગ વિદ્યાર્થીઓ માટે શિષ્યવૃત્તિ યોજના, પાલક માતા-પિતા યોજના, વ્હાલી દીકરી યોજના, સંત સુરદાસ યોજના, રાષ્ટ્રીય, વયોશ્રી યોજના, ADIP યોજના સહિતની યોજનાઓ…
આ ઉપરાંત નિરાધાર વૃદ્ધ સહાય યોજના, ગંગા સ્વરૂપા આર્થિક સહાય યોજના અને ઇન્દિરા ગાંધી રાષ્ટ્રીય વૃદ્ધ સહાય યોજના સહિતની વિવિધ કલ્યાણકારી યોજનાઓના પાત્ર લાભાર્થીઓ સુધી પણ લાભ પહોંચાડવા માટે તંત્ર દ્વારા સઘન કામગીરી હાથ ધરવામાં આવશે.
*૧૫ સપ્ટેમ્બર સુધી નોંધણીની તક*
પાત્ર લાભાર્થીઓની માહિતી નોંધાવવા માટેની છેલ્લી તારીખ ૧૫ સપ્ટેમ્બર છે. તાપી જિલ્લા વહીવટી તંત્ર દ્વારા જિલ્લાના નાગરિકો, જાગૃત વ્યક્તિઓ અને સ્વયંસેવકોને આ અભિયાનમાં સહભાગી બની પોતાના આસપાસના પાત્ર પરંતુ યોજનાના લાભથી વંચિત નાગરિકોને શોધી તેમને સરકારી યોજનાઓનો લાભ અપાવવા અપીલ કરવામાં આવી છે.
જિલ્લા વહીવટી તંત્રની આ પહેલથી સરકારની કલ્યાણકારી યોજનાઓનો લાભ વંચિત હકદાર સુધી પહોંચે અને ‘કોઈ પાત્ર વ્યક્તિ બાકી નહીં’ ના સંકલ્પને સાકાર કરવામાં મહત્વપૂર્ણ મદદ મળશે.
0000
