રસ્તામાં જ 108 એમ્બ્યુલન્સમાં સફળ પ્રસૂતિ, EMTની સમયસૂચક કામગીરીથી માતા અને નવજાત શિશુને મળી જરૂરી તબીબી સહાય

માંગરોળ તાલુકાના વેલાછા લોકેશનની 108 ટીમે મુશ્કેલ પરિસ્થિતિમાં જવાબદારીપૂર્વક ફરજ નિભાવી
ERCP ડૉ. રામની સરના માર્ગદર્શન હેઠળ EMT સાહિલભાઈ ચૌધરી અને પાયલોટ કિરણભાઈ ડામોરે સંકલિત કામગીરીથી મુશ્કેલ પરિસ્થિતિને જવાબદારીપૂર્વક સંભાળી
(રહિમ પઠાણ દ્વારા, સુરત) : તા. ૩૦. સુરત જિલ્લાના માંગરોળ તાલુકાના વેલાછા લોકેશનની 108 એમ્બ્યુલન્સ ટીમે ઇમરજન્સીની પરિસ્થિતિમાં સમયસૂચકતા, તબીબી કુશળતા અને જવાબદારીપૂર્વક ફરજ નિભાવી પ્રશંસનીય કામગીરી કરી હતી.
માંગરોળ તાલુકાના સામુહિક આરોગ્ય કેન્દ્ર (CHC) ખાતે પ્રસૂતિની પીડા સાથે આવેલી સગર્ભા મહિલાને વધુ સારવાર અને પ્રસૂતિ માટે ઝઘડિયા ખાતે રેફર કરવામાં આવી હતી. મહિલાને 108 એમ્બ્યુલન્સ મારફતે આગળની સારવાર માટે લઈ જવામાં આવી રહી હતી. તે સમયે વેલાછા લોકેશનની 108 એમ્બ્યુલન્સમાં EMT સાહિલભાઈ જગદીશભાઈ ચૌધરી તથા પાયલોટ કિરણભાઈ દિનેશભાઈ ડામોર ફરજ પર હતા.
મહિલાને હોસ્પિટલ તરફ લઈ જતી વખતે રસ્તામાં જ પ્રસૂતિની પીડા અચાનક વધી ગઈ હતી. પરિસ્થિતિને ધ્યાનમાં લઈ EMT સાહિલભાઈ ચૌધરીએ તાત્કાલિક જરૂરી તબીબી તકેદારી હાથ ધરી હતી. અમદાવાદ હેડ ઓફિસના ERCP ડૉ. રામની સરના માર્ગદર્શન હેઠળ એમ્બ્યુલન્સમાં જ પ્રસૂતિ કરાવવામાં આવી હતી.
પ્રસૂતિ બાદ માતા અને નવજાત શિશુને વધુ તબીબી તપાસ અને સારવાર માટે નજીકના CHC માંગરોળ ખાતે ખસેડવામાં આવ્યા હતા, જ્યાં બંનેને જરૂરી તબીબી સારવાર અને દેખરેખ માટે સોંપવામાં આવ્યા હતા.
આ સમગ્ર કામગીરી દરમિયાન EMT સાહિલભાઈ ચૌધરી અને પાયલોટ કિરણભાઈ ડામોરે પરસ્પર સંકલન સાથે જવાબદારીપૂર્વક ફરજ નિભાવી હતી. 108 ટીમના સમયસરના પ્રતિસાદ અને તબીબી માર્ગદર્શનના સહયોગથી સમગ્ર કામગીરી સુવ્યવસ્થિત રીતે પૂર્ણ કરવામાં આવી હતી.
વેલાછા 108 ટીમની આ પ્રશંસનીય કામગીરી બદલ EME હિતેશ સર તથા PM અભિષેક ઠક્કર સર દ્વારા ટીમની સરાહના કરવામાં આવી હતી.
મહિલાના પરિવારજનો દ્વારા પણ મુશ્કેલ સમયે સમયસર 108 સેવા ઉપલબ્ધ કરાવવા તથા પ્રસૂતિ દરમિયાન જરૂરી સહાય પૂરી પાડવા બદલ 108 એમ્બ્યુલન્સ ટીમનો હૃદયપૂર્વક આભાર વ્યક્ત કરવામાં આવ્યો હતો.
*મુશ્કેલ પરિસ્થિતિમાં 108 – સમયસર સેવા અને જવાબદારીનું ઉત્તમ ઉદાહરણ*
108 ઈમરજન્સી સેવા કટોકટીના સમયે ઝડપી પ્રતિસાદ આપી જરૂરી તબીબી સહાય પહોંચાડવામાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે. વેલાછા 108 ટીમની આ કામગીરી ઇમરજન્સીની પરિસ્થિતિમાં EMT, પાયલોટ અને તબીબી માર્ગદર્શન વચ્ચેના અસરકારક સંકલનનું ઉત્તમ ઉદાહરણ છે.
108 – કટોકટીના સમયે ઝડપી પ્રતિસાદ, સમયસર તબીબી સહાય અને વિશ્વાસપાત્ર સેવા.
○○○
સૌથી મહત્વપૂર્ણ બાબતથી ચૂકશો નહીં.
👉🏻 ગુજરાત રક્ષા હમણાં જ ડાઉનલોડ કરો અને માહિતીની શક્તિથી સુરક્ષિત રહો !
________________
