તાપી જિલ્લામાં ખેડૂતો માટે સબસિડાઈઝ્ડ ખાતરના પ્રિ-બુકિંગ માટે ‘FSAS’ સિસ્ટમનો પ્રારંભ

0
તાપી જિલ્લામાં ખેડૂતો માટે સબસિડાઈઝ્ડ ખાતરના પ્રિ-બુકિંગ માટે ‘FSAS’ સિસ્ટમનો પ્રારંભ ai generated
Contact News Publisher

મોબાઈલથી ઘરબેઠા ખાતરનું બુકિંગ કરી શકાશે; ડીલર પાસે ઉપલબ્ધ સ્ટોકની પણ મળશે માહિતી

(માહિતી બ્યુરો દ્વારા, તાપી) : તા. ૨૭. ભારત સરકાર દ્વારા ખેડૂતોને સબસિડાઈઝ્ડ ખાતર સરળતાથી, પારદર્શક રીતે અને સમયસર ઉપલબ્ધ થાય તે હેતુથી આધુનિક ટેકનોલોજી આધારિત ‘Fertilizer Sale Application System (FSAS)’ એપ્લિકેશન તૈયાર કરવામાં આવી છે. રાજ્યમાં ખેડૂતોને વધુ સરળ અને સુવ્યવસ્થિત સેવા મળી રહે તે માટે પ્રથમ તબક્કામાં ૧૨ જિલ્લાઓમાં આ ડિજિટલ પ્રણાલીનો પ્રારંભ કરવામાં આવી રહ્યો છે. જેના અંતર્ગત તાપી જિલ્લામાં તા. ૨૫ ઓગસ્ટ, ૨૦૨૬થી FSAS સિસ્ટમ કાર્યરત થઈ ગઈ છે.

 

FSAS પ્રણાલી મારફતે ખેડૂતો પોતાના મોબાઈલથી નજીકની રિટેલ ખાતર દુકાન અથવા સહકારી મંડળી ખાતેથી જરૂરી ખાતરનું અગાઉથી પ્રિ-બુકિંગ કરી શકશે. પ્રિ-બુકિંગની સુવિધાથી ખેડૂતોને ખાતર મેળવવા માટે દુકાનો કે મંડળીઓ ખાતે અનાવશ્યક લાઈનોમાં ઊભા રહેવાની અને ભીડનો સામનો કરવાની જરૂર રહેશે નહીં.

 

આ ઉપરાંત, ખેડૂતો ઘરબેઠા જ કયા ડીલર પાસે કયા ખાતરનો કેટલો જથ્થો ઉપલબ્ધ છે તેની માહિતી મેળવીશકશે. FSAS મારફતે થતા દરેક ખાતર વેચાણનો ડિજિટલ રેકોર્ડ જળવાશે, જેના પરિણામે ખાતર વિતરણ વ્યવસ્થામાં વધુ પારદર્શિતા આવશે તેમજ બોગસ અથવા નકલી ખરીદદારો સામે રક્ષણ મળી શકશે.

 

ખેડૂતે એપ્લિકેશન મારફતે ખાતરનો જથ્થો બુક કર્યા બાદ ૪૮ કલાકની અંદર સંબંધિત રિટેલ દુકાન અથવા સહકારી મંડળી ખાતેથી ખાતરનો જથ્થો મેળવી લેવાનો રહેશે. જો ખેડૂત દ્વારા નિર્ધારિત ૪૮ કલાકની સમયમર્યાદામાં ખાતર મેળવવામાં નહીં આવે તો બુકિંગ આપોઆપ રદ થઈ જશે. ત્યારબાદ ખાતર મેળવવા માટે ખેડૂતે ફરીથી બુકિંગ કરવાનું રહેશે.

 

આ નવી ડિજિટલ સિસ્ટમ અંગે જરૂરી માર્ગદર્શન અને સહાયતા તાપી જિલ્લાના તમામ ખાતર વિક્રેતાઓ તેમજ સહકારી મંડળીઓ દ્વારા પૂરું પાડવામાં આવશે. વધુ વિગત માટે નજીકની કૃષિ કચેરીનો સંપર્ક કરવા નાયબ ખેતી નિયામક(વિસ્તરણ) દ્વારા અનુરોધ કરવામાં આવ્યો છે.

 

FSAS જેવી ડિજિટલ પ્રણાલીના અમલીકરણથી ખેડૂતોને ખાતર મેળવવાની પ્રક્રિયા વધુ સરળ, ઝડપી અને પારદર્શક બનશે. તાપી જિલ્લાના ખેડૂતો આ નવીન વ્યવસ્થાનો લાભ લઈ જરૂરી ખાતરનું અગાઉથી બુકિંગ કરી સુગમ રીતે ખાતર મેળવી લેવા નાયબ ખેતી નિયામક (વિસ્તરણ), તાપીની અખબારી યાદી દ્વારા જણાવવામાં આવ્યું છે.

○○○

સૌથી મહત્વપૂર્ણ બાબતથી ચૂકશો નહીં.

👉🏻  ગુજરાત રક્ષા હમણાં જ ડાઉનલોડ કરો અને માહિતીની શક્તિથી સુરક્ષિત રહો !

________________

About The Author

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *