શાળાકીય ગુણવત્તા અને શૈક્ષણિક પ્રગતિને વેગ આપવા બ્લોક રિસોર્સ સેન્ટર ઓલપાડ દ્વારા આચાર્યોની સમીક્ષા બેઠક

(પ્રતિનિધિ દ્વારા, ઓલપાડ) : તા.૨૭. ઓલપાડ તાલુકાની તમામ શાળાઓનાં આચાર્યો માટે તાપ્તિ વેલી ઇન્ટરનેશનલ સ્કૂલ, નરથાણ ખાતે સમીક્ષા બેઠક યોજાઈ હતી. શાળાકીય ગુણવત્તામાં સતત સુધારો, શૈક્ષણિક પ્રગતિને વેગ તથા સરકારશ્રીની વિવિધ યોજનાઓનાં અસરકારક અમલીકરણનાં હેતુથી યોજાયેલી આ બેઠકમાં આચાર્યોને વિવિધ મહત્વપૂર્ણ મુદ્દાઓ અંગે ઊંડાણપૂર્વક માર્ગદર્શન આપવામાં આવ્યું હતું.
બેઠકનાં પ્રથમ સેશનમાં જિલ્લા શિક્ષણાધિકારી કચેરીનાં નિરીક્ષક મહેશ દેસાઈ, મદદનીશ શિક્ષણ નિરીક્ષક હેતલ કારેલિયા, આચાર્ય વિજય પટેલ, ટીપીઈઓ વિજય જરગલિયા તથા બીટ નિરીક્ષક, સીઆરસી કો-ઓર્ડિનેટર્સ, બીઆરપી, સ્પે.એજ્યુકેટર ઉપસ્થિત રહ્યા હતાં. તેમનાં દ્વારા SQAAF, નિપુણ ગુજરાત, UDISE+, બેક ટુ સ્કૂલ અભિયાન, પ્રશસ્ત એપ, શાળાકીય વહીવટ તથા સરકારશ્રીની વિવિધ પ્રવર્તમાન યોજનાઓ અંગે વિગતવાર સમીક્ષા કરી જરૂરી માર્ગદર્શન અને સૂચનો આપવામાં આવ્યા હતા.
બેઠકનાં બીજા સેશનમાં જિલ્લા શિક્ષણ અને તાલીમ ભવનનાં પ્રાચાર્ય હિરેન વ્યાસ ઉપસ્થિત રહી આચાર્યોને ગુણોત્સવ ૨.૦ અંતર્ગત સ્વમૂલ્યાંકન અંગે વિસ્તૃત જાણકારી આપી હતી તેમજ શિક્ષણની ગુણવત્તા સુધારણા, શૈક્ષણિક નેતૃત્વ, વિદ્યાર્થીઓની શૈક્ષણિક પ્રગતિ તથા શાળાઓમાં ગુણવત્તાયુક્ત શિક્ષણનાં અસરકારક અમલીકરણ અંગે માર્ગદર્શન આપ્યું હતું. આ પ્રસંગે બીઆરસી કો-ઓર્ડિનેટર બ્રિજેશ પટેલે ઉપસ્થિત મહાનુભાવો તથા તમામ આચાર્યોનું સ્વાગત કરી શિક્ષણ વિભાગનાં વિવિધ પ્રકલ્પો, શૈક્ષણિક પ્રવૃત્તિઓ અને શાળાકક્ષાએ હાથ ધરવામાં આવતી કામગીરી અંગે વિસ્તૃત ચર્ચા કરી હતી. તેમણે શાળાઓમાં ઉપલબ્ધ સંસાધનોનો મહત્તમ ઉપયોગ, વિવિધ યોજનાઓનું સમયબદ્ધ અમલીકરણ તથા વિદ્યાર્થીઓના સર્વાંગી વિકાસને કેન્દ્રમાં રાખીને કામગીરી કરવા પર ભાર મૂક્યો હતો. બેઠક દરમિયાન આચાર્યો દ્વારા શાળાકીય કામગીરીને લગતા વિવિધ મુદ્દાઓ અંગે ચર્ચા કરી માર્ગદર્શન મેળવવામાં આવ્યું હતું. SQAAF દ્વારા શાળાકીય ગુણવત્તા, નિપુણ ગુજરાત દ્વારા પાયાની સાક્ષરતા અને સંખ્યાજ્ઞાન, UDISE+માં માહિતીની ચોકસાઈ તથા ગ્રાન્ટનાં પારદર્શક અને નિયમોનુસાર ઉપયોગ જેવાં મુદ્દાઓ પર વિશેષ ભાર મૂકવામાં આવ્યો હતો. સમગ્ર બેઠકનો મુખ્ય ઉદ્દેશ શાળાકીય વ્યવસ્થાપનને વધુ સુદૃઢ બનાવવો, શૈક્ષણિક ગુણવત્તામાં સતત સુધારો કરવો અને સરકારશ્રીની વિવિધ શૈક્ષણિક યોજનાઓનો મહત્તમ લાભ વિદ્યાર્થીઓ સુધી પહોંચાડવાનો રહ્યો હતો. સમગ્ર તાલીમમાં ટેકનિકલ સહયોગ એમઆઈએસ સંજય રાવલે પૂરો પાડ્યો હતો. જ્યારે બેઠકની સફળતા માટે બીઆરસી ભવન, ઓલપાડની ટીમે જહેમત ઉઠાવી હતી. એમ પ્રચાર-પ્રસાર પ્રતિનિધિ વિજય પટેલ એક અખબારી યાદીમાં જણાવે છે.
●○○
સૌથી મહત્વપૂર્ણ બાબતથી ચૂકશો નહીં.
👉🏻 ગુજરાત રક્ષા હમણાં જ ડાઉનલોડ કરો અને માહિતીની શક્તિથી સુરક્ષિત રહો !
________________
